રાજકોટ મેડિકલ કોલેજના ડૉ. શોભા મિશ્રાનો ઘરમાંથી મૃતદેહ મળતા ખળભળાટ, મોતનું કારણ અકબંધ
રાજ્યમાં હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે રાજકોટમાં મેડિકલ કોલેજના PSM વિભાગના હેડનો ઘરેથી મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
ગૌરવ દવે/રાજકોટ: રાજ્યમાં હત્યા અને આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે રાજકોટમાં મેડિકલ કોલેજના PSM વિભાગના હેડનો ઘરેથી મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
શું બની હતી સમગ્ર ઘટના?
આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટ મેડિકલ કોલેજના PSM વિભાગના હેડ ડો. શોભા મિશ્રાનો ઘરમાંથી મૃતદેહ મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ડો.શોભા મિશ્રા રેસકોર્ષ પાર્કમાં રહેતા હતા. ગુરૂવારે ગોધરા રહેતી દીકરીએ ફોન કરતા રિસીવ ન થતા પાડોશીને ડો. શોભા મિશ્રા વિશે જાણ કરી હતી. પાડાશીઓએ ઘરનો દરવાજો તોડી તપાસ કરતા ડો. શોભા મિશ્રાનો બેડ પર મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ સમગ્ર ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે મૃતદેહને સિવિલ હોસ્પિટલે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પોસ્ટ મોર્ટમના પ્રાથમિક તપાસમાં નેચરલ ડેથ હોવાનું તારણ સામે આવ્યું છે. આ સંદર્ભે પ્રદ્યુમનનગર પોલીસે તપાસ શરૂ કરી છે. એટલું જ નહીં, પ્રાથમિક દ્રષ્ટિએ ડોક્ટર શોભા મિશ્રાનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ નીપજ્યું હોય તેવું લાગી રહ્યું છે.
દીકરીનો ફોન રિસીવ ન થતાં ભાંડો ફૂટ્યો
આ ઘટનામાં ડૉ. શોભા મિશ્રાને ગોધરા રહેતી દીકરીએ વારંવાર ફોન કરતા ફોન રિસીવ થતો નહોતો, જેથી તેમની દીકરીએ પાડોશીને ફોન કરીને મમ્મી વિશે પુછ્યું હતું. ત્યારબાદ પાડોશી તેમના ઘરે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમના ઘરનો દરવાજો બંધ હોવાથી તેમણે દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ અંદરથી કોઈ જવાબ મળ્યો નહોતો. જેથી કંઇક અજુગતુ થયાની શંકા જતા અન્ય પાડોશીઓને પણ બોલાવ્યા હતા, તો આ અંગેની જાણ થતાં મેડિકલ કોલેજનો સ્ટાફ પણ દોડી આવ્યો હતો.
પાડોશીઓએ દરવાજો તોડ્યો તો....
તમામ લોકોએ ભેગા થઈને ઘરનો દરવાજો તોડ્યો હતો અને ઘરમાં જઈને તપાસ કરી ત્યારે ડોક્ટર આશા મિશ્રા તેમના બેડ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા. આ અંગેની જાણ કરાતા પ્રદ્યુમનનગર પોલીસની ટીમ પણ બનાવ સ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
પોલીસનું નિવેદન
આ મામલે પોલીસે જણાવ્યું કે, ડો.શોભાના પતિ વડોદરા મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેમની દીકરી ગોધરા ખાતે ઇન્ટર્ન ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. તમામ પરિવારજનોના આવ્યા બાદ પોસ્ટમોર્ટમ કરાવામાં આવશે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે.