બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, હવે ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહી
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડ્યો છે. તો સુરતમાં પણ સારો વરસાદ થયો છે. આગામી દિવસોમાં પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. વરસાદ અંગે પરેશ ગોસ્વામી, અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે નવી આગાહી કરી છે.
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં વરસાદ ગુજરાતને ઘમરોળશે. સુરેન્દ્રનગર, મોરબી અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તો મધ્ય ગુજરાતમાં પણ આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસશે. ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. ત્યારે ફરી એક વખત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે..
હવામાન વિભાગે પણ કરી છે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. એટલે કે ગુજરાતમાં મેઘરાજાની જમાવટ થવાની છે. જે જગ્યાએ અત્યાર સુધી સારો વરસાદ થયો નથી, ત્યાં પણ આગાહી કરવામાં આવી છે.
23 જુલાઈએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા મંગળવાર એટલે કે 23 જુલાઈએ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અમરેલી, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, મહીસાગર, દાહોદ, નર્મદા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ વરસાદથી વિનાશ! સૌરાષ્ટ્રમાં હાહાકાર, પાણીએ તારાજી સર્જી, આ જિલ્લાના અનેક ગામો બેટમાં
24 જુલાઈએ આ જિલ્લાઓમાં પડશે વરસાદ
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 24 જુલાઈએ કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે. જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ભરૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
25 જુલાઈએ કયાં જિલ્લામાં પડશે વરસાદ
25 જુલાઈની આગાહીની વાત કરવામાં આવે તો ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
26 જુલાઈ માટે વરસાદની આગાહી
26 જુલાઈએ અમરેલી, ભાવનગર, વલસાદ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ગીર સોમનાથ, સુરત, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં કોઈ આગાહી નથી.
અંબાલાલ પટેલની શું છે આગાહી?
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપરવાસમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અંબાલાલે કહ્યું કે 24 જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. જેમાં મધ્ય ગુજરાતના વિવિધ ભાગમાં 4 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. 23-24 જુલાઈએ ગાંધીનગર અને અમદાવાદમાં પણ અતિ ભારે વરસાદની શક્યતા છે.