જયેન્દ્ર ભોઈ/પંચમહાલ :છેલ્લાં કેટલાક સમયથી ગુજરાતમાથી દારૂબંધી હટાવવાની ચર્ચા ઉઠી છે. તો બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સોશિયલ મીડિયા પર દારૂબંધી (liquor ban) હટાવવા માટે અભિયાન પણ ચલાવી રહ્યાં છે. તેઓ દારૂબંધી હટાવવાની તરફેણમાં છે. આવામાં ગાંધી જયંતી નિમિત્તે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોટું નિવેદન આપતા કહ્યું કે, કેટલાક લોકો ગુજરાતમાં દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પરંતુ એ શક્ય નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેઓએ વધુમાં જણાવ્યું કે, નશાબંધી માટે ગુજરાત સરકાર (gujarat government) કટિબદ્ધ છે. થોડા સમય પહેલા જ શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં દારૂબંધી હટાવવાની ખૂલીને તરફેણ કરી ચૂક્યા છે. કેટલાક લોકો દારૂબંધી હટાવવાથી કરોડોની આવક થાય અને ગુજરાતનો વિકાસ થાય એવો મત ધરાવે છે. પરંતુ ગુજરાત સરકાર દારૂબંધી માટે કટિબદ્ધ છે. દારૂની બદીને કારણે કેટલાય પરિવારો ઉજડી જાય છે. દારૂનો દૈત્ય કેટલીય બહેનોને વિધવા બનાવે છે. સરકાર બહેનોના ચૂડી ચાંદલાની રક્ષા કાજે દારૂબંધી માટે કટિબદ્ધ છે. ગોધરામાં એક કાર્યક્રમ દરમિયાન તેઓએ દારૂબંધીની વાત કરી હતી. 


ઉલ્લેખનીય છે કે, ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા આજે પંચમહાલમાં ગાંધી જયંતીની ઉજવણી પ્રસંગે હાજર રહ્યા હતા. તેઓએ ગોધરા સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કર્યું હતુ. તેમની મુલાકાત પહેલા સર્કિટ હાઉસ ખાતે ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.