CWGમાં ગોલ્ડ જીતનારા હરમીત દેસાઈનું સુરતમાં સ્વાગત, આવતીકાલે રાજ્ય સરકાર કરશે સન્માન
હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ દેશમાં રોશન કરનાર હરમીત દેસાઈ આજે સુરત આવી પહોંચ્યો હતો. ત્યારે એરપોર્ટ પર હજારો લોકોએ તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
સુરતઃ CWGમાં ગોલ્ડ મેળવનાર હરમિતનું રાજ્ય સરકાર દ્વારા ઈનામ આપીને સન્માન કરવામાં આવશે. આવતીકાલે મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે અંદાજે 33 લાખનું ઈનામ આપીને સન્માનિત કરવામાં આવશે. મહત્વનું છે કે, કોમનવેલ્થમાં ગુજરાતનું ગૌરવ વધારનારા સુરતનો હરમિત પરત ફરતાં એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
CWG 2018: ગુજરાતી હરમીત દેસાઇએ ટેબલ ટેનિસમાં ભારતને અપાવ્યો ગોલ્ડ
હરમિતના માતા-પિતા સહિત મોટી સંખ્યામાં હાજર રહેલા હરમિતના ચાહકોએ તેને વધાવી લીધો હતો. એરપોર્ટથી લઈને તેના ઘર સુધી રોડ શૉ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ મેળવનારા હરમિતે કહ્યું કે- ગોલ્ડ મેડલ મેળવવાનું નાનપણથી સ્વપ્ન હતું અને તેના માટે 20 વર્ષથી મહેનત કરતો હતો. માતા-પિતા અને લોકોના આશિર્વાદના કારણે સ્વપ્ન પૂર્ણ થયું છે. તો બીજીતરફ હરમિતને વધાવવા ભાજપ-કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતા.