મુસાફરો આ ધ્યાનમાં રાખજો, વાવાઝોડાને કારણે આ રુટની ટ્રેનો અને બસ બંધ કરાઈ
Ambalal Patel Prediction : બિપરજોય વાવાઝોડાના કારણે રેલ અને માર્ગ વાહન વ્યવહાર પર પડી અસર..સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી 100 જેટલી ટ્રેનો પ્રભાવિત..રાજકોટથી દીવ, સોમનાથ, નારાયણ સરોવર જતી એસટી બસ રદ
Gujarat Weather Forecast : 15 જૂને સાંજે ગુજરાતના દરિયા કિનારે બિપોરજોય વાવાઝોડું ટકરાશે. આ સમયે 130 થી 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરાઈ છે. જેની અસર આખા ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાની અસર પગલે આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટગાર્ડ અલર્ટ પર મૂકાઈ છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં આર્મીની ટીમો મોકલવામાં આવશે. ત્યારે બિપરજોયને કારણે રાજ્યમાં બસ અને ટ્રેનો પ્રભાવિત થઈ છે. બિપરજોય વાવાઝોડાના કારણે રેલ અને માર્ગ વાહન વ્યવહાર પર મોટી અસર પડી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી 100 જેટલી ટ્રેનો પ્રભાવિત થઈ છે. તોરાજકોટથી દીવ, સોમનાથ, નારાયણ સરોવર જતી એસટી બસ રદ કરાઈ છે.
વાવાઝોડાના કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર જતી ટ્રેનો પ્રભાવિત થઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જતી કેટલીક ટ્રેનો રદ્દ તો કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. પોરબંદર, વેરાવળ, ઓખા જતી મોટાભાગની ટ્રેનો રદ કરાઈ છે. તો બીજી તરફ, ચક્રવાત બિપોરજોયને લઈ એસટી વિભાગ દ્વારા સતર્કતા રાખવા સૂચના અપાઈ છે. એસટી માટે ડીઝલનો પૂરતો જથ્થો રાખવા સૂચના અપાઈ છે. દરિયા કિનારાના રૂટ પર જીપીએસથી નજર રાખવા સૂચના અપાઈ છે. તેમજ બસ ડ્રાઈવરોને રાત્રિ બસો પાર્ક કરાવવા, ક્રેન અને ટ્રક તૈયાર રાખવા સૂચના આપી છે. આ ઉપરાંત ગાંધીનગરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં હોર્ડિંગ ઉતારવા, ડિઝલ ટેંક સાચવવા સહીતના સૂચનો અપાઈ છે.
બિપરજોય વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રમાં રેલ વ્યવહારને મોટી અસર થઈ છે. મોટી સંખ્યામાં ટ્રેનો રદ કરાઈ તો ઓખાથી ઉપડતી અને ઓખા સુધી જતી કેટલીક લાંબા અંતરની ટ્રેનો રાજકોટ સુધી ટુંકાવાઈ છે.
13 થી 16 જૂન સુધી ઓખા - રાજકોટ ટ્રેન રદ્દ
12 થી 15 જૂન સુધી રાજકોટ - ઓખા ટ્રેન રદ્દ
12 થી 15 જૂન સુધી વેરાવળ - ઓખા અને ઓખા - વેરાવળ ટ્રેન રદ્દ કરવામાં આવી
જયપુર - ઓખા ટ્રેન રાજકોટ સુધી ટુંકાવવામાં આવી
ઓખા - બનારસ ટ્રેન 15 તારીખે ઓખાની જગ્યાએ રાજકોટથી ઉપડશે
12,13 અને 14 તારીખ મુંબઈ સેન્ટ્રલ - ઓખા રાજકોટ સુધી ટુંકાવવામાં આવી
13,14 અને 15 તારીખ ઓખા - મુંબઈ સેન્ટ્રલ ઓખાની જગ્યાએ રાજકોટથી ઉપડશે
15 તારીખે ઓખા - જગન્નાથ પુરી ટ્રેન ઓખાની જગ્યાએ અમદાવાદથી ઉપડશે
12,13 અને 14 જૂન અમદાવાદ વેરાવળ ટ્રેન રદ્દ કરવામાં આવી
13,14 અને 15 જૂન વેરાવળ - અમદાવાદ ટ્રેન રદ કરવામાં આવી
13,14,15 અને 16 તારીખે વેરાવળ - જબલપુર - વેરાવળ ટ્રેન રાજકોટથી ઉપડશે અને રાજકોટ સુધી જ દોડશે
13 થી 15 જૂન વેરાવળ - પોરબંદર - વેરાવળ ટ્રેન રદ કરાઇ
પશ્ચિમ રેલવે દ્વારા હેલ્પલાઈન જાહેર કરાઈ
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર એકે મિશ્રાએ માહિતી આપતા જણાવ્યું કે, બિપરજોયને કારણે ટ્રેનો પ્રભાવિત થઈ છે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર જતી ટ્રેનો પ્રભાવિત થઈ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જતી કેટલીક ટ્રેનો રદ્દ તો કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. પોરબંદર, વેરાવળ, ઓખા જતી મોટાભાગની ટ્રેનો રદ કરાઈ છે. રેલવે દ્વારા ગાંધીધામ અને ભુજ માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. ગાંધીધામનો હેલ્પ ડેસ્ક નંબર 02836-239002, જયારે ભુજ માટે 9724093831 નંબર ઉપર મદદ માંગી શકાશે. કુલ 137 ટ્રેનો માંથી મોટાભાગની ટ્રેનો રદ્દ અને કેટલીક ટ્રેનો શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.
આ રુટની બસો રદ કરાઈ
- અરવલ્લી જિલ્લામાંથી કચ્છ અને સૌરાષ્ટ જતી બસ રદ કરાઈ છે. મોડાસા ડેપો માંથી મોડાસા- સોમનાથ બસ રદ કરાઈ છે. બાયડ ડેપોમાંથી બાયડ- દ્વારકા અને બાયડ-ભુજ રુટની બસ રદ કરાઈ છે. બિપોરજોય વાવાઝોડાની દહેશત વચ્ચે અરવલ્લી જિલ્લાની ત્રણ બસો રદ્દ કરવામાં આવી છે. આગામી 13,14 અને 15 જૂન સુધીની ટ્રીપ રદ્દ કરાઈ
- પોરબંદર એસટી ડેપોના તમામ 59 રુટો બંધ કરાયા છે. આ રુટની આગામી 15 તારીખ તમામ બસો બંધ રહેશે. પોરબંદર રુટ પર દોડતી 64 બસોને પાર્ક કરી દેવામાં આવી છે. પોરબંદર ડેપોની તમામ 244 ટ્રીપ રદ્ કરવામાં આવી
- રાજકોટ એસટી વિભાગ દ્વારા અમુક રૂટની બસ રદ કરાઈ છે. આજથી ત્રણ દિવસ માટે રાજકોટથી દીવ, સોમનાથ અને નારાયણ સરોવરની બસ નહિ ઉપડે. આ ઉપરાંત વીજ પોલ કે ઝાડ નીચે એસટી બસ ઊભી ન રાખવા ડ્રાઇવર કંડકટરોને સુચના અપાઈ.
મુંબઈ જતી ટ્રેનોને પણ અસર
બિપરજોય વાવાઝોડાના સંભવિત અસરના કારણે ટ્રેન રદ કરાઈ છે. પરંતું સૌરાષ્ટ્રથી મુંબઈ જતી ટ્રેન રદ કરાતા મુસાફરો અટવાયા છે. વાવાઝોડાના ચાર દિવસોમાં 100 થી વધુ ટ્રેન રદ કરાતા લાખો મુસાફરોને અસર થશે. વડોદરા ડિવિઝનના 12 હજાર મુસાફરો અને 7 હજાર પાસ હોલ્ડરોને અસર થશે. રેલવે વિભાગ દ્વારા 14 અને 15 જૂને મુસાફરોએ મુસાફરી પહેલા ટ્રેનની સ્થિતિ જાણી લેવા અનુરોધ કરાઈ છે. ભુજ-મુંબઈ કચ્છ એક્સપ્રેસ, ગુજરાત મેલ, સોમનાથ એકસપ્રેસ, સયાજીનગરી એકસપ્રેસ, ભુજ - બરેલી એકસપ્રેસ ટ્રેન રદ કરાઈ અને રૂટમાં ફેરફાર કરાયો છે.
બીપરજોય વાવાઝોડાને લઈને પોરબંદર એસટી ડેપોના તમામ 59 રુટો બંધ કરવાનો નિર્ણય જૂનાગઢ ડિવિઝન દ્વારા કરવામાં આવ્યો છે. આગામી 15 તારીખ એટલે ત્રણ દિવસ સુધી તમામ બસો બંધ રહેશે. હાલમા પોરબંદર રુટ પર દોડતી 64 બસોને ડેપોમાં પાર્ક કરી દેવામાં આવી છે. પોરબંદર ડેપોની તમામ 244 ટ્રીપો રદ્ કરવામાં આવી છે. મુસાફરોની તેમજ કર્મચારીઓની સુરક્ષાને ધ્યાને લઇ આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું પોરબંદર ડેપો મેનેજરે જણાવ્યું હતું.