અમદાવાદઃ નલ સે જલ યોજનાથી ઘરે ઘરે પાણી પહોંચાડી ગુજરાતને પાણીદાર બનાવ્યાના રાજ્ય સરકાર દાવા કરે છે. ત્યારે આ દાવામાં કેટલી સચ્ચાઈ છે તેની હકીકત તપાસવાનો ZEE 24 કલાકે પ્રયાસ કર્યો. અને જે સચ્ચાઈ સામે આવી તે ખૂબ જ ચોંકાવનારી હતી. કારણ કે ગુજરાતના હજુ એવા ઘણા ગામ છે જ્યાં નલ સે જલ યોજનાના નળ તો પહોંચ્યા છે પણ પાણી નથી પહોંચ્યુ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી પહેલા પાટણ જિલ્લાની વાત કરીએ, જે ઉંમરે હવે રામનામ લેવાનું હોય તે ઉંમરે એક વૃદ્ધ બા હાથમાં ડોલ અને માટલું લઈને પાણી માટે આમતેમ ભટકી રહ્યા છે. આ દ્રશ્યો છે સંખારી ગામના પ્રજાપતિ વાસના, જ્યાં હજુ સુધી નલ સે જલની યોજના પહોંચી જ નથી. એક તરફ પાટણ પાલિકા 100 ટકા નલ સે જલના દાવા કરે છે, તો બીજી તરફ અહીં લોકો જ કાળઝાળ ગરમીમાં ઘરકામ, મજૂરી છોડીને પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. 


આ પણ વાંચોઃ સંકટમાં ગુજરાત! આગામી સમયમાં ખતરો બની શકે છે દરિયો, તમે પણ વાંચો આ રિપોર્ટ


નલ સે જલ યોજનાથી ગુજરાત પાણીદાર બન્યું હોવાના સરકારી દાવાની સચ્ચાઈ શું છે તે જાણવા માટે ઝી 24 કલાકની ટીમ પહોંચી છે જામનગર શહેરમાં. નલ સે જલ યોજના અંતર્ગત ઘણા વિસ્તારમાં પાણીની પાઇપલાઇન તો પહોંચી ગઈ છે પણ પીવાનું પાણી પહોંચ્યું નથી. સરકારના દાવાથી વિપરીત અહીંના લોકો ટેન્કરના પાણી પર નિર્ભર છે. સ્થાનિક લોકોને રોજ 90 જેટલા ટેન્કરો મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યુ છે. 


રોષ પ્રગટ કરતી આ એ મહિલાઓ છે જે ભરઉનાળે એક બેડું પાણી મેળવવા માટે વલખા મારતી હોય છે. આ દ્રશ્યો જ સ્પષ્ટ કરી રહ્યા છે કે સરકારની નળથી જળ પહોંચાડવાની યોજના માત્ર કાગળ પર છે. જૂનાગઢના વોર્ડ નંબર 6ના શાંતેશ્વર અને ઓઘડ નગરમાં ઘરે નળ આવ્યા પરંતુ નળમાં પાણી આવ્યા નથી. અહીંના હેન્ડ પંપ, બોરમાં પણ પાણી ખૂટી પડ્યા છે. જેથી લોકોને પૈસા ખર્ચીને બહારથી પાણી મંગાવવાનો વારો આવે છે. 


બોટાદમાં પણ 100 ટકા નલ સે જલના દાવા માત્ર કાગળ પર જ જોવા મળ્યા છે..સાળંગપુર રોડ પર આવેલ પચીસ વારિયા વિસ્તારમાં હજુ સુધી નલ સે જલ યોજના પહોંચી જ નથી... આજે પણ આ વિસ્તારમાં છકડો રિક્ષામાં બહારથી પીપ ભરીને પાણી લાવવાની ફરજ પડી રહી છે. 3 હજારની વસ્તી ધરાવતા આ વિસ્તારમાં આજે પણ સ્થાનિકો પાણી માટે રઝળપાટ કરતા જોવા મળી રહ્યા છે. 


આ પણ વાંચોઃ આગામી 1 મેથી ગ્રામીણ કક્ષાએથી પ્રાકૃતિક કૃષિ તાલીમ મહા અભિયાન શરૂ થશે 


આવી જ સ્થિતિ મોરબીમાં પણ છે. રાજ્યની A ગ્રેડની મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 12માં ભરે ઉનાળે પાણી માટે બેડાયુદ્ધ જોવા મળી રહ્યું છે..સભાર વાડી વિસ્તારમાં હજુ સુધી લોકોના ઘરે નળથી જળ પહોંચ્યું નથી.. મહિલાઓ માથે બેડા લઈને કૂવામાંથી પાણી ભરવા ચાલીને જવા મજબૂર બની છે..પાણીની સમસ્યા એટલી બધી વિકટ છે કે આ ગામમાં કોઈ દીકરી દેવા પણ તૈયાર નથી...જેથી પાણીની યોગ્ય વ્યવસ્થા કરવા માટે લોકો માગ કરી રહ્યા છે. 


આ છે વિકસિત ગુજરાતની વરવી વાસ્તવિકતા. સરકાર નલ સે જલ યોજના થકી ઘરે ઘરે પાણી પહોંચાડવાના દાવા તો કરી રહી પરંતુ જે દ્રશ્યો સામે આવ્યા છે, તેના પરથી સ્પષ્ટ થઈ રહ્યુ છે સરકારના દાવા પોકળ છે, અને નલ સે જલ યોજના માત્રને માત્ર કાગળ પર જ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube