Toll Tax Rate Hike From Today અલકેશ રાવ/બનાસકાંઠા : ગુજરાતીઓ માટે આબુ એટલે કાશ્મીર. મન ફાવે ત્યારે ગાડી લઈને આબુ ફરવા ઉપડી જવાનું. ત્યારે છાશવારે આબુ ફરવા ઉપડી જતા ગુજરાતીઓને આજથી મોટો ઝટકો લાગશે. કારણ કે, આજ રાતથી તમારું આબુ ફરવા જવાનું બજેટ વધી જશે. આજે રાત્રીના 12 વાગ્યાથી દેશના તમામ નેશનલ હાઇવે ઉપર આવેલ ટોલપ્લાઝા ઉપર 5થી 20 રૂપિયાનો ટોલટેક્ષ વધી રહ્યો છે. જેમાં બનાસકાંઠાના ત્રણ ટોલપ્લાઝા ઉપરથી પસાર થતા વાહન ચાલકોની ખિસ્સા ઉપર વધુ માર પડશે. આબુ ફરવા જનારા ગુજરાતીઓને બનાસકાંઠાના હાઈવેથી પસાર થઈને રાજસ્થાન જવુ પડશે. જેથી ત્યાં હવે ટોલ ટેક્સમાં વધારો થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આબુ જનારાઓને ખીમાણાથી પસાર થવુ પડે છે 
કેન્દ્રના તમામ નેશનલ હાઇવે ઉપર આવેલા ટોલટેક્ષ ઉપર આજે રાત્રીના 12 વાગ્યાથી ટોલટેક્ષ ઉપર વધારો કરવામાં આવશે. જેને લઈને સતત વધતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસોને મોંઘવારીનો વધુ એક ઝાટકો લાગવા જઈ રહ્યો છે. બનાસકાંઠાના નેશનલ હાઇવે નંબર 27 ઉપર આવેલ ટોલ પ્લાઝાઓ ઊપરથી પસાર થતાં વાહન ચાલકોની સવારી હવે મોંધી બનશે. રાજસ્થાનના કોટાથી ગુજરાતના કંડલા જતા નેશનલ હાઇવે ઉપર બનાસકાંઠામાં ખીમાણા, મૂડેઠા અને ભલગામ એમ ત્રણ ટોલપ્લાઝા આવેલા છે. જ્યાંથી રોજના નાના મોટા હજારો વાહનો પસાર થાય છે. જોકે આજે મધ્યરાત્રીના 12 વાગ્યાથી નેશનલ હાઇવે ઉપરના તમામ ટોલપલઝા ઉપર ટોલટેક્ષમાં વધારો કરવામાં આવશે. જેમાં બનાસકાંઠામાં આવતા ખીમાણા, મુડેઠા, ભલગામ ટોળપલઝા ઉપર વાહનોના ટોલટેક્ષમાં 5 રૂપિયાથી લઈને 20 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. કાર જીપ અને નાના વાહનોના ટોલટેક્ષમાં 5 રૂપિયા,LCV, LGV અને મિનિબસમાં 10 રૂપિયા તો બસ અને ટ્રકમાં પણ 10 રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે ત્રણ એક્સલ વાહનોમાં તેમજ 6 એક્સલ વાહનોમાં 15 રૂપિયાનો વધારો અને 7 એક્સલના હેવી વાહનોમાં 20 રુપિયાનો વધારો કરાયો છે. જેને લઈને વાહન ચાલકોમાં ખિસ્સામાં વધુ માર પડશે આજ રાત્રિથી વધતા ટોલટેક્ષના ભાવોના કારણે ટ્રાન્સપોર્ટ ખર્ચમાં વધારો થશે. તો બીજી બાજુ આ ભાવ વધારાના કારણે વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે.


એક ટ્રક ચાલક રાજવીર યાદવે કહ્યું કે, હું ટ્રક ચાલક છું આ ટોલના ભાવો વધતા અમને એક ટ્રીપમાં 3 થી 4 હજાર જેટલા વધુ રૂપિયા ચૂકવવા પડશે. તો અન્ય એક વાહન ચાલકે કહ્યું કે, મોંઘવારી ખુબજ છે અને એવામાં આ ટોલભાવ વધતા અમારે વાહન ચાલકોની હાલત ખરાબ થશે. 


રાષ્ટ્રીય રાજમાર્ગ શુલ્ક નિયમ 2008 મુજબ, શુલ્ક દરોમાં દર વર્ષે 1 એપ્રિલથી સુધારો કરવામાં આવે છે. ટોલ ટેક્સમાં વધારો આ દિવસથી લાગુ થતો હોય છે. પ્રાપ્ત જાણકારી મુજબ, NHAI ટોલ ટેક્સમાં 5 થી 10 ટકા સુધીની વધારો કર્યો છે. જેમાં બનાસકાંઠાના નેશનલ હાઇવે ઉપર આવેલ ટોલપ્લાઝા ઉપર આટલો વધારો થયો છે. 


  • પહેલા કાર, જીપ,વાન અને LMV વાહનોનો ટોલટેક્ષ 70 રૂપિયા હતો, જે વધીને 75 રૂપિયા થયો છે

  • LCV, LGV અને મિનિબસ જેવા વાહનોનો ટોલટેક્ષ પહેલા 110 રૂપિયા હતો જે વધીને 120 રૂપિયા થયો છે

  • બે એક્સલ વાહનો બસ અને ટ્રકનો ટોલટેક્ષ 235 રૂપિયા હતો જે વધીને 245 રૂપિયા થયો છે

  • ત્રણ એક્સલ કોમર્શિયલ વાહનોનો ટોલટેક્ષ 255 રૂપિયા હતો, જે વધીને 270 રૂપિયા થયો છે

  • HCM EME,અને MAV જેવા 4 થી 6 એક્સલ વાહનોનો ટોલટેક્ષ પહેલા 370 રૂપિયા હતો, જે વધીને 385 રૂપિયા થયો 

  • 7 એક્સલવાળા ઓવરસાઈઝડ વાહનોનો ટોલ 450 રૂપિયા હતો જે વધીને 470 રૂપિયા થયો 


આબુ ફરવા જનારાઓને ખીમાણા ટોલટેક્સમાંથી પસાર થવુ પડે છે. ત્યારે ખીમાણા ટોલટેક્સના મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતે કહ્યું કે, દર વર્ષે 1લી એપ્રિલથી નેશનલ ટોલટેક્ષ ઉપર ભાવ વધતા હોય છે, જે મુજબ આજ રાત્રિના 5 થી 20 રૂપિયા ટોલટેક્ષના ભાવ વધી રહ્યા છે.