અલ્કેશ રાવ/બનાસકાંઠા :રાજ્યના આરોગ્ય કમિશનર આજે બનાસકાંઠાની મુલાકાતે પહોંચ્યા હતા. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે આજે પાલનપુરમાં આવ્યા હતા. પાલનપુરમાં આવેલા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, મેટ્રો શહેરોમાંથી એક પણ કોરોના દર્દીઓને અન્ય જિલ્લાઓમાં ખસેડવામાં નહિ આવે. તેથી રાજ્યની જનતાએ કોઈપણ પ્રકારની અફવાઓમાં આવવું નહિ. અમદાવાદ અને અન્ય શહેરોમાં કોરોના દર્દીઓ માટે પૂરતા બેડ ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર અને તંત્ર કોરોના દર્દીઓને ઉત્તમ સારવાર આપી રહી છે. અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ પહેલા કરતા સારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો મીડિયા સામે વાત કરતા સમયે ધમણ મામલે આરોગ્ય કમિશનરે બોલવાનો ઇન્કાર કર્યો હતો. તેમજ રાજ્યમાં કોરોનાના દર્દીઓના મોત મામલે પણ આરોગ્ય કમિશનરે મૌન સાધ્યું હતું. તો બીજી તરફ, આરોગ્ય કમિશનર માસ્ક પહેર્યા વગર જ કલેક્ટર કચેરીમાં હાજરી આપવા પહોંચ્યા હતા. 


ઉલ્લેખનીય છે કે, આરોગ્ય કમિશનરે કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે કલેકટર કચેરીએ બેઠક યોજી હતી. તેઓએ બનાસકાંઠા, પાટણ, મહેસાણા એમ ત્રણ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કોવિડ હોસ્પિટલ અને સુવિધાઓને લઈને ચર્ચા કરી હતી. તેમજ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ અને મૃત્યુદર મામલે ચર્ચા કરી હતી.