અતુલ તિવારી, અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ફાયદો થાય અને સરળતા રહે તે માટે સતત પ્રયત્ન કરતી રહે છે. હવે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે એક ખાસ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને તમામ માહિતી ઓનલાઇન મળી રહે તે માટે આ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આ એપનું નામ સારથી રાખવામાં આવ્યું છે. આ એપ પર એક ક્લિક પર તમામ વસ્તુઓ વિદ્યાર્થીઓને મળી રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા જુદા જુદા અભ્યાસક્રમોના ભૂતકાળમાં લેવાલી પરીક્ષાના પ્રશ્નપત્રો સરળતાથી મળી રહે એ ઉદ્દેશ્યથી સારથી એપ્લિકેશન બનાવવામાં આવી છે. સારથી નામની એપ્લિકેશન GLS યુનિવર્સિટીમાં MSc. IT નો અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓએ તેમના બે પ્રોફેસરની મદદથી તૈયાર કરવામાં આવી છે. જીનાલી સંઘવી, પ્રાંજલ ભીમાણી અને રિષભ શાહે તેમના પ્રોફેસર વિશાલ નારવાણી અને પ્રોફેસર દિનેશ કલાલની મદદથી સારથી એપ્લિકેશન બનાવવામાં આવી છે.


અત્યાર સુધી ગુજરાત યુનિવર્સિટીના ગ્રંથાલયમાં આવેલા ઇન્સ્ટિટ્યૂટશનલ રિપોઝટરી sampada.inflibnet.ac.in પર વાર્ષિક પેપરો અપલોડ કરવામાં આવી રહ્યા હતા. જે હવે મોબાઈલ એપ્લિકેશન સારથીના માધ્યમથી ઉપલબ્ધ થશે. ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતા જુદા જુદા કોર્ષના વર્ષ 2014 થી 2021 દરમિયાનના તમામ અભ્યાસક્રમના જુદા જુદા વિષયોના પ્રશ્નપત્ર સારથી એપ્લિકેશન પરથી મેળવી શકાશે.


આ પણ વાંચોઃ બાળકોમાં મચ્છર અને પાણીજન્ય રોગની સમસ્યા વધી, સિવિલમાં છેલ્લા દોઢ મહિનામાં 5000થી વધુ બાળકોએ લીધી સારવાર  


જુદી જુદી ભાષામાં પણ પ્રશ્નપત્રો ઉપલબ્ધ થશે, જુદા જુદા  અભ્યાસક્રમના કુલ 10 હજાર જેટલા પ્રશ્નપત્રો સારથી એપ્લિકેશનમાં ઉપલબ્ધ કરાવાશે. સારથી એપ્લિકેશનમાં રહેલા પ્રશ્નપત્રના સ્ક્રીન શોટ કે સ્ક્રીન રેકોર્ડરના માધ્યમથી કોપી નહીં કરી શકાય. સારથી એપ્લિકેશનની મદદથી પરીક્ષા પહેલા તૈયારી અને પેપર સ્ટાઇલ સમજવામાં વિદ્યાર્થીઓને સરળતા રહેશે. 


વિદ્યાર્થીઓએ અત્યારે સારથી એપ્લિકેશનમાં UG ના કોર્ષ જેવા કે બી.કોમ., બી.એ., બી.એસસી તેમજ PG ના કોર્ષ એમ.એસસી., એમ.એસસી.આઇટી., સહિતના અભ્યાસક્રમના પેપર અપલોડ કર્યા છે. કોરોનાકાળ દરમિયાન પરીક્ષાની તૈયારી કરવામાં અનેક વિદ્યાર્થીઓને સમસ્યા થઈ હતી, ભૂતકાળના પેપરસેટ મળતા ન હતા, સિનિયર વિદ્યાર્થીઓનું પણ માર્ગદર્શન મેળવવું મુશ્કેલ બન્યું હતું, તેનો ઉકેલ લાવવા માટે આ એપ્લિકેશન બનાવવામાં આવી છે. 


પરીક્ષાની તૈયારી માટે અનેક વિદ્યાર્થીઓએ લાયબ્રેરીનો સહારો લેતા હોય છે પરંતુ કોરોનાકાળમાં લાંબો સમય લાઈબ્રેરીઓ પણ બંધ રહી હતી. ટૂંક સમયમાં સારથી એપ્લિકેશન સત્તાવાર રીતે લોન્ચ કરાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube