ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી મંગળવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા જશે. ત્યારબાદ મુખ્યપ્રધાન આરએસએસની રાષ્ટ્રીય કારોબારીમાં હાજરી આપશે. તેવું જાણવા મળી રહ્યું છે કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગીર સોમનાથ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનો સામનો કરી રહેલા ઊના અને ગીરગઢડાની મુલાકાત લઈ શકે છે. અથવા તો સીએમ હવાઇ નિરીક્ષણ કરે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


આ પહેલા રાજ્યમાં વરસાદની સ્થિતિને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બેઠક બોલાવી હતી.  બેઠકમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલ પણ હાજર રહ્યા હતા. SEOC ખાતે બેઠક મળી હતી. આ પહેલા મુખ્યપ્રધાને કંટ્રોલરૂમમાં જઈ કામનું નિરીક્ષણ કર્યું. વરસાદથી સૌથી વધુ પ્રભાવિત એવા ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્ર તેમજ ઉનાના પ્રાંત અધિકારી સાથે કંટ્રોલ રૂમમાંથી જ સીધો ટેલિફોનિક સંપર્ક કરી વિગતો મેળવી હતી અને હાલની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સાથે રાહત બચાવ કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું. બેઠક બાદ મુખ્યપ્રધાને કહ્યું કે તમામ જગ્યાએ વરસાદને પગલે તંત્ર સંપૂર્ણ રીતે તૈયાર છે. નવી બોટો પણ મંગાવવામા આવી છે. વધુ પાંચ એનડીઆરએફની ટીમો બોલાવવામાં આવી છે. જરૂર પડશે તો એરફોર્સની પણ મદદ લેવામાં આવશે. તો મુખ્યપ્રધાને વડાપ્રધાન મોદીના પ્રવાસ અંગે કહ્યું કે, તેમાં કોઇપણ ફેરફાર કરવામાં આવ્યો નથી.