હેલ્થ વર્કર્સની આપવીતી, ‘કોરોના આવ્યો ત્યારથી રજા નથી ભોગવી, 12-18 કલાક કામ કરીએ છીએ’
- કોરોના મહામારીમાં લોકોના ઘરો સુધી જઈ લોકોના આરોગ્યની ચકાસણી કરતા કર્મીઓએ પોતાની આપવીતી જણાવી.
- કોરોના દર્દીઓ રાત્રે 6 વાગે ફોન કરીને પણ સવાલો પૂછતા હોય છે
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ સાથે ઝી 24 કલાકે વાતચીત કરી. ત્યારે કોરોના મહામારીમાં લોકોના ઘરો સુધી જઈ લોકોના આરોગ્યની ચકાસણી કરતા કર્મીઓએ પોતાની આપવીતી જણાવી હતી. લોકો તેમજ કોરોનાના દર્દીઓ પણ તેમની સાથે કેવુ વર્તન કરે છે તે વિશે તેઓએ દિલ ખોલીને વાત કરી હતી.
આ પણ વાંચો : ‘બેકારી શું કહેવાય તે ભાન કરાવીએ આ ટોળકીને...’ નવરાત્રિ કેન્સલ થતા કલાકારોએ ખૂલીને કર્યો તબીબોનો વિરોધ
લોકો અમને સોસાયટીમાં ઘૂસવા નથી દેતા
આરોગ્ય કર્મીઓએ કહ્યું કે, અમે સોસાયટીઓમાં જઈ જઈ લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરી રહ્યા છે, સર્વે કરતા હોઈએ છીએ. જેમા મોટાભાગના લોકો સહકાર આપતા હોય છે, પરંતુ કેટલાક એવા પણ અમને મળ્યા જેઓએ અમને સહકાર ના આપ્યો. કેટલીક સોસાયટીઓમાં આશા વર્કર અને આંગણવાડી વર્કરોને પ્રવેશ નથી અપાતો. જ્યારે સહકાર નથી મળતો ત્યારે અમે ઉપરી અધિકારીઓને જાણ કરતા હોઈએ છીએ, તેઓ અમને મદદ કરે છે. કેટલીક સોસાયટીઓમાં કહેવામાં આવે છે કે અમે જ કોરોના ફેલાવી રહ્યા છે, ત્યારે એમને સમજાવવા અધરા હોય છે.
આ પણ વાંચો : 3 રાજ્યોમાં અદાણી ગેસએ ઘટાડ્યા CNG અને PNG ના ભાવ
દર્દીઓ મોડી રાત્રે ફોન કરીને હેરાન કરે છે
દર્દીઓ દ્વારા કરાતી હેરાનગતિ વિશે તેઓએ કહ્યું કે, શરૂઆતમાં માસ ટેસ્ટિંગ સમયે લોકો કોરોનાથી ગભરાતા હતા. જે દર્દીઓ હોમ ક્વોરેન્ટાઈન થાય છે, તેમને અમે અમારો ફોન નમ્બર શેર કરતા હોઈએ છીએ. આવા દર્દીઓ રાત્રે 3 વાગે અને સવારે 6 વાગે ફોન કરીને નાહવું કે નહીં, ખાવા-પીવા અંગે સામાન્ય સવાલો કરતા હોય છે. પરંતુ અમે અમારી ફરજ અદા કરતા રહ્યા છે. કોરોનાના કેસો આવ્યા ત્યારબાદથી રજા ભોગવી નથી. સતત 12 થી 18 કલાક કામગીરી કરી છે. અમે લોકોના ઘરો સુધી જઈ સર્વે કરીએ છીએ, પરંતુ અનેક લોકો સાચું નથી બોલતા, જો સાચું બોલતા થાય લોકો તો ઘણી સમસ્યા દૂર થઈ શકે છે. હાલની પરિસ્થિતિ જોતા દર અઠવાડિયે દવાનો સ્ટોક લાવવાની ફરજ પડી રહી છે, જે પહેલા 2 મહિનામાં જરૂર પડતી હતી. કેટલાક એવા લોકો પણ આવ્યા, જેમણે અમારી સાથે અશોભનીય વર્તન કર્યું, પોલીસ ફરિયાદ અમારે કરવી પડી.
આ પણ વાંચો : નવરાત્રિ વિશે ગુજરાત સરકારની મોટી જાહેરાત, શેરી ગરબાને પણ મંજૂરી નહિ