રવિ અગ્રવાલ/વડોદરા : શહેરમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે, કોરોનાની બીજી લહેરમાં ના માત્ર યુવાનો, મહિલાઓ, વૃદ્ધો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે, પરંતુ નાના બાળકોમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ત્યારે દરેક માતા પિતાએ બાળકની શું કાળજી લેવી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકોને કોરોનાનો ચેપ ક્યાંથી લાગી શકે ?
કોરોના વાયરસનું સંક્રમણ 5 વર્ષથી નાની ઉંમરના બાળકોને ઝડપથી લાગી રહ્યું છે, જેને લઈ માતા પિતા ચિંતિત થયા છે. બાળકોને મોટા ભાગે ઘરમાંથી બહાર નોકરી ધંધાર્થે જતાં વ્યક્તિ દ્વારા કોરોનાનું સંક્રમણ લાગી શકે છે. આ ઉપરાંત બાળકોને સોસાયટીમાં સાથે રમતા અન્ય બાળકો અથવા અન્ય કોઈ ભીડ વાળી જગ્યાએથી અજાણ્યા વ્યક્તિ દ્વારા પણ કોરોનાનું સંક્રમણ લાગી શકે છે.


નાના બાળકોમાં કોરોનાના ક્યાં લક્ષણો જોવા મળે છે
નાના બાળકોમાં મોટાભાગે તાવ, ગળું દુખવું, માથું દુખવું, શરીરનો દુખાવો, શરદી - ખાંસી, ઉલ્ટી, ઝાડા, પેટનો દુખાવો જેવા કોરોનાના લક્ષણો જોવા મળે છે. સંક્રમણ વધુ ફેલાતાં ગંભીર લક્ષણો પણ જોવા મળે છે, જેમ કે ખૂબ અશકિત લાગવી, ખોરાક બંધ થઈ જવો, ખૂબ ખાંસી આવવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી. ત્યારે આવા લક્ષણો દેખાય તો તુરંત બાળકોનો રેપિડ કે RT-PCR ટેસ્ટ કરાવી લેવો જોઈએ. સામાન્ય લક્ષણો ધરાવતા બાળકોમાં આનાથી વિશેષ અન્ય કોઈ પણ રિપોર્ટ કરાવવાની જરૂર નથી, જ્યારે ગંભીર લક્ષણો ધરાવતાં બાળકોમાં સારવાર માટે જરૂરી એવા અન્ય રિપોર્ટ જેવા કે CBC, CRP, LFT, D-Dimer, Ferritin કરાવી લેવા જોઈએ. 


બાળકના કોરોના RT-PCR રિપોર્ટમાં Ct વેલ્યુનું મહત્વ નથી
કોરોનાના  RT-PCR રિપોર્ટમાં Ct વેલ્યુ લખેલી હોય છે. જેમાં Ct વેલ્યુ ખૂબ ઓછી હોય તો ઇન્ફેક્શનનું પ્રમાણ વધુ એવું લખેલું હોય છે, જ્યારે Ct વેલ્યુ વધુ હોય તો ઇન્ફેક્શનનું પ્રમાણ ઓછું એવું લખેલું હોય છે, આ બાબત બાળકોના કોરોનાના  RT-PCR રિપોર્ટમાં લાગુ પડતી નથી. બાળકોના કોરોના રિપોર્ટમાં Ct વેલ્યુ નું કોઈ મહત્વ નથી. સારવાર બાળકના લક્ષણો મુજબ કરવામાં આવે છે. 


નાના બાળકોમાં છાતી નો સિટી સ્કેન કરાવી શકાય? 
વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય તો તે સિટી સ્કેન (HRCT) કરાવે છે. પરંતુ મોટાભાગના બાળકોમાં કોરોના થાય તો પણ તેના ગંભીર લક્ષણો જોવા મળતા નથી. જેથી બાળકોમાં કોરોના એટલો ઝડપથી ફેફસામાં ફેલાતો નથી. જેથી સામાન્ય લક્ષણો ધરાવતા બાળકોમાં છાતીનો સીટી સ્કેન કરવાની જરૂર નથી, પરંતુ ખૂબ ખાંસી હોય, છાતીમાં દુખાવો થાય, શ્વાસમાં તકલીફ પડે તો ચોક્કસથી બાળકનો સીટી સ્કેન કરાવવો જોઈએ. 


કોરોના સંક્રમિત બાળકની શું સારવાર કરી શકાય?
મોટાભાગના સામાન્ય લક્ષણો ધરાવતા બાળકોમાં કોરોના કોઈ ચોક્કસ દવા વગર, જરૂરી પુરતી તાવની કે ખાંસીની દવા આપવાથી જ સારો થઈ જાય છે પરંતુ ગંભીર લક્ષણો ધરાવતાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરીને રેમડેસિવીરના ઇન્જેક્શન આપવામાં આવે છે. પણ બાળકને પુખ્ત વયના દર્દીમાં વપરાતી દવાઓ જેવી કે Fevioaravir, Ivermectin, Doxycyclin આપવામાં આવતી નથી. 


નાનું બાળક કોરોના સંક્રમિત થયું હોય તો શું તેને પણ 14 દિવસ આઇસોલેટ રાખવુ પડે?
નાના બાળકને કોરોના થયો હોય તો તેને પણ 14 દિવસ આઇસોલેટ રાખવુ પડે, બાળકને ઘરમાં તેના માતા પિતા સાથે રાખવાનું હોય છે. પરંતુ ઘરના 50 વર્ષથી વધુ ઉંમરના વડીલને અથવા કોમૉર્બીડીટી વાળા વ્યક્તિને સંક્રમિત બાળકથી અલગ રાખવા જોઈએ. જો ઘરના તમામ સભ્યોને કોરોના થયો હોય અને બાળકનો રિપોર્ટ નેગેટિવ હોય તો આવા બાળકને બીજાના ઘરે આપવું ના જોઈએ. કેમ કે આવું બાળક રિપોર્ટ નેગેટિવ હોવા છતાં કોરોના થી સંક્રમિત હોઈ શકે છે જે બીજાના ઘરમાં પણ કોરોના ફેલાવી શકે છે. 


કોરોના પોઝિટિવ માતા બાળકને ધાવણ આપી ( દૂધ પીવડાવી ) શકે?  
કોરોના પોઝિટિવ મહિલાની પ્રસૂતિ થઈ હોય તો તેનું બાળક પણ મોટાભાગે કોરોના પોઝિટિવ જ હોય છે, પણ જો બાળક કોરોના નેગેટિવ હોય તો પણ માતાએ પોતાના બાળકને દૂધ પીવડાવવું જ જોઈએ. આટલું જ નહિ પણ કોઈ માતા કોરોનાથી સંક્રમિત થઈ હોય અને તેનું બાળક નાનું હોય અને તેનો રિપોર્ટ નેગેટિવ આવે તો પણ માતાએ પોતાના બાળકને દૂધ પીવડાવવું જોઇએ. માતાએ પોતાના બાળકને દૂધ પીવડાવતા સમયે માસ્ક પહેરવું જોઈએ, ફેસ શિલ્ડ લગાવવું જોઈએ, સાથે જ હાથ સેનેટાઈઝ કરવા જોઈએ. બાળકને દૂધ પીવડાવ્યા બાદ માતાએ એને 6 ફૂટના અંતરે રાખવુ જોઇએ. 


નાના બાળકોને કોરોનાથી બચવાના ઉપાયો શું? 
નાના બાળકોને કોરોના મોટાભાગે ઘરના વ્યક્તિઓથી લાગે છે તેવામાં ઘરમાંથી કામકાજ માટે બહાર નીકળતા વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તે જાહેર જગ્યાઓ પર હમેશાં સોશીયલ ડિસ્ટન્સ જાળવે, નાક અને મોઢું ઢંકાય એ રીતે ટ્રીપલ લેયર માસ્ક પહેરે અને વારંવાર હાથ સેનેટાઈઝ કર્યા કરે. ઘરમાં વ્યક્તિ પ્રવેશે ત્યારે તરત બાળક પાસે ના જવું જોઈએ. પહેલા સ્નાન કરવું જોઈએ, કપડાં બદલવા જોઈએ બાદમાં જ બાળક પાસે જવું જોઈએ.


સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગના તબીબ ડો. શીલા ઐયર કહે છે કે રોજ સયાજી હોસ્પિટલમાં જ 5 થી 6 કોરોના પોઝિટિવ બાળકો આવે છે. છેલ્લા 15 દિવસમાં તો 75 બાળકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાંથી 90 ટકા બાળકો હોમ આઇસોલેટ રહીને જ સાજા થઈ રહ્યા છે. ત્યારે દરેક માતા પિતાને કોરોનાની બીજી લહેરમાં બાળકની વિશેષ કાળજી લેવાની જરૂર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube