ગુજરાતમાં આ જગ્યાએ તમને જોવા મળશે મસ્તીથી ફરતા હરણ, અહીં જવા પ્રવાસીઓની લાગે છે લાઈન
પ્રવાસીઓ માટે ખુશખબર છે...એમાંય વન્ય જીવો જેને જોવા ખુબ ગમતા હોય આ સમાચાર એમના માટે ખાસ છે. કારણકે, હવે ગુજરાતના આ વિસ્તારમાં મનમુકીને વિહરતા જોવા મળશે...
ઝી બ્યૂરો, અમદાવાદઃ એક સમય હતો કે ગુજરાતમાંથી એમાંય ખાસ કરીને રાજ્યના ડાંગ જિલ્લામાંથી હરણ લુપ્ત થઈ રહ્યાં હતાં. જોકે, સરકારના એક મહત્ત્વના નિર્ણયને પગલે હાલ ફરી એકવાર હરણથી હર્યું ભર્યું થઈ રહ્યું છે ડાંગ...ઇકો સિસ્ટમ વધુ સંતુલિત થાય તે માટે વન વિભાગ દ્વારા ડાંગના જંગલોમાં એક અનોખી એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ખુબ સફળ અને સુખદ પરિણામો મળી રહ્યાં છે. જેને પગલે ડાંગના જંગલોમાંથી લુપ્ત થયેલા હરણનો વર્ષો પછી વનપ્રવેશ થયો છે. ઇકોસિસ્ટમ સંતુલિત થતાં અને તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધતાં પૂર્ણ અભ્યારણ્યમાં છોડાયેલા હરણની સંખ્યા ૬૪ થઇ છે.
વન વિભાગમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધતાં માનવ તેમજ પ્રાજ્ઞી વચ્ચે સંઘર્ષ ઘટી રહ્યો છે. ડાંગમાં શરૂ કરાયેલા ડીઅર બ્રિડીંગ સેન્ટરના પરિણામે ‘પૂર્ણ અભયારણ'માં તાજેતરમાં છોડાવામાં આવેલા ૫૦ હરણની સંખ્યા વધીને 64 થઈ છે. આ પહેલના પ્રારંભથી હવે ડાંગના જંગલોમાં પ્રવાસીઓ માટે વધુ એક નવું નજરાણું ઉમેરાયું છે. હાલમાં વધુ ૧૧ હરણની ડીઅર બિડીંગ સેન્ટરમાં માવજત કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં હરણ-ચિત્તલની વસ્તીમાં વધારો કરવાના ઉદ્દેશ સાથે ઉત્તર ડાંગ વન વિભાગ હેઠળ કાલીબેલ રેંજ કાર્ય વિસ્તારમાં ચીખલા બીટ ખાતે ડીઅર ડીંગ સેન્ટરની સ્થાપના ૨૦૧૧માં કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ વન વિસ્તારમાં તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધારવા અને માનવ અને પ્રાણી વચ્ચે થતા સંઘર્ષને ઘટાડવાનો છે.
ગુજરાત વન્યજીવ સલાહકાર બોર્ડની ભલામણ અન્વયે ૧૯૭૭માં ડાંગમાં ‘પૂર્ણા વન્યજીવ અભયારણ્ય'ની સ્થાપના કરવામાં આવી હતી. ૨૦૧૯ અને ત્યારબાદ જૂનાગઢ ખાતેના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી ૩૭ ચિત્તલની ફાળવણી ઉપરાંત વાંસદાના રાજા જયવિરેન્દ્રસિહ સોલંકી દ્વારા અત્યાર સુધીમાં ૧૨ ચિતલને ડાંગના ડીઅર બ્રિડીંગ સેન્ટરમાં ભેટમાં આપવામાં આવ્યા હતા.
પૂર્ણી અભયારણ્યમાં સ્થિત ડીયર બ્રીડિંગ સેન્ટર ખાતેથી ૫૦ હરણોને આ અભયારણ્યના કુદરતી વિસ્તારમાં છોડવામાં આવ્યા હતા, જેની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આ તમામ સ્વસ્થ ચિત્તલને તેમના બચ્ચા સાથે કુદરતી નિવાસ સ્થાન એવા પૂર્ણ અભયારણ્ય વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા છે જે ડાંગમાં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.