ગાંધીનગર : અભ્યાસ અર્થે વિદેશ જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કૉવિડ વૅક્સિનેશનમાં અગ્રતા અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી મહિનાઓમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ જઈ રહ્યા છે. આવા વિદ્યાર્થીઓને વિદેશ પ્રવાસમાં કોઈ અડચણ ઉભી ન થાય એ માટે વિધાર્થીઓને વૅક્સિનેશનમાં વિશેષ અગ્રતા અપાશે. આ માટે સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેકટર્સને અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનર્સને જવાબદારી સોંપવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે ગાંધીનગરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે આ સંવેદનશીલ નિર્ણય કર્યો છે. અભ્યાસ માટે આગામી મહિનાઓમાં વિદેશ જઇ રહેલા જિલ્લાના વિદ્યાર્થીઓએ અગ્રતાના ધોરણે વૅક્સિન લેવા પોતાના આઈ-20 ફોર્મ અથવા DS-160 ફૉર્મ અથવા તો વિદેશની જે તે યુનિવર્સિટી કે કોલેજનો એડમિશનના કન્ફર્મેશન લેટર સાથે રૂબરૂ કલેકટરનો સંપર્ક કરવાનો રહેશે. જ્યારે સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓએ આ પત્રો સાથે મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક કરવાનો રહેશે.


અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વેસ્ટ ઝોન) નો સંપર્ક કરવાનો રહેશે. અભ્યાસ માટે વિદેશ જઇ રહેલા વિદ્યાર્થીઓને વૅક્સિનને કારણે કોઈ તકલીફ ન પડે એ માટે રાજ્ય સરકારે પૂરતી તૈયારી રાખી છે. સમગ્ર રાજ્યમાં આવા વિદ્યાર્થીઓને અગ્રતાના ધોરણે વૅક્સિન અપાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube