વરસાદથી વિનાશ! સૌરાષ્ટ્રમાં હાહાકાર, પાણીએ તારાજી સર્જી, આ જિલ્લાના અનેક ગામો બેટમાં ફેરવાયા

સૌરાષ્ટ્રમાં સતત ભારે વરસાદ પડી રહ્યો છે. રસ્તાઓ પર પાણી ભરાયા છે. કેટલીક જગ્યાએ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, રાજકોટ, જામનગરમાં સ્થિતિ વધુ ખરાબ છે. સતત પડી રહેલા વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધી છે. 

વરસાદથી વિનાશ! સૌરાષ્ટ્રમાં હાહાકાર, પાણીએ તારાજી સર્જી, આ જિલ્લાના અનેક ગામો બેટમાં ફેરવાયા

રાજકોટઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર.. ખાસ કરીને આ બે ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દ્વારકા, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો.. સૌરાષ્ટ્રમાં વરસાદે સપાટો બોલાવતા કેટલાય ગામો બેટમાં ફેરવાયા અને પાણીએ તારાજી સર્જી દીધી.. જુઓ સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદની તારાજી.. 

નદી જેવો ધસમસતો પ્રવાહ ગામની શેરીઓમાં વહેવા લાગ્યો..
ગામની શેરીઓમાં વાહનોના બદલે હોડીઓ ચાલવા લાગી..
દ્રશ્યો એવા કે જાણે આખું ગામ બેટ બની ગયું.. 
ગગનચૂંબી ગિરનારમાંથી વરસાદનું પાણી ધોધની જેમ ઉતરવા લાગ્યું.. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 22, 2024

સૌરાષ્ટ્રમાં કહેર બનેલા અનરાધાર વરસાદના આ દ્રશ્યો છે.. ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં મેઘરાજાએ સાંબેલાધારે વરસવાનું શરૂ કર્યું હતું.. ધોધમાર વરસાદ શરૂ થયો ત્યારે ગામના લોકોને ખબર નહોતી કે 3 કલાકમાં જ પોતાનું ગામ એક દરિયો બની બેટમાં ફેરવાઈ જશે.. 6 વાગ્યે શરૂ થયેલો મુશળધાર વરસાદ 9 વાગ્યે ધીમો પડ્યો અને આ ત્રણ કલાક લાઠ ગામને મેઘરાજાએ ધમરોળી નાખ્યું હતું.. ઘરો અને દુકાનોમાં કેડ સમાં પાણી ભરાઈ જતાં લોકો પણ ગભરાવા લાગ્યા હતા.. અનરાધાર વરસાદથી લાઠ ગામ ડૂબવા લાગતાં લોકો ડરના માર્યા મેઘરાજાને ખમૈયા કરો એવી પ્રાર્થના કરવા લાગ્યા હતા.. ગામની બજારોમાં જાણે નદીઓ ગાંડીતૂર બની હોય એમ પૂરનાં પાણી ચારેકોર ફરી વળ્યાં.. 

ઉપલેટા તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.. ઉપલેટાથી ગણોદ ગામ તરફ જવાતા માર્ગ પર કોઝ-વે પર પાણી ફરી વળ્યું.. કોઝ-વે પર પાણી ફરી વળવાના કારણે ગામ સંપર્ક વિહોણું બની ગયું હતું.. ઉપલેટા ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ટ્રેક્ટર મારફતે કોઝ-વે પાર કરીને લાવવામાં આવ્યા હતા.. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 22, 2024

ઉપલેટા પંથકમાં સતત 4 દિવસથી વરસાદ ખાબકી રહ્યો છે.. જેના કારણે સમઢીયાળા ગામમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.. હાઈવે હોય કે ખેતર તમામ બેટમાં ફેરવાય ગયું છે.. ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને પાકમાં નુકસાનીની ભીતિ છે.. અવાર નવાર પાણી ભરાવાના કારણે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો.. 

ન માત્ર રાજકોટ જિલ્લાનો ગ્રામ્ય વિસ્તાર પરંતુ, દ્વારકા જિલ્લામાં પણ મેઘરાજાએ ધડબડાટી મચાવી દીધી છે.. દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં મેઘરાજાએ તારાજી સર્જી દીધી.. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા અને કોઝ-વે પાણીમાં ડૂબી ગયા.. એટલું જ નહીં દ્વારકાથી નાગેશ્વર મહાદેવ તરફનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો.. 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 22, 2024

કલ્યાણપુરમાં ભારે વરસાદના કારણે અનેક લોકો ફસાયા હોવાના પણ સમાચાર મળ્યા.. પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા લોકોનું NDRF દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું..  કલ્યાણપુરના પાનેલી ગામમાં ફસાયેલા ત્રણ લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ હાથ ધરવામાં આવ્યું હતું.. 

અવિરત મેઘવર્ષા અને પાણી ભરાવાના કારણે જામનગર સાંસદ પુનબહેન માડમે લોકોને સલામત સ્થળે જવાની અપીલ પણ કરી હતી.. ભારે વરસાદની તારાજી સૌથી વધુ સૌરાષ્ટ્રમાં થઈ છે.. સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લો, દ્વારકા જિલ્લો, જૂનાગઢ જિલ્લો અને ગીરસોમનાથ જિલ્લો સૌથી વધુ આકાશી આફતનો સામનો કરી રહ્યા છે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news