હિમાંશુ ભટ્ટ/મોરબી : શિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગ માટે રશિયામાં વેપાર વધે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. જો કે, સ્થાનિક બેન્કો દ્વારા સરકાર અને આરબીઆઇની ગાઈડ લાઇનને અનુસરવામાં આવતી નથી. જેથી કરીને ઘણા ઉદ્યોગકારોના કરોડો રૂપિયા રશિયામાં ફસાઈ ગયા છે. ઘણા ઉદ્યોગકારો પાસે તેની રશિયાની પાર્ટીના ઓર્ડર તૈયાર હોવા છતાં પણ તે રૂપિયા ફસાઈ જવાના ડરના લીધે તેનો માલ રશિયા મોકલવી શકતા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબીના સિરામિક ઉદ્યોગકારો વેપાર માટે યુક્રેન અને રશિયા બંને દેશો સાથે જોડાયેલ છે. જો કે, છેલ્લા ઘણા મહિનાઓથી આ બંને દેશ વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે જેથી કરીને રશિયાની સામે સ્વિફ્ટ મેસેજ બંધ થઈ ગયા છે. જેથી કરીને ઉધોગકારો દ્વારા જે માલ રશિયા મોકલાવવામાં આવે તેની સામે ડોલર આવતા નથી અને ભારત સરકાર દ્વારા રૂપી અને રૂબલ વચ્ચેના નાણાકીય વ્યવહારો ચાલુ રાખવામા આવે છે આટલું જ નહીં પરંતુ આરબીઆઇ દ્વારા પણ તેના માટે જરૂરી ગાઈડ લાઇન આપી દેવામાં આવી છે તેમ છતાં પણ સ્થાનિક બેંકના અધિકારીઓએ દ્વારા સહકાર આપવામાં આવી રહ્યો નથી. જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોના કરોડો રૂપિયા રશિયામાં ફસાઈ ગયા છે. કેટલાક ઉદ્યોગકારો પાસે ઓર્ડર છે અને માલ પણ તૈયાર છે તો પણ રૂપિયા ફસાઈ જવાના ડરના લીધે તે લોકો રશિયા માલ મોકલાવી શકતા નથી.


મોરબીના ઉદ્યોગકારોની પાસેથી મળી રહેલી માહિતી મુજબ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ જે જેથી કરીને ઇટલી અને સ્પેનમાંથી જે સિરામિકનો માલ રશિયાને મોકલાવવામાં આવતો હતો તેના ઉપર બ્રેક લાગી ગયેલ છે અને તે ગ્રાહકો હાલમાં ભારત તરફ વળ્યા છે અને છેલ્લા ચારથી પાંચ વર્ષથી અહીના ઉદ્યોગકારો રશિયામાં સારા બિઝનેસ માટે સરકારના સહયોગથી પ્રયત્નો કરતાં હતા. જેથી કરીને આજની તારીખે મોરબીના લગભગ ૧૫૦ જેટલા ઉદ્યોગકારો રશિયામાં માલની સપલાઈ કરે છે. 


જો કે, સ્વીફ્ટ પેમેન્ટ સીસ્ટમમાંથી રશિયાની બાદબાકી કરવામાં આવી છે તેમ છતાં ભારત સરકાર દ્વારા નાણાકીય વ્યવહારો તેની સાથે ચાલુ રાખવામા આવેલ છે પરંતુ સ્થાનિક બેંકના અધિકારી દ્વારા કોઈપણ પ્રકારનો સહકાર ઉદ્યોગકારોને આપવામાં આવી રહ્યો નથી. ખાસ કરીને બીઆરસી જનરેટ કરવામાં આવતી નથી. જેથી કરીને ભવિષ્યમાં ઉદ્યોગકારોને આરબીઆઇમાં તેના જવાબ આપવા માટે જવું પડે તેવી સ્થિતિ ઊભી થાય તેમ છે જેથી કરીને અહીના એક્સપોર્ટને મોટો ફટકો પડી રહ્યો છે.


જયારે રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધની શરૂઆત હતી, ત્યારે રશિયાના ઓર્ડર મુજબ અહીના ઉદ્યોગકારો દ્વારા જે માલ ત્યાં આપવામાં આવેલ છે તેમાંથી મોટાભાગના ઉદ્યોગકારોના રૂપિયા આજની તારીખે પણ ફસાયેલ છે. નવા એક્સપોર્ટ ઓર્ડર આવી ગયા છે તેનો માલ પણ તૈયાર છે. જો કે, સ્થાનિક બેન્ક અધિકારીઓની આડોડાઈના લીધે ઉદ્યોગકારોના નાણાં ફસાઈ તેમ હોવાથી માલ કેવી રીતે મોકલાવવો તે પ્રશ્ન ઊભો થયો છે ત્યારે સરકાર દ્વારા રશિયાનું ચલણ રૂબેલ અને ભારતના ચલણ રૂપિયા વચ્ચે વ્યવહાર ચાલુ રાખવામા આવેલ છે તેનો અમલ સ્થાનિક બેંકના અધિકારી દ્વારા પણ કરવામાં આવે તેવી અહીના ઉદ્યોગકારોની માંગ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube