ગુજરાતમાં કોણે કરી વલસાડ જિલ્લા પોલીસની ઊંઘ હરામ? એક જ ઝાટકે 7થી વધુ ચોરીના ભેદ
વાપીમાં જૈન દેરાસર સહિત અનેક જગ્યાએ ચોરી આચરી જિલ્લા ભરની પોલીસને દોડતી કરનાર ચોર ટોળકી આખરે પોલીસના પાંજરે પુરાઈ છે. જૈન દેરાસરમાં ચોરી થયાના ગણતરીના દિવસોમાં જ વલસાડ જિલ્લા પોલીસે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 26 લાખ 26 હજારથી વધુના મુદ્દામાલ સાથે ચોર ગેંગના 3 આરોપીઓને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે
Trending Photos
નિલેશ જોશી/વાપી: વાપીમાં જૈન દેરાસર સહિત અનેક જગ્યાએ ચોરી આચરી જિલ્લા ભરની પોલીસને દોડતી કરનાર ચોર ટોળકી આખરે પોલીસના પાંજરે પુરાઈ છે. જૈન દેરાસરમાં ચોરી થયાના ગણતરીના દિવસોમાં જ વલસાડ જિલ્લા પોલીસે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 26 લાખ 26 હજારથી વધુના મુદ્દામાલ સાથે ચોર ગેંગના 3 આરોપીઓને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે અને આરોપીઓની ધરપકડ બાદ એક જ ઝાટકે 7થી વધુ ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. કોણ છે આ ચોર ગેંગ? જેણે વલસાડ જિલ્લા પોલીસની ઊંઘ હરામ કરી હતી?
ઔદ્યોગિક નગરી વાપી અને આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી એક ચોર ટોળકી તરખાટ મચાવી રહી હતી .છેવાડાના વિસ્તારમાં જગ્યાએ આવેલા એકલ દોકલ મકાન અને બંગલો સાથે જ મંદિરોને પણ નિશાન બનાવી આ ચોર ટોળકી એ આતંક મચાવ્યો હતો .જેને કારણે વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. વર્ષ 2024 ના ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં આ ચોર ટોળકી એ વાપીના ચલાના મુક્તાનંદ માર્ગ પર આવેલા રંગઅવધૂત સોસાયટીની બાજુમાં આવેલી સર્વ હિતકારક જૈન સંઘના મંદિર અને ઉપાશ્રય ને નિશાન બનાવ્યું હતું. અને તેમાંથી 30 તોલા થી વધુ સોનાના દાગીના અને 1.35 લાખથી વધુની કિંમતના ચાંદી ચાંદીના દાગીના ની ચોરી કરી હતી. આ સાથે જ અઢી લાખ જેટલા રોકડ રકમ અને ગુરુપૂજનની દાનપેટી પણ ઉઠાવી અને ફરાર થઈ ગયા હતા.
આમ આ ચોર ઢોલકી એ એક જ રાતમાં જૈન ઉપાશ્રય અને દેરાસરમાંથી અંદાજે 24 લાખ 13 હજારથી વધુની મુદ્દામાલની ચોરી કરી અને ફરાર થઈ ગયા હતા. આ ચોર ટોળકી જૈન ઉપાશ્રય અને મંદિર છેવાડાના વિસ્તારમાં છે જ્યાં રાત્રે અવર-જવર ઓછી હોય છે આથી જ આ ચોર ટોળકી એ તેને નિશાન બનાવ્યું હતું . આ ચોરીની ઘટના બનતા વાપી ટાઉન પોલીસ દોડતી થઈ ગઈ હતી. આખરે ગણતરીના સમયમાં જ વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી અને ચોર ટોળકીના 3 સાગરિતોને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે. આરોપીઓ પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત 26.26 લાખથી વધુ નો મુદ્દામાલ પણ કબજે કરવામાં સફળતા મળી છે.
પોલીસના હાથે ઝડપાયેલ આરોપીઓમાં 1. રાહુલ શિરસાટ, 2. અજય ઉર્ફે બાંડિયા બ્રાહ્મણે મરાઠી, 3..શિવા વાસોનીયા અને 4. વોન્ટેડ ગૌતમ ખરાતનો સમાવેશ થાય છે. આરોપીઓની ધરપકડ બાદ તેમની આગવી ઢબે પૂછપરછ કરતા ન માત્ર વાપીના જૈન દેરાસરાય અને ઉપાશ્રય પરંતુ વાપીના અન્ય વિસ્તારોમાં બંગલાઓમાં પણ થયેલી ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે .આ ચોર ટોળકી એ વાપી ટાઉન અને આસપાસના વિસ્તારમાં પણ અન્ય ચોરીઓને અંજામ આપી પોલીસની ઊંઘ હરામ કરી હતી. જોકે આખરે હવે આરોપીઓ પોલીસ પાંજરે પુરાતા પોલીસે આરોપીઓની આગવી ઢબે પૂછપરછ હાથ ધરી છે. આગામી સમયમાં આ ગેંગે આચરેલા અન્ય ગુનાઓના ભેદ ઉકેલવામાં પણ પોલીસને સફળતા મળે તેવી શક્યતા જોવાઇ રહી છે.
પોલીસના હાથે ઝડપાયેલી આ ચોર ગેંગ ના સાગરીતો એકબીજાના પરિચિત અને સગાવાલા જ છે. જેઓએ ગેંગ બનાવી અને પ્રથમ સુરતમાં એક પછી એક અનેક ચોરીઓને અંજામ આપી સુરત પોલીસને દોડતી કરી દીધી હતી .આરોપીઓના ગેંગના સાગરીતો વિરુદ્ધ સુરતમાં પણ અનેક પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે .અને ત્યારબાદ આ ગેંગે વાપી અને આસપાસના વિસ્તારમાં ડેરો જમાવી અને એક પછી એક અનેક ચોરીઓને અંજામ આપી વલસાડ જિલ્લા પોલીસની પણ ઊંઘ હરામ કરી દીધી હતી. જો કે હવે પોલીસના હાથે ઝડપાયા બાદ આ ગેંગે આચરેલા અન્ય કારનામાઓના ભેદ ઉકેલાઈ રહ્યા છે. અને પોલીસની અત્યાર સુધીની તપાસમાં સાત જેટલા ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.
આ સાતિર ચોર ગેંગના સાગરીતોની ધરપકડ બાદ હવે ગેંગે આચરેલા અન્ય કારનામાઓ પણ બહાર આવી રહ્યા છે.જો કે હજુ એક આરોપી વોન્ટેડ છે . જેને પણ ઝડપવા વલસાડ જિલ્લા પોલીસે તપાસ કરી છે. આમ વાપી ટાઉન પોલીસ અને જિલ્લા એલસીબી અને એસોજી સહિત અન્ય પોલીસ ની ટીમોની મહેનતને પગલે ગણતરીના દિવસોમાં જ આ ગેંગને ઝડપી પાડવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે. અને હજુ પણ અન્ય ચોરીઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે