ઝી મીડિયા બ્યુરો: રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. તાપીમાં પાણીની આવક થતા બારડોલીના હરિપુરા ગામે કોઝવે ડૂબી ગયો હતો. જેના કારણે 10 થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારે વરસાદને કારણે પાણીની આવક થતા દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો ઉકાઇ ડેમ આ વર્ષે 340 ફૂટ સુધી ભરાઈ ગયો છે. તેથી ઉકાઇ ડેમમાં પાણીની સપાટી વધતા તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. ઉકાઇ ડેમના 22 ગેટમાંથી 9 ગેટ 4 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. જેમાંથી તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે.


આ પણ વાંચો:- રાજ્યની 8 મહાનગર પાલિકાઓમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો, આ તારીખ સુધી રહેશે અમલ


ઉકાઈ ડેમમાંથી 98 ક્યૂસેક પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. જેના કારણે બારડોલી અને માંડવી તાલુકાને જોડતો હરિપુરા કોઝવે પ્રભાવિત થયો હતો અને પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના કારણે કડોદની સામે પારના 10  ગામો પ્રભાવિત થયા છે. આ ગામો સંપૂર્ણ રીતે સંપર્કવિહોણા બન્યા છે. 


આ પણ વાંચો:- CM ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં કોણ યથાવત, કોનું કપાશે પત્તું અને કોને સ્થાન, જુઓ આ રહ્યું સંભવિત લિસ્ટ


અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 69.24 ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 80.50 ટકા, દક્ષિણ ગુજરાતમાં 71.14 ટકા, કચ્છ ઝોનમાં 70.36 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 57.69 ટકા અને ઉત્તર ગુજરાતમાં 55.13 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.


આ પણ વાંચો:- વલસાડમાં મધુબન ડેમ છલકાયો, શહેરમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી


ભારે વરસાદને કારણે 14 સપ્ટેમ્બર 2021 ને સવારે 9.00 કલાકની સ્થિતિએ રાજ્યના 201 વિવિધ રસ્તાઓ બંધ થયા છે. જેમાં એક નેશનલ હાઈવે, 18 સ્ટેટ હાઈવે, 20 અન્ય માર્ગો, 162 પંચાયતના માર્ગોનો સમાવેશ થાય છે. જેમાં બનાસકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જિલ્લાઓના માર્ગો અસરગ્રસ્ત થયા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સંચાલિત એસ.ટી બસોના 55 રૂટ બંધ કરાયા છે અને 121 ટ્રીપો રદ કરાઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube