• રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદથી 70 ડોક્ટરોને સિવિલ હોસ્પિટલમાં ફરજ પર મૂકાયા.

  • અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોવિડ હોસ્પિટલમાં 64 જેટલા ડોક્ટરો કોરોના પોઝિટિવ


રક્ષિત પંડ્યા/રાજકોટ :ગુજરાતમાં હવે વધુને વધુ તબીબો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. આવામા રાજકોટમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(IMA) એ શહેરના તબીબો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. કારણ કે, પાછલા દિવસોમાં રાજકોટ શહેરના અગ્રણી સહિત 100 થી વધુ તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજકોટ IMA ના પ્રમુખ ડો.જય ધિરવાણીએ રાજકોટના તમામ તબીબો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજકોટના તમામ તબીબો (corona warriors) એ વધુ સાવચેતીપૂર્વક સારવાર કરવા આદેશ આપ્યા છે. તબીબો જ સંક્રમિત થશે તો દર્દીઓની સારવાર કરવું મુશ્કેલ બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના સામે લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સ ડોક્ટરો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદથી 70 ડોક્ટરોને સિવિલ હોસ્પિટલમાં ફરજ પર મૂકાયા છે. રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 26 લોકોના 24 કલાકમાં મૃત્યુ થયા છે. જેમાં રાજકોટ શહેરના 14, ગ્રામ્યના 6 અને અન્ય જિલ્લાના 6 લોકોનો સમાવેશ છે. રોજેરોજ રાજકોટ સારવાર લઈ રહેલા સરેરાશ 25થી 30 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. 


આ પણ વાંચો : ગુજરાતની ગધેડીઓએ ઈતિહાસ સર્જ્યો, સોનાના મૂલનું દૂધ આપવાથી થઈ વાહવાહી...


અમદાવાદમાં 64થી વધુ તબીબો સંક્રમિત 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોવિડ હોસ્પિટલમાં 64 જેટલા ડોક્ટરો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. SVP હોસ્પિટલના 26, એલજી હોસ્પિટલના 30 અને શારદાબેન હોસ્પિટલના 8 ડોક્ટરો કોરોનાગ્રસ્ત થયા છે. કોરોના પોઝિટિવ થનાર તબીબોમાં મોટાભાગના રેસિડેન્ટ ડોકટરનો સમાવેશ થાય છે. SVP હોસ્પિટલના 4 રેસિડેન્ટ ડોક્ટર એવા છે, જેઓને બીજીવાર કોરોનાનો ચેપ લાગ્યો છે. અગાઉ કોરોનાથી સાજા થયા બાદ ફરી તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. સમયાંતરે કોરોના દર્દીઓની સારવાર કરતા ડોક્ટરોના કોરોના રિપોર્ટ કરવામાં આવતા હોય છે. જેના અંતર્ગત રિપોર્ટ કરાતા મોટી સંખ્યામાં ડોક્ટરો કોરોનાથી સંક્રમિત જણાયા છે.


આ પણ વાંચો : અમદાવાદીઓની ચિંતામાં ઓર વધારો, કોવિડ હોસ્પિટલમાં 64 જેટલા તબીબો કોરોના પોઝિટિવ


જેતપુરમાં તબીબોની હડતાળ 
આજે જેતપુરમાં ડોક્ટરોની સુરક્ષાના મુદ્દે ડોક્ટરોએ 3 દિવસની હડતાળની ચીમકી આપી હતી. ત્રણ દિવસ પહેલા જેતપુરના બાવાવાળા પરામાં રહેતા મનીષ સખરેલીયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેને જેતપુરની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેણે ધમાલ મચાવી હતી. તેને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. જ્યારે કે, તેની પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા એ ગુસ્સે ભરાયો હતો. જેતપુરની સંજીવની હોસ્પિટલમાં જઈને આ રિપોર્ટ ખોટો છે એમ કહીને સંજીવની હોસ્પિટલના ડોકટર અને જેતપુર IMA ના સેક્રેટરી સંજય ક્યાડા સાથે ગાળાગાળી કરી હતી અને ધમાલ કરી હતી. જેના પગલે જેતપુરના IMA ના ડોક્ટરોએ આ ઘટનાને વખોડી કાઢી હતી અને મનીષ રાજકીય વગ ધરાવતો હોવાનો પણ આક્ષેપ ડોક્ટરોએ કર્યો હતો. તબીબોએ જેતપુર પોલીસ સ્ટેશનમાં મનીષ સખરેલીયા સામે ફરિયાદ કરી હતી અને સાથે સાથે ડોક્ટરોએ તાત્કાલિક પગલાં લેવાની માગણી કરી હતી. જેના પગલે જેતપુર પોલીસે તાત્કાલિક મનીષ સખરેલીયાની અટકાયત કરી હતી. મનીષ સખરેલીયા કોરોના પોઝિટિવ હોઈ તેને તાત્કાલિક રાજકોટની કોવિડ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો. 


આ પણ વાંચો : તાપી નદીમાં પડતુ મૂકીને સુરતના રત્નકલાકાર વિકાસ સંઘના પ્રમુખે કરી આત્મહત્યા