વિરલ પટેલ, અમદાવાદઃ સ્વામી ભક્તિ, કર્તવ્યનિષ્ઠા, બહાદુરી અને ચારિત્ર્યાવાનના તમામ ગુણ બજરંગબલી હનુમાનજીમાં જોવા મળતા હતા. પ્રભુ શ્રી રામની અનન્ય ભક્તિ થકી તેઓ આજે સંસારમાં પૂજનીય બન્યા છે. દેશભરમાં હનુમાનજીના અસંખ્ય મંદિરો છે. ગુજરાતમાં અનેક સ્થળો પર સ્વયંભૂ હનુમાન મંદિર છે જેની કિર્તી દેશ વિદેશ સુધી ફેલાયેલી છે. એવા વિશિષ્ટ હનુમાન મંદિરો વિશે અહીં તમે જાણો આ હનુમાન મંદિરો સાથે જોડાયેલી છે રોચક વાતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Hanuman Jayanti 2021: આજે હનુમાન જયંતી, જાણો હનુમાનજીના જન્મ સાથે જોડાયેલી રોચક કથા


ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર આસપાસ ઘણાં એવા પ્રસિદ્ધ હનુમાન મંદિરો આવેલાં છે જ્યાં ભક્તોને ખુબ જ આસ્થા છે. ખાસ કરીને વીઝાવાળા હનુમાનજી, લગનિયા હનુમાનજી, રોકડિયા હનુમાનજી, કેમ્પના હનુમાન, સળંગપુરના હનુમાનજી, ડભોળિયા હનુમાન આ દરેક મંદિરનો એક અલગ ઈતિહાસ છે અને દરેક મંદિર સાથે લોકી આસ્થા જોડાયેલી છે.



અમદાવાદનું આ મંદિર ઓળખાય છે લગનીયા હનુમાનજીના નામે:
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિર સાથે રોચક આસ્થા જોડાયેલી છે. શ્રીરામ ભકત હનુમાનજીએ જીવનભર બ્રહ્મચાર્યનું પાલન કર્યું અને જીવનમાં ક્યારેય લગ્ન ન કર્યા પરંતું આ મંદિર પ્રેમી યુગલો માટે પવિત્ર લગ્નનું સ્થાન બન્યું છે. 14 ફેબ્રુઆરીએ વિદેશી કલ્ચર પ્રમાણે વેલેન્ટાઈન એટલે કે 'પ્રેમનો દિવસ' તરીકે મનાવવામાં આવે છે. વેલેન્ટાઈન ડેના દિવસે અનેક પ્રેમી યુગલો મેઘાણીનગરના હનુમાન મંદિરે આવે છે અને પ્રભુતામાં પગલાં પાડે છે. અત્યાર સુધી મેઘાણીનગરના લગનીયા હનુમાન મંદિરે 10 હજારથી વધુ યુગલો લગ્ન કરી ચૂક્યા છે. લગનિયા હનુમાનજી મંદિરમાં જે યુગલ લગ્ન કરવા આવે તે યુગલોને કાયદાની માન્યતા મળે તેની પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે. જે લોકોએ લગ્ન કરવા હોય તે લોકોને ફોર્મ ભરાવવામાં આવે છે તેમની પાસેથી આઈડી-પ્રુફ લેવામાં આવે છે. અહી લગ્ન માટે 24 કલાક મંદિરના દરવાજા ખુલ્લા રહે છે. લગનીયા હનુમાન મંદિરના પૂજારીના સહયોગથી અનેક યુગલો પ્રભુતામાં પગલા પાડી શક્યા છે. મંદિરના પૂજારી પણ વેલેન્ટાઈન બાબાના નામે ઓળખાવા લાગ્યા છે. લગનિયા હનુમાનજી મંદિરના રોચક ઈતિહાસની વાત કરીએ તો આ મંદિરની નજીક થોડા વર્ષો અગાઉ કોર્ટ હતી. કોર્ટમાં હિન્દુ વિધીથી લગ્ન કરવા માટે મહારાજની જરૂર પડતી. ત્યારે હનુમાન મંદિરના પૂજારી લગ્નવિધી કરાવતા હતા. ત્યારબાદ કોર્ટ તો ત્યાથી હટી ગઈ પણ હનુમાન મંદિરે લગ્ન કરવા માટે યુગલો આવતા રહ્યા. દામપત્ય જીવન સુખ સાથે પસાર થાય છે તેવી માન્યતા છે આ મંદિર સાથે.


વીઝા કન્ફર્મ કરાવી આપતા હોવાની માનતા મનાય છે  ખાડિયાના હનુમાનજીનીઃ
છેલ્લા એક દાયકા કે તેના કરતાં વધુ વર્ષોથી ગુજરાતમાંથી વિદેશ જનારાઓની સંખ્યા વધી છે.અનેક પરિવારના લોકો ઘરના એક સંતાનને વિદેશ અભ્યાસ કરવા કે સારી નોકરી મેળવવા માટે મોકલતા હોય છે.વિદેશ જવા માટે વીઝાની જરૂર હોય છે અને વીઝા મેળવવા માટે આંખે પાણી આવી જાય છે.ઘણી મહેનત બાદ વીઝા ન મળતા હોય તેવા અનેક કિસ્સાઓ તમારી આસપાસ જોવા મળતા હોય છે.અહી પણ હનુમાન દાદા મદદે આવે છે. લોકોની અતૂટ શ્રદ્ધા છે કે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં બિરાજમાન હનુમાનજી વીઝા સંબંધી સમસ્યા દૂર કરે છે. આ મંદિરની કીર્તિ દૂર દૂર સુધી ફેલાયેલી છે.ભક્તોની માનતા મુજબ આ હનુમાનજી તેના ભક્તોની વિદેશ યાત્રાની ઈચ્છા વીઝા અપાવી પૂર્ણ કરે છે. કષ્ટભંજનના આ પરચા લોકોને મળતાં થયા પછી આ મંદિર વીઝા હનુમાન તરીકે પ્રખ્યાત થવા લાગ્યું. ખાડિયા વિસ્તારમાં દેસાઈની પોળમાં વીઝા આપતા હનુમાનજી બિરાજમાન છે.ચમત્કારિક હનુમાનની કૃપાથી અનેક લોકોને સરળતાથી વીઝા મળ્યા હોવાની વાત દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત થઈ છે.  અમદાવાદના જ નહીં દેશભરમાંથી અનેક લોકો વીઝા મેળવવાની પ્રાર્થના સાથે અહીં દર્શનાર્થે આવે છે. ભક્તો દર શનિવારે હનુમાનજીનાં ચરણોમાં માથું નમાવી આર્શીવાદ લેવાનું ચૂકતા નથી. બજરંગબલી તેમના શરણે આવતા ભક્તોની માનતા પૂર્ણ કરે છે.


વાસણીયા મહાદેવમાં બિરાજમાન વિરાટ હનુમાનજીઃ
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વાસણીયા મહાદેવનું નામ ન સાંભળ્યું હોય તેવું ભાગ્યે જ કોઈ હશે. ગાંધીનગર જિલ્લામાં માણસા રોડ પર વાસન ગામમાં વાસણીયા મહાદેવનું જગવિખ્યાત મંદિર આવેલું છે. અહીં મહાદેવના શરણોમાં હનુમાનજી પણ વસે છે. વાસણીયા મહાદેવના દર્શને જાઓ તો વિરાટ હનુમાનજીના દર્શન દૂરથી જ થઈ જાય છે. મંદિરની બરાબર સામે જ સ્થાપિત રામદૂત હનુમાનજીની ભવ્યાતિભવ્ય, આબેહૂબ, તેજોમય, વિશાળકાય 51 ફૂટની જાણે બિલકુલ જીવંત પ્રતિમા ભોલેનાથનું ધ્યાન ધરીને ઊભી ના હોય તેવું અદભૂત દ્રશ્ય ત્યાં જોવા મળતું હોય છે. હનુમાનજીના વિરાટ સ્વરૂપના દર્શન કરી ભક્તો પણ અભિભૂત થાય છે. વાસણીયા મહાદેવમાં બિરાજમાન હનુમાનજી ગુજરાતમાં બનેલી મોટી રાજકીય ઘટનાના પણ સાક્ષી બન્યા હતા.વર્ષ 1995માં કેશુભાઈ પટેલની સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બની હતી. ત્યારબાદ એક વર્ષ બાદ શંકરસિંહ વાઘેલાએ ભાજપમાં બળવો કર્યો.શંકરસિંહ વાઘેલાએ તેમના ધારાસભ્યો જેઓએ ખજુરીયા ધારાસભ્યનું બિરુદ મેળવી લીધું હતું તે લોકોને વાસણીયા મહાદેવમાં છુપાવ્યા હતા જેથી કોઈ ધારાસભ્ય છટકી ન શકે અને તેઓ સરકાર બનાવી શકે.ત્યારે વાસણીયા મહાદેવનું ન માત્ર ધાર્મિક પરંતુ રાજકીય મહત્વ રહ્યું છે.


1 હજાર વર્ષ પૂર્વે સ્વયંભૂ પ્રગટ થયેલા ડભોડીયાના હનુમાન દાદા:
હનુમાન મંદિરોની વાત આવે ત્યારે ગાંધીનગરના સુપ્રસિદ્ધ ડભોડીયા હનુમાનનું નામ અચૂકથી લેવું પડે ગાંધીનગરના ડભોડા ગામમાં આજથી 1000 વર્ષ પહેલા હનુમાન દાદાની મૂર્તિ જમીનમાંથી સ્વયંભૂ પ્રગટ થઈ હતી. ડભોડીયા હનુમાનજીના સિંદુરી સ્વરૂપના દર્શન કરવા માટે ભક્તો દૂર દૂરથી આવે છે. લોકવાયકા પ્રમાણે જ્યારે અલાઉદ્દીન ખીલજીએ પાટણમાં ચડાઈ કરી ત્યારે પાટણના રાજા મહેલ છોડીને ગાઢ જંગલમાં આવી ગયા હતા. તે જગ્યા પ્રાચીનકાળમાં દેવગઢના નામે ઓળખાતી હતી. જંગલમાં ભરવાડો પોતાનું પશુધન ચરાવતા હતા ત્યારે એક ગાય દરરોજ નિશ્ચિત જગ્યાએ જઈને પોતાના દૂધનો અભિષેક કરતી હતી. ત્યારબાદ રાજાએ તે જગ્યા પર ખોદકામ કરાવ્યું અને હનુમાનજીની સ્વયંભૂ પ્રતિમા પ્રગટ થઈ. સમય જતા આ સ્થળ પર ડભોડા ગામ વસ્યું અને આ મંદિર ડભોડીયા હનુમાન તરીકે પ્રચલિત થયું. સુપ્રસિદ્ધ એવા ડભોડીયા હનુમાન મંદિરમાં મંગળવાર અને શનિવારે ભક્તો કેસર અને તલનો અભિષેક કરે છે અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરે છે. કહેવાય છે કે મંદિરના મહંત શ્રી એ આશિર્વચન આપ્યા હતા કે આ ગામના સરહદી વિસ્તારોમાં ક્યારેય કાતરા કે તીડ નહીં પડે. આજે પણ ડભોડા ગામ અને સરહદી વિસ્તારોમાં કાતરા કે તીડ પડતા નથી. ડભોડીયા હનુમાન મંદિરમાં કાળી ચૌદસ પર 350 ડબ્બા તેલનો અભિષેક કરાય છે. મનોકામના પૂર્ણ થાય તે માટે ભક્તો ડભોડીયા હનુમાનજીની માનતા પણ રાખે છે. ડભોડીયા હનુમાન અમદાવાદથી 15 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં દર્શન કરવા માટે બસ સહિત ખાનગી  વાહનો પણ મળી રહે છે. ડભોડીયા હનુમાન મંદિરમાં ચોખ્ખા ઘીની સુખડીનો પ્રસાદ ધરવામાં આવે છે.


વિરમગામમાં 7 હનુમાનજીઃ
અહીં વાત એવા હનુમાન મંદિરની છે જ્યાં એક કે બે નહીં પરંતું 7 હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ છે. અમદાવાદ જિલ્લામાં વિરમગામથી 6 કિલોમીટર દૂર આવેલા કોકતા ગામમાં હનુમાનજીનું 600 વર્ષ જૂનું મંદિર આવેલું છે. અહીં 600 વર્ષ જૂની હનુમાનજીની પ્રતિમાઓના દર્શન કરી ભક્તો ધન્ય થાય છે. આ મંદિર કોકતિયા હનુમાનજીના નામે પણ ઓળખાય છે. હનુમાનજીની એક મોટી મૂર્તિ અને 6 નાની મૂર્તિઓના દર્શન થાય છે.એક ગણેશ ભગવાનની પણ મનમોહક મૂર્તિના દર્શનનો પણ ભક્તોને લ્હાવો મળે છે. માન્યતા છે કે અહીં હનુમાનજીની ગદા પણ સ્વયંભૂ પ્રગટ થઈ છે. હનુમાનજીના સમક્ષ આ ગદા મૂકેલી છે. કોકતિયા હનુમાનજીના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવતા હોય છે


મીલના કામદારોએ બંધાવેલું રોકડિયા હનુમાન મંદિર
અમદાવાદમાં આમ તો અનેક હનુમાન મંદિર છે, અહીં વાત છે શહેરના ખોખરા વિસ્તારમાં આવેલા રોકડિયા હનુમાન મંદિરની. રોકડિયા હનુમાન મંદિર 75 વર્ષ જૂનું છે. અમદાવાદમાં પહેલા મિલો ધમધમતી હતી. માન્ચેસ્ટર તરીકે ઓળખાતા અમદાવાદના કાપડની ભારે માગ રહેતી હતી. અત્યારે જ્યા રોકડિયા હનુમાન મંદિર છે ત્યા પહેલા બાજુમાં બે મિલો હતી. મિલના કારીગરો નવરાશના સમયમાં મિલના કામદારો મંદિરની જગ્યાએ બેસતા હતા.તે સમયે કામદારો મિલમાં ઓવરટાઈમ કરતા હતા તેની સામે કામદારોને વળતર રોકડમાં આપવામાં આવતું હતું. મિલના કામદારોએ રોકડ રકમની મદદથી હનુમાનજીની દેરી બનાવી અને તે સ્થળને રોકડિયા હનુમાન નામ આપ્યું. પહેલા નાનું મંદિર હતું પણ સમય પસાર થતા તે મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો.ખોખરા વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરમાં મોટી સંખ્યામાં ભકતો દર્શનાર્થે આવે છે. ભકતોની આસ્થા છે કે તેઓ માનતા માને છે જે પૂર્ણ થાય છે.


(નોંધ- આ આર્ટીકલ જનરલ માહિતીના આધારે લખવામાં આવ્યો છે. આ આસ્થાનો વિષય છે. ઝી 24 કલાક અહીં કરાયેલાં દવા અંગે કોઈ પૃષ્ટિ કરતું નથી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube