ગૌરવ દવે/રાજકોટ :સોશિયલ મીડિયા પર વીડિયો બનાવવાના ચક્કરમાં યુવા પેઢી ન કરવાનું કરી બેસે છે. નિયમો તોડે છે, તો ક્યારેક વીડિયો બનાવવાની લ્હાયમાં જીવ ગુમાવી બેસે છે. ત્યારે રાજકોટમાં યુવકો પણ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવવાનો ચક્કરમાં ભાન ભૂલ્યા હતા. શહેર ના BRTS રૂટ પર યુવકોએ ઘોડા દોડાવ્યા હતા. એટલુ જ નહિ, બે યુવકોએ ઘોડા પર ઉભા રહીને જોખમી સ્ટંટ પણ કર્યા હતા. ત્યારે ઘોડેસવારી કરતા યુવાનોના વીડિયો વાયરલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કેટલાક યુવકો બીઆરટીએસ ટ્રેક પર ઘોડા દોડાવી રહ્યાં છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, 6 જેટલા યુવકો નિયમોનું ભંગ કરી BRTS રૂટ પર ઘોડેસવારી કરી રહ્યા છે. ગુજરાતી ગીત ‘લટકે હાલો ને નંદલાલ’ સાથે વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.



જ્યાં સુધી ઘોડા દોડાવવાની વાત આવે છે ત્યા સુધી તો બરાબર હતું કે સમજી શકાય કે રસ્તા પરથી ઘોડાની હેરફેર કરવામાં આવતી હોય. પરંતુ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, બે યુવકો ઘોડા પર ઉભા રહીને જોખમી સ્ટંટ કરી રહ્યાં છે. બીઆરટીએસના રુટ પર આ સવારી જોખમી બની રહે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, આ ઘોડદોડ વીડિયો બનાવવાની લ્હાયમાં કરવામાં આવી રહ્યો છે. જો રસ્તા પરથી આ સમયે અન્ય વાહનો પસાર થાય તો અવાજથી ઘોડા બેકાબૂ બની શકે છે. તેનાથી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે.