રક્ષિત પંડ્યા, રાજકોટ: જો આપ નોકરીથી વંચિત છો અને નોકરી માટે કોઇ સોશિયલ મીડિયા મારફત તમારો સંપર્ક સાધે તો સાવધાન થઇ જજો. કારણ કે રાજકોટ પોલીસે એક એવી ટોળકીની ધરપકડ કરી છે. આ ટોળકી અન્ય રાજ્યોમાંથી યુવાનોને નોકરી માટે રાજકોટ બોલાવી બાદમાં અવાવરું જગ્યા પર લઇ જઇ લાઇટર પિસ્તોલ બતાવી લૂંટ ચલાવતા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદી દ્વારા આપેલ ફરિયાદ ના આધારે તપાસ કરતા રાજકોટમાં ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવતા જ 3 જવાનો દ્વારા લૂંટ ચલાવતા હોવાનું સામે આવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. માધવ ઉર્ફે સતીષ જળું , ભૌતિક ચાવડા અને વિશાલ ચાવડા આ ત્રણે રાજકોટ શહેરમાં ટ્રાફિક વોર્ડન તરીકે ફરજ બજાવી રહ્યા છે. આરોપીઓ પાસેથી 3 લાઇટર પિસ્તોલ , 3 મોટરસાઇકલ , મોબાઇલ ફોન રોકડ સહિત મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


શુ છે આરોપીઓની મોડેસ ઓપરેન્ડી?
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓ ફેસબુક મારફત નોકરી વંચિત યુવકોનો સંપર્ક કરવામાં આવતો હતો. બાદમાં રાજકોટ બોલાવીને તેમનેઅવાવરું જગ્યા પર લઇ જઇ તેમને લાકડી પાઇપ વડે માર મારી, લાઇટર પિસ્તોલ બતાવી ધમકી આપી રોકડ રકમ સહિતની લૂંટ ચલાવતા હતા. પકડાયેલા આરોપી અત્યાર સુધી 5 જેટલા યુવકોને રાજકોટ બોલાવી લૂંટ ચલાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. 


લૂંટની સાથે સાથે આરોપીઓ દ્વારા અસલી હથિયારને ટક્કર આપે તેવા લાઇટર પિસ્તોલના ફોટોગ્રાફ્સ બતાવી હથિયાર વહેંચવાની પણ લાલચ આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ કોઈ લોકો સાથે લૂંટ ચલાવવામાં આવેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube