ચેતન પટેલ/સુરત: શહેરમાં વધુ એક પોલીસ સ્ટેશનનો ઉમેરો થયો છે. ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત શહેરમાં નવા પોલીસ સ્ટેશનનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. શહેરમાં નવા સમાવિષ્ટ વિસ્તારને નવું પોલીસ સ્ટેશન મળ્યું છે. સારોલી વિસ્તારમાં પોલીસ સ્ટેશનનું લોકાર્પણ થયું છે. આ સાથે જ સુરત શહેરમાં 34મું પોલીસ સ્ટેશન કાર્યરત થયું છે. વધતી જતી વસ્તી અને હદ વિસ્તરણને ધ્યાને રાખી નવું પોલીસ સ્ટેશન બનાવાયું છે. નવા પોલીસ સ્ટેશનની હદમાં સારોલી, નિયોલ, સણીયા, હેમાદ કુંભારીયા સહિતના વિસ્તારોનો સમાવેશ થશે. લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત લોકોને મંચ પરથી સંબોધતા હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રગ્સ મામલે વધુ એકવાર હર્ષ સંઘવીનું નિવેદન
ડ્રગ્સ મુદ્દે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મહત્વની કામગીરી કરાઈ છે તે બાબતે હું ગૃહમંત્રી તરીકે અભિનંદન આપું છું. છેલ્લા એક મહિનામાં સુરત પોલીસે ડ્રગ્સ પર હલ્લાબોલ કર્યું છે. સુરત શહેરના યુવાઓને નશાના રવાડે ચઢવાનાર લોકોને દબોચી લીધા છે. મારા શહેરના પોશ વિસ્તારના યુવાઓને ડ્રગ્સના ચંગુલમાં ફસાવવાની કોશિશ કરનાર અલ્લારાખ્ખાને જેલના હવાલે કર્યો છે. 650થી વધારે ડ્રગ્સ માફિયાઓને પકડવાની કામગીરી કરી છે. આ પૈકી એકપણને જામીન મળ્યા નથી. તમામ પ્રકારની ઓળખાણ લગાવી છે પણ કોઈનો છુટકારો થયો નથી. ઇસ્માઇલ અને અલ્લારાખ્ખા સહિત 30 પાકિસતાનીઓ પણ પકડ્યા છે.


હર્ષ સંઘવીએ કેજરીવાલ પર કર્યા પ્રહારો
હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, આજકલ ચૂંટણીનો માહોલ છે. જાન્યુઆરી મહિનામાં ફરી લોકો મંદિરનો વિરોધ કરતા નજરે પડશે. હમણાં ચૂંટણી છે એટલે ભગવાનના ચરણે બધાએ જ આવવું પડે છે. જે લોકો ગુજરાતના યુવાઓને અને ગુજરાતની ધરતીને બદનામ કરવા માંગે છે, તેમની મુરાદો પુરી નહીં થાય. પંજાબની જેલમાંથી ડ્રગ્સનું નેટવર્ક ચાલી રહ્યું છે ત્યાં કોની સરકાર છે? જેમ જેમ પંજાબમાં ડ્રગ્સનું નેટવર્ક તૂટી રહ્યું છે તેમ તેમ તેઓ ગુજરાતને ટાર્ગેટ કરી રહ્યા છે. પંજાબ સરકાર જો કઈ ના કરી શકતી હોય તો એમને કોઈ હક નથી કે ગુજરાતને બદનામ કરે. પંજાબમાંથી ચાલતી ડ્રગ્સની ચેન બાબતે આપણે તમામ માહિતી પંજાબ સરકારને મોકલી છે, પરંતુ આ બાબતે હજુ ત્યાંની સરકારે કોઈ કામગીરી કરી નથી. આવા અલ્લારખ્ખા જેવા અન્ય પણ લોકો ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરશે તો તેને સુરતની લાજપોર જેલ બતાવી દઈશું.


હર્ષ સંઘવીએ નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અહીંયા જે પીઆઇની નિમણૂંક કરાઈ છે, તેમને ખાસ સૂચના આપવામાં આવી છે કે એવી વ્યવસ્થા બનાવજો કે સારોલીના નાગરિકોએ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા ન પડે. પુણા પોલીસ સ્ટેશનની કુલ વસ્તી 7 લાખ 75 હજારની હતી. વસ્તી વધતા સારોલી પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં આવ્યું છે. આ પોલીસ સ્ટેશન થકી માત્ર રહેણાંક વિસ્તાર નહીં પરંતુ કપડાં બજાર સુરક્ષિત થશે. સુરતનો બે ઓળખ છે હીરો અને કપડાં. આ બંને ઓળખને સાચવવાની જવાબદારી પોલીસની છે. ગુજરાત પોલીસે અનેક વર્ષોથી નાગરિકોની સુરક્ષા માટે નંબર વન કામ કર્યું છે. ગૃહમંત્રી બન્યા બાદ વેપારી સંગઠનોની ફરિયાદો મળી. તેમની નાની મોટી પીડાઓ સાંભળવા મળી હતી. અન્ય રાજ્યોમાંથી વેપારીઓ અહીં વેપાર કરવા આવતા હોય છે. 


હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, સુરતના વેપારીઓ દેશના કોઈપણ રાજ્યમાંથી આવેલ વેપારીને આવકારે છે અને વિશ્વાસ કરે છે. પરંતુ આ વેપારીઓ સુરતના વેપારીઓને છેતરી જાય તો ગુજરાતનું ગૃહ વિભાગ ચૂપ બેસી રહેશે નહીં. એક SIT નું ગઠન કરવામાં આવ્યું છે, અન્ય રાજ્યોમાં જઈને છેતરપીંડી કરનાર વેપારીઓના ઘરે જઈને કાર્યવાહી કરી છે. કોઈ પણ રાજ્યનો નાગરિક અહીં આવીને મારા ભોળા વેપારીઓને છેતરશે તો તેની ફરિયાદ તાત્કાલિક દાખલ કરવામાં આવશે અને વેપારીએ વારંવાર ધક્કા ન ખાવા પડે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. પોલીસે ગુનેગારો જોડે સખ્તાઈથી જ વર્તવું જોઈએ. ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો. કોઈ ફરિયાદ નોંધવા આવે ત્યારે તેને પાણીનો ગ્લાસ આપવામાં આવે છે. ત્યારબાદ જો શાંતિથી વાત કરે તો અડધી સમસ્યા એમ જ દૂર થઈ જાય છે. સુરત પોલીસનો નવો અભિગમ સમગ્ર ગુજરાત સુધી પહોંચાડવાનો છે.


નવરાત્રી અંગે હર્ષ સંઘવીનું નિવેદન
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ઓળખ એટલે ગરબા.. તમામ ગરબાની અંદર આ વખતે ગણેશ વિસર્જન જેવી જ વ્યવસ્થા કરવામાં આવશે. સુરત પોલીસને સૂચના આપવામાં આવી છે કે કોઈપણ પ્રકારની અડચણ ઉભી ન થાય. 12 વાગ્યા સુધી તમામને ગરબા રમવાની છૂટ આપવામાં આવી છે. જો પોણા 12 વાગ્યે પણ કોઈ પીસીઆર આવે તો મને ડાયરેકટ ફોન કરજો. સુરતીઓ ગરબા રમીને ખાણી પીણી વગર ઘરે પાછા ન ફરી શકે એટલે લારીઓ ખુલ્લી રાખવા પણ પરમીશન અપાઈ છે. આ વર્ષે કોઈપણ પ્રકારની અડચણ નહીં થાય તેવી વ્યવસ્થા કરવાની ખાતરી આપું છું. ગરબા એ માત્ર મોજમસ્તી માટે નથી થતા તે આપણી આસ્થાનું કેન્દ્ર છે. આપણી સંસ્કૃતિ જળવાય તે રીતે જ ગરબાનું આયોજન થાય તેવી આશા છે. દિલ ખોલીને ગરબા રમો તેવી શુભકામના


નેશનલ ગેમ્સ બાબતે હર્ષ સંઘવીનું નિવેદન
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં દેશના અલગ અલગ રાજ્યોમાંથી ખેલાડીઓ રમવા અવવાના છે. વડાપ્રધાન આ કાર્યક્રમને ખુલ્લો મુકવાના છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં એક અલગ જ માહોલ જોવા મળશે. આપ સૌને જ્યારે ક્યાંક કોઈ ખેલાડી જોવા મળે તો તેને અવકારજો. જેથી અન્ય રાજ્યના ખેલાડીને સુરત અને ગુજરાતની મહેમાનગતિથી અવગત થાય.