દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ, સુરત, નવસારી, બારડોલીમાં ભારે વરસાદ
નવસારી અને મલાલપોરમાં ભારે વરસાદને કારણે પ્રાયમરી શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે. બારડોલીમાં તણાઇ જવાને કારણે એક યુવકનું મોત થયું છે.
સુરતઃ હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. તો આજે સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. સમગ્ર દક્ષિણ ગુજરાતના સારો વરસાદ છે. બારડોલીમાં આશરે 10 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. તો નવસારી શહેરમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે તો વલસાડના ધરમપુરમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. નવસારી અને મલાલપોરમાં ભારે વરસાદને કારણે પ્રાયમરી શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી છે. બારડોલીમાં તણાઇ જવાને કારણે એક યુવકનું મોત થયું છે.
મુંબઈમાં તો ભારે વરસાદ પડી રહ્યો છે. આ સાથે ગુજરાતમમાં દક્ષિણ ભાગમાં ભારે વરસાદ છે. તો આ તરફ સૌરાષ્ટ્રના લોકો હજુ વરસાદની રાહ જોઈ રહ્યાં છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં વરસાદની આગાહી કરી છે. સુરત જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો છે. સુરતના ચોર્યાસીમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.
મુંબઇ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડતાં હવે ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં વરસાદ પડે તેવી લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના બારડોલીમાં છેલ્લા 14 કલાકમાં 10.5 ઈંચ વરસાદ નોંધાયો છે. જેથી નદીઓના લેવલ ઉંચા આવી ગયા છે. અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બારડોલી નગરમાં પણ વરસાદના કારણે સોસાયટીના રસ્તાઓ પાણીથી તરબોર થઈ ગયા હતાં. જ્યારે બારડોલીના હિદાયત નગરથી પસાર થતી કોયલી ખાડીમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે. જેની સીધી અસર ખાડીને અડીને આવેલી ઇસ્લામપુરાના રહેણાંક વિસ્તારોમાં જોવા મળી હતી. અહીં આવેલ એક મકાનમાં પાણીનો ભરાવો થતા બે યુવકો ખાડીમાં પડી જતા એક યુવાનનું ડૂબી જવાથી મોત નીપજ્યુ હતું. સ્થાનિકોએ યુવાનને બહાર કાઢી બારડોલી સરદાર હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
નવસારી જિલ્લામાં ધોધમાર
નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સતત વરસાદને કારણે નવસારીના મોટો ભાગનો વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો છે. ધોધમાર વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા છે. આ ઉપરાંત શહેરની કેટલીક સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા છે. જેનાથી લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. ઘરોમાં પાણી ભરાઇ જવાના કારણે ઘરવખરી પલળી ગઇ હતી. સતત વરસાદને કારણે સમગ્ર પંથકમાં વીજપૂરવઠો પણ ખોરવાઇ ગયો હતો. જેનાથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી તેમજ સોસાયટીમાં પાર્ક કરેલા વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા સતત વરસાદને કારણે જિલ્લા કલેકટર દ્વારા શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. રસ્તાઓ પાણી ભરાઇ જવાના કારણે લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. વાહનચાલકોને વાહન ચલાવવામાં પણ ભારે મુશ્કેલી પડી હતી. ત્યારે સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે તંત્ર દ્વારા કોઇ મદદ કરવામાં આવી નથી જેનાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ સતત વરસાદથી લોકોને જીવન જરૂરિયાત ચીજવસ્તુ માટે પણ ભારે હાલાકી ભોગવી પડી હતી.