Monsoon Prediction : ગુજરાતમા ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી વચ્ચે વધુ એક આગાહી આવી ગઈ છે. ગુજરાત ફરી એકવાર એલર્ટ પર છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 4 દિવસ ભારે થી અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદ રહેશે. આ સાથે જ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગે લેટેસ્ટ અપડેટ આપતા જણાવ્યું કે, આજે 29 જુને અને આવતીકાલે 30 જૂને રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે. જેના બાદ 1 જુલાઈથી વરસાદની ગતિ ધીમી પડી જશે. પરંતું હાલ વાતાવરણમાં જે ચોમાસાની બે સિસ્ટમ એકસાથે એકટ્વિ થઈ છે, તેનાથી વરસાદ રહેશે. વરસાદી ટ્રફ અને સરક્યુંલેશનથી ભારે વરસાદ રહેશે. આ સિસ્ટમથી ડાંગ, વલસાડ, સુરત, તાપી અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢમાં ભારે વરસાદ તૂટી પડશે. તો આ બાજુ અમદાવાદમાં આગામી 2 દિવસ ભારે વરસાદ રહેશે. 



અમદાવાદમાં સવારથી મેઘરાજા મહેરબાન થયા છે. કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. અને સામાન્ય વરસાદે અમદાવાદ મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે. સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમદાવાદ કોબા સર્કલથી ઈન્દિરા બ્રિજ તરફ જતા વ્યસ્ત રસ્તા પર પાણી ભરાયા છે. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. જ્યારે નાના ચિલોડામાં તો જાણી સરોવર હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નાના ચિલોડાથી નવા નરોડા જતો રસ્તો બેટમાં ફેરવાઈ ગયો છે. એટલું જ નહીં ચાંદખેડાના અચ્છેર ગામમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન છે. ઈન્દિરા બ્રિજ વિસ્તારમાં સતત વરસાદના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે.



રાજ્યના 7 જળાશયો હાઈ અલર્ટ પર
હાલની સ્થિતિએ ગુજરાતના જળાશયોમાં પાણીની સ્થિતિ જોઈએ તો, રાજ્યના 207 જળાશયોમાં 40.44% પાણીનો સંગ્રહ થયો છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 21.83% પાણીનો સંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં 52.49% પાણીનો સંગ્રહ થયો છે. કચ્છના 4 અને સૌરાષ્ટ્રના 3 ડેમ છલોછલ પાણીથી ભરાયા છે. પાણીના વધુ આવકને કારણે રાજ્યના 7 જળાશયો હાઈ અલર્ટ પર છે. તો 2 ડેમમાં 80થી 90 ટકા પાણી ભરાયુ છે. 3 ડેમમાં 70થી 80 ટકા પાણી ભરાયું છે. તો 194 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી છે. જામનગરનો રૂપારેલ અને સપડા ડેમ પાણીથી છલોછલ ભરાયો છે. કચ્છનો ગજનસર, કાલાઘોડા, કનકાવતી અને ડોન ડેમ છલોછલ ભરાયો છે. 


  • ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 46.88% પાણી..

  • મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 31.29% પાણી..

  • દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 33.49% પાણી..

  • કચ્છના 20 ડેમમાં 49.16 ટકા પાણીનો જથ્થો..


સુરતના અનેક રસ્તાઓ બંધ 
સુરત જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે 19 માર્ગો અવરજવર માટે બંધ કરાયા છે. ઓવરટોપિન્ગ થવાના કારણે, ડાયવર્ઝન ધોવાઈ જવાના કારણે ,બંધ રસ્તા પૈકી વિકલ્પીક રસ્તાની વ્યવસ્થા નથી હોવાના કારણે માર્ગો બંધ કરાયા છે. જ્યારે રસ્તામાં બ્રિજ પડવાના કારણે, એપરોજનું ધોવાણ થવાના કારણે, સ્ટ્રકચર ડેમેજ થવાના કારણે પણ કેટલાક રસ્તા બંધ કરાયા છે. ભારે વરસાદના કારણે અંડરપાસમાં પાણી હોવાથી અને ધેડ વિસ્તારના કારણે અનેક માર્ગો બંધ કરાયા છે. સૌથી વધુ બારડોલી તાલુકામાં આશરે 11 જેટલા માર્ગો બંધ કરાયા છે. 
 



જિલ્લા માં પંચાયત હસ્તકના 23 રસ્તા બંધ કરાયા છે. તો લખાલી ગામથી ચિચબરડી તરફ જતા માર્ગ પરનો લો લેવલ પાણીમાં ગરકાવ થયો છે. વાહનચાલકો અને સ્થાનિકો પાણીમાંથી રસ્તો ક્રોસ નહિ કરે એ માટે બંદોબસ્ત મુકાયો છે. પંચાયત હસ્તકના રસ્તાઓ પરથી પાણી ફરી વળતા વાહનવ્યવહારને અસર પહોંચી છે. સુરત જિલ્લાના છેવાડે આવેલ કુકરમુંડા તાલુકામાં પડેલા વરસાદને લઈ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયો છે. કુકરમુંડા તાલુકાના બાલંબા કેડવામોઈથી મોરંબા જતા માર્ગ પર પાણી ફરી વળ્યું છે. નિઝર અને કુકરમુંડા તાલુકાના ગ્રામીણ વિસ્તારના લો લેવલ પુલો પણ પાણીમાં ગરકાવ થયો છે. ધોધમાર વરસાદને લઈ પાણી ફરી વળતા વાહનવ્યવહારને અસર થઈ છે.