રાજકોટની કાનાફૂસી દિલ્હી દરબારમાં પહોંચી, તિરંગા યાત્રામાં ઓછી હાજરીની નોંધનો રિપોર્ટ IB એ મોકલ્યો
Rajkot Tiranga Yatra Report : તિરંગા યાત્રામાં નેતા અને કાર્યકરોની ઓછી હાજરી રાજકોટ શહેર ભાજપ માટે સમસ્યા બની છે. તિરંગા યાત્રામાં CM અને C.R. પાટીલની હાજરી છતાં ભાજપના સ્થાનિક નેતા અને કાર્યકરો ઓછા જોડાયાનો ઘટસ્ફોટ થયો
ગૌરવ દવે/રાજકોટ :શુક્રવારે રાજકોટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં તિરંગા યાત્રા નીકળી હતી. જોકે, આ તિરંગા યાત્રામાં ઓછી હાજરી ચર્ચાનું કેન્દ્ર બની છે. ઓછી હાજરીની નોંધ દિલ્હી સુધી લેવાઈ છે. તેનો રિપોર્ટ આઈબીએ સરકારને મોકલ્યો છે. IBના રિપોર્ટ બાદ સ્થાનિક નેતાઓની પૂછપરછના એંધાણ છે.
તિરંગા યાત્રામાં નેતા અને કાર્યકરોની ઓછી હાજરી રાજકોટ શહેર ભાજપ માટે સમસ્યા બની છે. તિરંગા યાત્રામાં CM અને C.R. પાટીલની હાજરી છતાં ભાજપના સ્થાનિક નેતા અને કાર્યકરો ઓછા જોડાયાનો ઘટસ્ફોટ થયો છે. તિરંગા યાત્રામાં 68 કોર્પોરેટરમાંથી 25 થી વધુ કોર્પોરેટર ગેરહાજર રહ્યા હતા. રાજકોટ ભાજપના અનેક સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ યાત્રામાં હાજરી આપી ન હતી. ત્યારે તિરંગા યાત્રામાં સ્થાનિક નેતા અને કાર્યકરોની ઓછી હાજરી રાજકોટ શહેર ભાજપ માટે પ્રશ્નરૂપ બન્યો છે.
આ પણ વાંચો : ગોઝારો રવિવાર : ભાવનગરમાં આહીર પરિવારને નડ્યો અકસ્માત, પતિ-પત્ની-પુત્રનું મોત
તો સાથે જ આ સમસ્યા દિલ્હી દરબારમાં પહોંચી છે. IB એ આ અંગે સરકારમાં રિપોર્ટ કર્યો છે. ત્યારે IB એ સરકારમાં રિપોર્ટ કરતા સ્થાનિક નેતાઓની પૂછપરછના એંધાણ છે. IB ના રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો કે, સતાનું કેન્દ્ર બદલાતા રાજકારણના સમીકરણો પણ બદલાયા છે.
ઉલ્લેખનીય છે કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટથી હતા. ત્યારે અનેક કાર્યક્રમોમાં કાર્યકર્તાઓની ભીડ રહેતી હતી. પરંતુ રાજકોટની તિરંગા યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ તિરંગા યાત્રામાં હાજર હતા, છતાં શહેર ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓની ગેરહાજરી હતી. સરકારમાં રિપોર્ટ જતા હવે રાજકોટનુ રાજકારણ ગરમાઈ શકે છે. સ્થાનિક નેતાઓમાં પૂછપરછ શરૂ થઈ શકે છે. તેમજ અનેક નેતાઓનો ઉઘડો લેવાઈ શકે છે.