ગુજરાતના ખેડૂતો દર મહિને કેટલી કમાણી કરે છે? દેશના તમામ મોટા રાજ્યોના ખેડૂતોની કમાણી જાહેર
farmers in Gujarat earn per month? ગુજરાતમાં એકસમયે કૃષિ વૃદ્ધિ દર સૌથી વધુ બે આંકડામાં એટલે કે 10 ટકાથી વધુ હોવાનું ભૂતકાળની સરકારો દ્વારા કહેવાતું હતું પરંતુ કૃષિ વૃદ્ધિ દર એક જ આંકડામાં હોવાનો ઘટસ્ફોટ કેગના અહેવાલમાં કરાયા બાદ તે ફુગ્ગો ફૂટી જવા પામ્યો હતો.
How much do farmers in Gujarat earn per month?: દર વખતે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે કરોડો રૂપિયાનું બજેટ જાહેર કરે છે, પરંતુ તેમ છતાં ગુજરાત સહિત દેશના એકેય રાજ્યના ખેડૂતોની કમાણીમાં ઝાઝો ફર્ક પડતો નથી. ગુજરાતના ખેડૂતો જ નહીં દેશના ખેડૂતો કેટલા સમૃદ્ધ છે તે આંકડા પરથી જાણી શકાય છે. ખેડૂતોની આવક બમણી કરવાના દાવા લાંબા સમયથી થઇ રહ્યા છે. તો ગુજરાતમાં એકસમયે કૃષિ વૃદ્ધિ દર સૌથી વધુ બે આંકડામાં એટલે કે 10 ટકાથી વધુ હોવાનું ભૂતકાળની સરકારો દ્વારા કહેવાતું હતું પરંતુ કૃષિ વૃદ્ધિ દર એક જ આંકડામાં હોવાનો ઘટસ્ફોટ કેગના અહેવાલમાં કરાયા બાદ તે ફુગ્ગો ફૂટી જવા પામ્યો હતો. સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોના ખેડૂત પરિવારોની સરેરાશ આવક કેટલી છે? જેનો જવાબ આજે અમે તમને જણાવીશું.
છેલ્લા કેટલાક વર્ષોથી આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ખેડૂતોને સમુદ્ધ કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. તેમ છતાં ગુજરાતના સરેરાશ ખેડૂત પરિવારો પર મોટું દેવુ છે અને આવક નજીવી હોવાનું છેલ્લા નેશનલ સેમ્પલ સર્વેમાં ફલિત થયું છે. ગુજરાતમાં દર મહિને ખેડૂત પરિવારની આવક માત્ર રૂ. 12,631ની છે. કૃષિ કે ખેડૂત પરિવાર પર સરેરાશ 56,568 રૂપિયાનું દેવુ કે લોનનું ભારણ છે. તે પ્રમાણે ગુજરાતના 42.5 ટકા ખેડૂતો દેવાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે.
લોકસભામાં કૃષિ મંત્રાલય દ્વારા આ આંકડા આપવામાં આવ્યા છે, જેમાં દેશના વિવિધ રાજ્યના ખેડૂત પરિવારની આવક અને બાકી દેવાની વિગતો નેશનલ સેમ્પલ સર્વે 2018-19ને ટાંકીને જણાવવામાં આવ્યા છે. તેમાંય ખેડૂત પરિવારની આવકનો જે આંકડો છે તેમાં પાક ઉપજની આવક કુલ આવક કરતા લગભગ ચોથા ભાગની જ છે. કુલ આવકમાં મજૂરી, ખેતર ભાડે આપવું, પાક ઉપજ, પશુપાલન વિગેરેની આવકનો પણ સમાવેશ કરાય છે.
ટોચ પર છે પંજાબ
કેટલાક રાજ્યોમાં ખેડૂત પરિવારોની આવક દર મહિને 20 હજાર રૂપિયાથી વધુ છે. જ્યારે ઘણા રાજ્યોમાં આવક સરેરાશ છે અને કેટલાકમાં આવક ઘણી ઓછી છે. ગુજરાતના ખેડૂત પરિવારોની માસિક આવક 12,631 છે. સારી આવકના મામલામાં પંજાબ ટોપ પર છે. અહીં આવક 26,701 છે. જ્યારે મહારાષ્ટ્ર આ મામલે સૌથી પાછળ છે, રાજ્યમાં આવક 11,492 છે.
ખેડૂતોની આવક વધારવા માટે સરકારે ઘણી યોજનાઓ અને પહેલ શરૂ કરી છે.
- પીએમ કિસાન દ્વારા ખેડૂતોને આવક સહાય
- પ્રધાનમંત્રી પાક વીમા યોજના
- કૃષિ ક્ષેત્ર માટે સંસ્થાકીય ધિરાણ
- ઉત્પાદન ખર્ચના દોઢ ગણા લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) નક્કી કર્યા
- દેશમાં જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવું
- વધુ ક્રોપ ચાલુ કરો
- સૂક્ષ્મ સિંચાઈ ભંડોળ
- ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) ને પ્રોત્સાહન
- રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને મધ મિશન
- કૃષિ યાંત્રિકરણ
- ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવા
- નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (e-NAM) એક્સ્ટેંશન પ્લેટફોર્મની સ્થાપના
- ખાદ્ય તેલ માટે રાષ્ટ્રીય મિશન શરૂ કરવામાં આવ્યું
- કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ
- કૃષિ પેદાશોના લોજિસ્ટિક્સમાં સુધારો, કિસાન રેલની રજૂઆત.
- બાગાયતના સંકલિત વિકાસ માટેનું મિશન (MIDH)
- કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સ્ટાર્ટ-અપ ઇકો સિસ્ટમની રચના
- કૃષિ અને કૃષિ સંબંધિત ચીજવસ્તુઓની નિકાસમાં સિદ્ધિ
- કેન્દ્રીય ક્ષેત્રની યોજના નમો ડ્રોન દીદી
ખેડૂત પરિવારની માસિક આવક
રાજ્ય પાકની આવક કુલ આવક
ગુજરાત 4318 12,631
કર્ણાટક 6835 13,441
ઉત્તરાખંડ 5277 13,552
પંજાબ 12,597 26,701
હરિયાણા 9092 22,841
મહારાષ્ટ્ર 4747 11,492
ખેડૂત પરિવાર ઉપર દેવુ-લોન
રાજ્ય દેવુ ટકા
ગુજરાત 56,568 42.5
ઉત્તર પ્રદેશ 51,507 41.9
ઝારખંડ 8415 25.3
ઓરિસ્સા 32,721 61.2
પ. બંગાળ 26,452 50.8
કાશમીર 30,535 31.9
મહારાષ્ટ્ર 82,085 54.0