કાયદાનું ભાન કરાવતી પોલીસ જ ભૂલી કાયદો! છૂટા હાથે પોલીસકર્મી બેફામ ચલાવી રહ્યા છે બુલેટ બાઈક
શું સુરત પોલીસ આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કોઈ મોટી કાર્યવાહી કરશે. તાજેતરમાં જોખમી રીલ તેમજ ગફલત ભરી રિક્ષા ચલાવનાર સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરીને દાખલો બેસાડ્યો હતો.
ઝી બ્યુરો/સુરત: આજના યુવાનોમાં બાઇક સ્ટંટનો ક્રેઝ વધી રહ્યો છે. સ્પોર્ટ્સ બાઇક મળતાની સાથે જ લોકો સ્ટંટ કરવા નીકળી પડે છે. પરંતુ જ્યારે કાયદાના રખેવાળ જ જાહેર રોડ પર સ્ટંટ કરે તો બીજા કોઈને શું કહેવું? હાલ સુરતમાં પોલીસ કર્મીનો સ્ટંટ કરતો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામી છે. સુરતના ઉમરા વિસ્તારનો આ કથિત વિડિયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
વાયરસ વીડિયોમાં પોલીસ કર્મી બાઈક છૂટા હાથે ચલાવતો હોવાનું દેખાઈ રહ્યું છે. આ ઘટનામાં જાણે પોલીસકર્મી કાયદાનું ભાન ભૂલ્યો હોય તેમ બાઈક હંકારીને સ્ટંટ કરી રહ્યો છે. શું સુરત પોલીસ આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કોઈ મોટી કાર્યવાહી કરશે. તાજેતરમાં જોખમી રીલ તેમજ ગફલત ભરી રિક્ષા ચલાવનાર સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરીને દાખલો બેસાડ્યો હતો.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં કાયદાના રખેવાળ પોલીસકર્મી જ પોતાના બાઈક પર સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે. આ વીડિયો સુરતના ઉમરા વિસ્તારનો હોવાનું ચર્ચામાં છે. જેમાં બાઈક સવાર પોલીસકર્મી છૂટા હાથે બાઈક ચલાવી રહ્યા છે. આ વીડિયો વાયરલ થતાં વાડ જ ચીભડા ગળે તેવા હાલ થયાં હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ત્યારે હવે લોકમુખે એવો સવાલ ચર્ચાય છે કે સામાન્ય નાગરિકો સામે કાયદાનો દંડો પછાડતી પોલીસ પોતાના જ કર્મીઓ સામે કોઈ ગંભીર એક્શન લેશે કે કેમ?