ફરી એક વખત ફિલ્મી ઢબે લૂંટ! તળાજામાં મહિલાને ભર બજારમાં ધક્કો મારી દિલધડક લૂંટ, આ રીતે ઝડપાયા આરોપી
ભાવનગર જિલ્લાના તળાજા ગોપનાથ રોડ પર ગત તારીખ 17/11 ના રોજ પહલ ફાઇનાન્સ કંપીની તળાજા બ્રાન્ચમાં B.O.M. તરીકે નોકરી કરતી યુવતી હેતલ ભાલીયા કંપનીનાં કલેક્શનનાં રોકડ રૂપીયા રૂ.7,89,345/- HDFC બેંક માં ડીપોજીટ કરવા જતા હતા.
નવનીત દલવાડી/ભાવનગર: જિલ્લાના તળાજા તાલુકાના ગોપનાથ રોડ પર ખાનગી ફાઇનાન્સ કંપની કર્મચારી મહિલાને ભર બજારમાં ધક્કો મારી પછાડી દઈ હાથમાં રહેલા રૂપિયા ભરેલા થેલાની દિલધડક લૂંટ ચલાવી ફરાર થઇ જવાના ચકચારી ગુન્હામાં ચાર શખ્સોને એલસીબી એ રોકડ, મુદામાલ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
લૂંટના આરોપીઓને દબોચી લીધા
ભાવનગર જિલ્લાના તળાજા ગોપનાથ રોડ પર ગત તારીખ 17/11 ના રોજ પહલ ફાઇનાન્સ કંપીની તળાજા બ્રાન્ચમાં B.O.M. તરીકે નોકરી કરતી યુવતી હેતલ ભાલીયા કંપનીનાં કલેક્શનનાં રોકડ રૂપીયા રૂ.7,89,345/- HDFC બેંક માં ડીપોજીટ કરવા જતા હતા. તે દરમ્યાન ગોપનાથ રોડના બાપાસીતારામ ચોક પાસે બે અજાણ્યા એક્ટિવા ચાલકે હેતલબેન ને પછાડી દઈ તેમની પાસે રહેલ રોકડ રકમ ભરેલા બેગની દિલધડક લુંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જે અંગેની તળાજા પો.સ્ટેમાં ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે ભાવનગર પોલીસે અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળતાં તાત્કાલિક સ્થળ પર પહોંચી લૂંટના આરોપીઓને દબોચી લીધા હતા.
બાતમીના આધારે પોલીસ પહોંચી અને પછી...
બાતમીદાર ની ચોક્કસ બાતમીના આધારે પોલીસ ચિત્રા માર્કેટીંગ યાર્ડ સામે આવેલ સ્વામીનારાયણ મંદીરના ગેટ પાસે પહોંચી હતી. જ્યાં ચાર શખ્સો એક કાળા કલરની નંબર પ્લેટ વગરની એકટીવા સ્કુટર સાથે ઉભા હોવાની મળેલી માહિતી બાબતે તપાસ કરતા લૂંટના ચાર આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. જેમાં પોલીસની ટીમ તત્કાલિ બાતમી વાળી જગ્યાએ પહોંચી હતી અને ત્યાં બ્લેક કલરની એક્ટિવા લઈ ઉભેલા આ શખ્સોનની શંકાના આધારે પૂછપરછ કરતા તેઓ પાસે રહેલ મુદ્દામાલ અંગે કોઈ સંતોષકારક જવાબ નહીં આપી શકતા.
આરોપીઓ ભાંગી પડ્યા અને ઘટનાની કબૂલાત કરી
પોલીસે આ ચારેય શખ્સોને પોલીસ મથકે લાવી આગવી ઢબે વારાફરતી પુછપરછ કરતા આરોપીઓ ભાંગી પડ્યા હતા અને તેઓ ચારેય શખ્સોએ ભેગા મળી થોડા દીવસ પહેલા તળાજાના ગોપનાથ રોડ, બાપાસીતારામ ચોક પાસેથી પૈસા ભરેલો થેલો જુટવી લઈ લુંટ કરી ભાગી ગયેલ હોવાની કબુલાત આપી હતી.
તળાજા ખાતે થયેલી લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા
જે અંગે પોલીસે નિલેશ દયાળ મેર, કલ્પેશ ભનુરામ દેવમુરારી, જગદિશ સુરેશ વ્યાસ, મનીષ ઉર્ફે લાલો ભુપત બાંભણીયા ને ઝડપી લીધા હતા. અને તમામ શખ્સોની અંગ ઝડતી દરમ્યાન તેમની પાસેથી કુલ 5,27,000 રોકડા અને તેમની પાસે રહેલ સામાન અને એક્ટિવા બાઇક સહીત કુલ કિ.રૂ.6,12,700 ના મુદ્દામાલ કબજે કરી તળાજા પોલીસ મથક ખાતે સોંપી દેવામાં આવ્યા હતા. આમ તળાજા ખાતે થયેલી લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.