Rotaliya Hanuman Patan પ્રેમિલ ત્રિવેદી/પાટણ : સમગ્ર વિશ્વનું એકમાત્ર એવું મંદિર જે પાટણ શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. જે રોટલીયા હનુમાન તરીકે પ્રસિદ્ધ થવા પામ્યું છે. આમ તો તમે અનેક મંદિરોમાં સોનુ, ચાંદી આભૂષણો ચઢતા હોય છે અને પ્રસાદી સ્વરૂપે પેડા, શ્રીફળ સહીતની ચીજવસ્તુ ચઢાવવામાં આવે છે, પણ પાટણમાં આવેલ રોટલીયા હનુમાન મંદિરમાં માત્ર રોટલા, રોટલી પ્રસાદ રૂપે પ્રસાદી ચઢાવવામાં આવે છે. ત્યારે આ મંદિરને એક વર્ષ પૂર્ણ થતા દાદાના લાભાર્થે લોક ડાયરો યોજાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોટલી સાથે આવનારને પ્રવેશ અપાયો 
પાટણમાં આવેલ રોટલીયા હનુમાન મંદિરને એક વર્ષ પૂર્ણ થતા ખ્યાતનામ કલાકાર કિર્તીદાન ગઢવીનો ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. આમ તો ઘણા લોકડાયરા જોયા હશે પણ તેમાં માત્ર રૂપિયાનો વરસાદ જોયો હશે, પણ પાટણ ખાતે રોટલીયા હનુમાન દાદાના લાભાર્થે યોજાયેલ લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ તો જોવા મળ્યો, પણ સાથે જીવદયાનું પણ ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું. લોક ડાયરામાં પ્રવેશ માટે એક વ્યક્તિના પ્રવેશ માટે એક રોટલો કે 10 રોટલી સાથે લઇ આવનારને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. 


આ અનોખા પ્રકારના લોક ડાયરાના આયોજક સ્નેહલ પટેલ કહે છે કે, આ લોક ડાયરામાં જીવદયા પ્રેમીઓ મોટી સંખ્યામાં રોટલો અને રોટલીઓ લઇ ઉમટી પડ્યા હતા અને થોડાક જ સમયમાં સ્ટેજ ઉપર રોટલા અને રોટલીના ઢગ થઇ ગયા હતા. 


ત્યારે આ લોક ડાયરો યોજવા પાછળ મુખ્ય ઉદેશ મૂંગા પશુ, પંખીઓ તેમજ શ્વાનને ભોજન પૂરું પાડવાનો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ રોટલા, રોટલીઓ લઇ ઉમટી પડ્યા હતા અને આ પ્રકારના લોક ડાયરામાં લોકો પરિવાર સાથે હાજરી આપી આનંદ માણ્યો હતો.


તો લોક કલાકાર કીર્તિદાન ગઢવીએ ડાયરામાં અનોખો માહોલ જમાવ્યો હતો. તેમના ગીતો પર લોકોએ રૂપિયા વરસાવવાના શરૂ કર્યા હતા. લોક ડાયરામાં ઉપસ્થિત કીર્તિ દાન ગઢવીએ જણાવ્યું હતું કે, આપણી પરંપરા મુજબ જીવદયા માટે હર હંમેશા લોકો આગળ આવે છે અને દાનની સરવાણી કરે છે ત્યારે પાટણ ખાતે આવેલ રોટલીયા હનુમાન મંદિર માં ફૂલ કે આભૂષણની જગ્યાએ રોટલા કે રોટલી ચઢાવવામાં આવે છે. જેનો જીવદયામાં ઉપયોગ કરવામાં આવે છે. મેં અનેક કાર્યક્રમ ડાયરાના કર્યા, જેમાં રૂપિયાનો વરસાદ થાય છે, પણ આ લોક ડાયરામાં રૂપિયાના વરસાદ સાથે રોટલા અને રોટલીના લોકોએ ઢગે ઢગ ખડકી દીધા. જે જીવદયાનું કામ કર્યું છે, તો હું અપીલ કરું છું કે જ્યારે પણ રોટલીયા હનુમાન મંદિર જાવ તો રોટલો કે રોટલી લઇને જજો.