આગામી સપ્તાહ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર સંકટ, અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના
સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે. તો ગુજરાતમાં હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં વરસાદને કારણે ઉભી થયેલી સ્થિતિની ચર્ચા કરવામાં આવી હતી.
ગાંધીનગરઃ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડ્યો છે. બીજીતરફ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વચ્ચે અધિક કલેક્ટર SEOC કલ્પનાબેન ગઢવીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર - SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.
અતિભારે વરસાદની સંભાવના
આ બેઠકમાં IMD ના અધિકારીશ્રી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. આગામી સપ્તાહ દરમિયાન પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આગામી તા.૨૩ થી ૨૭ જુલાઈ,૨૦૨૪ સુધી રાજયમાં અતિભારે/ભારે વરસાદની આગાહી બાબતે અધિક કલેકટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા જણાવ્યું હતું.
હવે આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, ગુજરાતમાં સાત દિવસ સુધી વરસાદની આગાહી
હવાઈ નિરીક્ષણ કરવા પહોંચ્યા મુખ્યમંત્રી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત પડેલા ભારે વરસાદને કારણે સ્થિતિ વિકટ બની છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વયં હવાઈ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ કલ્યાણપુર તાલુકાના આસપાસના વિસ્તારો તથા દ્વારકાના વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કરી વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિની વિગતો મેળવી હતી.
સૌરાષ્ટ્ર પંથકમાં ભારે નુકસાન
સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ ભારે તારાજી સર્જી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કરીને મેઘ તારાજીનો તાગ મેળવ્યો. દ્વારકા અને જામનગર જિલ્લામાં મેઘતાંડવથી મોટાપાયે નુકસાન થયું છે. આજે પણ દ્વારકા અને જામનગર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. હવાઈ નિરિક્ષણમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ પોલીસ મહાનિદેશક વિકાસ સહાય પણ જોડાયા હતા. હવાઈ નિરીક્ષણ કર્યા પછી મુખ્યમંત્રીએ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સમગ્ર માહિતી મેળવી હતી.