Water Crises In Gujarat : ગુજરાતનું ભૂગર્ભજળ માનવ સ્વાસ્થ્ય માટે જોખમી છે. ગુજરાતનું ભૂગર્ભજળ હવે પીવાલાયક પણ નથી. આવું તમને કોઈ કહે તો વિશ્વાસ નહીં કરો ને. પરંતુ આ એકદમ હકીકત છે. કેમ કે ગુજરાતના ભૂગર્ભજળમાં ફ્લોરાઈડ, આર્સેનિક, સીસુ, આયર્ન, નાઈટ્રેટ સહિતના જોખમી તત્વોની માત્રા જોવા મળી છે. જેના પગલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રાજ્ય સરકારને નોટિસ ફટકારીને જવાબ માગ્યો છે. એકબાજુ ગુજરાતમાં આડેધડ રીતે બોરવેલમાંથી ભૂગર્ભજળ ઉલેચાઈ રહ્યું છે, ત્યારે તેને જોનાર કોઈ જ નથી. જ્યારે બીજીબાજુ માનવ સ્વાસ્થ્યને નુકસાન કરે તેવા જોખમી તત્વો પાણીમાં હોવા છતાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં ભૂગર્ભજળનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સરકાર એવો દાવો કરે છેકે લોકોના ઘર સુધી નળથી પાણી પહોંચી ચૂક્યું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે છેવાડાના ગામના લોકો તો હજુ પણ ભૂગર્ભજળનો ઉપયોગ કરી રહ્યા છે. ભૂગર્ભજળ ખેંચવાની પ્રક્રિયા આ રીતે ચાલશે તો ભૂગર્ભજળ ખૂટી પડશે.              
  
ગુજરાતમાં ક્યાં સૌથી વધારે ભૂગર્ભજળ ઉલેચાય છે? 
તેની વાત કરીએ તો, બનાસકાંઠામાં દાંતીવાડા, ધાનેરા, દિયોદર, કાંકરેજ, લાખણી, થરાદ તાલુકો, ગાંધીનગરમાં દહેગામ અને ગાંધીનગર તાલુકામાં સૌથી વધુ ભૂગર્ભ જળ ઉલેચાઈ રહ્યાં છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં ભેંસણી, જૂનાગઢ શહેર અને માણાવદર તાલુકો ભૂગર્ભ જળ ઉલેચવામાં આગળ છે. કચ્છમાં ભૂજ, ભચાઉ અને માંડવી તાલુકો, પાટણમાં ચાણસ્મા અને પાટણ તાલુકો અને સાબરકાંઠામાં પ્રાંતિજ તાલુકો તેમજ વડોદરામાં પાદરા તાલુકો... આ એવા તાલુકાના નામ છે જ્યાં સૌથી વધારે ભૂગર્ભજળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 
  
બોરવેલ માટે ક્યારે નીતિ બનાવાશે? 
કેન્દ્રીય વોટર કમિશને બોરવેલ માટે મંજૂરી ફરજિયાત કરી હતી. રાજ્ય સરકારે બોરવેલ માટે કોઈ જ નીતિ બનાવી નથી. કેન્દ્રીય વોટર કમિશનના નિયમોનું કોઈ પાલન કરતું નથી. ગુજરાતમાં વર્ષ 2022 સુધીમાં 13.09 બિલિયન ક્યુબિક મીટર ભૂગર્ભજળનો વપરાશ કર્યો. હાલમાં 13.09 બિલિયન ક્યુબિક મીટરથી વધુ ભૂગર્ભજળનો ઉપયોગ થઈ રહ્યો છે. 2017ની સરખામણીમાં 2022માં ભૂગર્ભજળનો વપરાશ થોડો ઘટ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 રાજ્યોને ફટકારાઈ નોટિસ
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ગુજરાત-મહારાષ્ટ્ર સહિત દેશના કુલ 24 રાજ્યો તથા 4 કેન્દ્રશાસિત પ્રદેશોને ભૂગર્ભજળમાં હાનિકારક તત્વો મળતા નોટિસ ફટકારવામાં આવી છે. આ તમામ રાજ્યોના ભૂગર્ભજળમાં આર્સેનિક તથા ફ્લોરાઇડ જેવા હાનિકારક તત્વોની હાજરી સ્વીકાર્ય મર્યાદા કરતા વધુ પ્રમાણમાં જોવા મળી હતી.


ભૂગર્ભ જળ મુદ્દે ઉત્તર ગુજરાતનું ભવિષ્ય ધુંધળુ થતુ જઈ રહ્યું છે. તમને ખબર નથી કે હાલ તમારા દ્વારા કરાયેલો પાણીનો વેડફાટ તમને ભવિષ્યમાં કેટલો મોંઘો બની જશે. એક દિવસ એવો આવશે કે આખા ગુજરાતની હાલ કચ્છના રણ જેવી થઈ જશે, જ્યાં એક ટીપા પાણી માટે પણ વલખા મારવા પડશે. આ ભવિષ્યવાણી અમે નહિ, પરંતુ એક રિપોર્ટમાં કરાઈ છે. ભારત સરકારના જળ શક્તિ વિભાગના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના વર્ષ 2022ના અભ્યાસ પ્રમાણે, ગુજરાતના 252 પૈકીના 23 તાલુકામાં ભુગર્ભ જળ ઓવર એક્સપ્લોઇટેડ સ્થિતિમાં છે. આ રિપોર્ટમાં ગુજરાતના વિસ્તારો પાણીની હાલની સ્થિતિ મુજબ ઓવર એક્સપ્લોઈડ, ક્રિટીકલ સ્થિતિ, સેમી ક્રિટીકલ સ્થિતિમાં મૂકવામાં આવ્યા છે. આ પહેલા 2020 માં રિપોર્ટ તૈયાર થયો હતો. દર બે વર્ષે પાણીની સ્તરની ચકાસણી કરવામા આવશે. જેમાં 2022 નો રિપોર્ટ લાલબત્તી સમાન છે.