Hanuman Jayanti 2021: આજે હનુમાન જયંતી, જાણો હનુમાનજીના જન્મ સાથે જોડાયેલી રોચક કથા

પોતાના પુત્ર ઉપર ઇન્દ્ર દેવના વજ્ર પ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા અને આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું. સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર થઇ ગયો ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી વાયુદેવને પ્રસન્ન કર્યા. પ્રસન્ન થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું - તરત જ બ્રહ્માજીએ વરદાનરૂપે હનુમાનનું શરીર વજ્રનું કરી દીધું અને સર્વ દેવતાઓએ પણ વિવિધ શકિતઓ આપી હનુમાનજીને મહાશકિતશાળી બનાવી દીધા.

Hanuman Jayanti 2021: આજે હનુમાન જયંતી, જાણો હનુમાનજીના જન્મ સાથે જોડાયેલી રોચક કથા

ઝી બ્યૂરો, અમદાવાદઃ સૂર્યના વરથી સ્વર્ણ બનેલા સુમેરુમાં કેસરીનુ રાજ્ય હતુ. તેની અતિ સુંદર અંજના નામની પત્ની હતી. એક વાર અંજનાએ પોતાની ઈચ્છઅનુસાર સુંદર સ્ત્રીનો દેહ ધારણ કર્યો. પૂર્ણ સ્ત્રીત્વ સાથે તે સુંદર પુષ્પોની માળા, અલંકારો અને સૌમ્ય વસ્ત્ર ધારણ કરીને વર્ષાઋતુમાં પર્વતના શિખર પર વિચરવા લાગી. આ સમયે પર્વતની ટોચ ઉપર વાયુ સડસડાટ વાતો હતો. અંજનાના શરીર ઉપરનું સૂક્ષ્મ વસ્ત્ર વાયુએ ખસેડી નાખ્યું.

સર્વાંગ સુંદર એવી અંજના ઉપર વાયુદેવ તત્કાળ કામવશ થઈ ગયા. તેમણે અદ્રશ્ય સ્વરૂપે પોતાની લાંબી ભુજાઓ પ્રસારી અંજનાને છાતી સાથે ચાંપી ગાઢ આલિંગન કર્યું. આથી વાયુદેવનું આત્મતેજ તરત જ અંજનાના ગર્ભની અંદર પ્રવિષ્ઠ થઈ ગયું. જયારે અંજનાને ભાન થયું કે પોતાને કોઈએ ગાઢ આલિંગન કર્યું છે. પરંતુ દ્રષ્ટિએ કોઇ પુરુષ જોવામાં આવતો નથી. ગભરાયેલી અંજના એકદમ ક્રોધિત થઇ બોલી, ‘મારા પતિવ્રતને કલંક લગાડનાર તું કોણ છે?’

આ સાંભળી વાયુદેવ તરત જ પ્રત્યક્ષ થયા અને અંજનાને સાંત્વન આપતાં બોલ્યા : ‘હે, સુશ્નોણી! તું ભય ન પામ. હું તારા પતિવ્રતનો નાશ નહીં કરું. હે મહાયશસ્વિની તારા પર મારું મન અત્યંત આસકત થવાથી મેં તને માત્ર આલિંગન જ કર્યું છે. પરંતુ તેથી તને મારા અંશરૂપે એક મહાસમર્થ પુત્ર પ્રાપ્ત થશે. તેના સામર્થ્ય, બુદ્ધિ, તેજસ્વી, બળ, પરાક્રમને ત્રિલોકમાં કોઇ પણ આંબી નહીં શકે. તદ્દન મારા સમો જ થશે.’ સમય જતા અદ્ભુત શકિતશાળી પુત્રનો જન્મ થયો. તે પુત્ર એટલે મહાબલી હનુમાનજી.

મહાવીર હનુમાન કપિવર કેસરીના ક્ષેત્રજ પુત્ર અને વાયુદેવના ઔરસ પુત્ર છે. હનુમાન નાનપણમાં ઉદય પામતા સૂર્યને કોઇ તેજસ્વી ફળ માનીને તેને પકડવાની ઇચ્છાથી આકાશમાં ઊડવા લાગ્યા. ત્યારે સૂર્ય દેવે પોતાના તેજ વડે હનુમાનજીને પાછા પૃથ્વી પર નાખ્યા. છતાં પણ બાલહનુમાન ફરીથી તેજ ગતિથી સૂર્ય તરફ ધસ્યા. દેવતાઓમાં હાહાકાર મચી ગયો. બાલહનુમાનને રોકવા માટે ઈન્દ્ર દેવે તેમના પર વજ્રનો પ્રહાર કર્યો. આથી તેમનો ડાબો હનુ (હડપચી) છેદાઈ અને તે એક પર્વતના શિખર પર પડયા. આથી જ અંજનીપુત્ર ‘હનુમાન’ કહેવાયા.

પોતાના પુત્ર ઉપર ઇન્દ્ર દેવના વજ્ર પ્રહારથી વાયુદેવ ક્રોધિત થયા અને આખા બ્રહ્માંડમાંથી પોતાનું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું. સૃષ્ટિમાં વાયુ વગર હાહાકાર થઇ ગયો ત્યારે દેવતાઓએ સ્તુતિ કરી વાયુદેવને પ્રસન્ન કર્યા. પ્રસન્ન થયેલા વાયુદેવે દેવતાઓને પોતાના પુત્રને વરદાન આપવા કહ્યું - તરત જ બ્રહ્માજીએ વરદાનરૂપે હનુમાનનું શરીર વજ્રનું કરી દીધું અને સર્વ દેવતાઓએ પણ વિવિધ શકિતઓ આપી હનુમાનજીને મહાશકિતશાળી બનાવી દીધા. આ રીતે વરદાનના પ્રભાવથી આગળ જઈને હનુમાનજીએ અમિત પરાક્રમના કામ કર્યા.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી સુચના સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news