હિતલ પારેખ/ગાંધીનગર :આજે ગુજરાત વિધાનસભાના સત્રનો છેલ્લો દિવસ છે. ત્યારે અંતિમ દિવસે વિધાનસભાના પ્રાંગણમાં 182 ધારાસભ્યની ગ્રૂપ ફોટોગ્રાફી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રી મંડળના સભ્યો, ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોનો ગૃપ ફોટોગ્રાફ લેવામાં આવ્યો હતો. જેમાં ત્રણ ધારાસભ્યોની ગેરહાજરી જોવા મળી હતી.  પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ અને કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ત્રણેય ફોટોગ્રાફી સેશનમાં ગેરહાજર રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રૂપ ફોટોની પરંપરા છે
વિધાનસભા સત્રના છેલ્લા દિવસે ધારાસભ્યોના ફોટોસેશનની પરંપરા રહી છે. ધારાસભ્યોની યાદગીરી માટે આ ફોટોસેશન કરવામાં આવતુ હોય છે. જે મોટાભાગે બજેટસત્રના અંતિમ દિવસે થતું હોય છે. ચૂંટણી પહેલા નવી સરકારનું આ પહેલું અને છેલ્લું ફોટોસેશન હતું. ત્યારે 14 વિધાનસભાના 10 માં સત્રમાં ખાલી પડેલી ત્રણ સભ્યો સિવાય 179 સભ્યોનો સંયુક્ત ફોટો લેવામાં આવ્યો હતો. આશાબેન પટેલ અને અનિલ જોષીયારાના દુઃખદ અવસાનથી વિધાનસભાની બેઠક ખાલી છે, જ્યારે દ્વારકા બેઠક કોર્ટમાં કેસ ચાલવાથી આ બેઠક પણ ખાલી છે. 


આ પણ વાંચો : અમદાવાદ સામુહિક હત્યાકાંડનો આરોપી વિનોદ મરાઠી ઈન્દોરથી પકડાયો


વિજય રૂપાણીની ગેરહાજરી આંખે વળગી
ધારાસભ્યોના ફોટો સ્ટેશનમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ગેરહાજર રહ્યા હતા. ફોટોસેશનનો નવ વાગ્યાનો સમય હતો, પણ આ બંને ધારાસભ્યો ત્યા સુધી ગૃહમાં જોવા મળ્યા ન હતા. તો બીજી તરફ, કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પણ ગેરહાજર રહ્યા હતા. આમ, ત્રણેય ધારાસભ્ય વગર ફોટોગ્રાફી સેશન પૂર્ણ કરાયુ હતું. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ અને કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ત્રણ ગેરહાજર રહ્યા હતા. જોકે, ગેરહાજર રહેલા ધારાસભ્ય અગાઉથી જાણ કરી હોવાની વાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ કરી હતી. 


આ પણ વાંચો : અમદાવાદ સામૂહિક હત્યાકાંડમાં 4 ની અટકાયત, પત્નીના આડાસંબંધોએ પરિવારનો ભોગ લીધો?


આજે વિધાનસભા ગૃહમાં પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળ ચાલશે. જેમાં માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, યાત્રાધામ, કુટીર ઉદ્યોગ, સહકાર, શ્રમ રોજગાર, પંચાયત, મત્સ્યોદ્યોગ, કલ્પસર સહિતના મુદ્દા પર ચર્ચા થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ કેગનો અહેવાલ રજૂ થશે. રાજ્ય સરકારના નાણાકીય હિસાબો, વિનિયોગ હિસાબો તથા કેગનો અહેવાલ રજૂ થશે. વિવિધ વિભાગોના વાર્ષિક હિસાબો તથા કેગના અહેવાલો રજૂ થશે. કેગના અહેવાલ રજૂ થયા બાદ બે સરકારી બિલ રજૂ થશે. ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા વિધેયક ગૃહમાં રજૂ થશે. ગુજરાત શહેરી વિસ્તારોમાં ઢોર નિયંત્રણ એટલે કે ઢોર રાખવા અને હેરફેર કરવા બાબતનું વિધેયક રજૂ થશે. સરકારી વિધાયકો રજૂ થયા બાદ છેલ્લા દિવસનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ થશે. ધારાસભ્ય કાળા ડાભિ છેલ્લા દિવસનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ થશે. ખેતીની ઘટતી જતી જમીન સંદર્ભે ગૃહમાં છેલ્લા દિવસના પ્રસ્તાવ પર એક કલાક ચર્ચા ચાલશે.


આ પણ વાંચો : હીટવેવની આગાહી વચ્ચે ગુજરાતનું વાતાવરણ બદલાયું, આણંદમાં ધુમ્મસથી થયેલા અકસ્માતમાં 8 ઘાયલ