સુરતની `સૂરત` હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે આર્થિક સંકડામણમાં ટૂંકાવ્યું જીવન, આર્થિક પેકેજની માગ
સુરતનો હીરો ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યાં છે. હીરા ઉદ્યોગમાં મંદી આવતા અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આર્થિક સંકટામણને કારણે વધુ એક હીરાઘસૂએ આપઘાત કરી લીધો છે.
સુરતઃ સુરતનો હીરા ઉદ્યોગ મંદીના મારમાં સપડાઈ ગયો છે. મંદીનો માર કંઈક એવો પડ્યો છે અનેક રત્નકલાકારો બેકાર બની ગયા છે. બેકાર બનેલા હીરાઘસૂઓ આપઘાત કરી રહ્યા છે...મંદીનો માર ન સહન કરી શકનારા વધુ એક રત્નકલાકારે આપઘાત કર્યો છે. ત્યારે જુઓ રત્નકલાકારોને મારનારી મંદીનો આ અહેવાલ....
આ સ્થિતિ એ સુરતની છે જેણે હીરા ઉદ્યોગમાં વિશ્વમાં નામના મેળવી છે, હીરા પોલિશિંગમાં સમગ્ર વિશ્વમાં ડંકો વગાડ્યો છે. જે સુરતમાં 100માંથી 90 હીરાનું કટિંગ અને પોલિશિંગ થતું હતું તે હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો છે....જે ઉદ્યોગમાં અનેક લોકોના ઘર નભતા હતા તે ઘરના ચુલા ઓલવાઈ ગયા છે. અનેક રત્નકલાકારોએ સુરત છોડી દીધું છે...તો કેટલાક મંદીના આ મારથી મોતને વ્હાલુ કરી રહ્યા છે...વધુ એક રત્નકલાકાર ભરત કથીરિયાએ આપઘાત કર્યો છે....હીરાઘસૂની આત્મહત્યા બાદ રત્ન કલાકાર સંઘે આર્થિક પેકેજની માગણી કરી છે.
રત્નકલાકાર સંઘે હીરાઘસૂઓની વણસેલી સ્થિતિને સુધારવા માટે આર્થિક પેકેજની સરકાર સમક્ષ માગણી કરી છે. અને ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર તેમની માગણી નહીં સ્વીકારે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચોઃ સુરત પોલીસ થઈ સક્રિય, 200થી વધુ દારૂ પીધેલાને ઝડપ્યા, કરી કાર્યવાહી
સુરતનો આ ડાયમંડ ઉદ્યોગ તેની ચમકને કારણે જાણીતો છે પરંતુ આ ચમક હવે ફીકી પડવા લાગી છે. તેની પાછળ અનેક કારણો છે. હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડિયાએ રત્નકલાકારોની આ સ્થિતિ પર ઉદ્યોગકારોને પણ સલાહ આપી....
સુરતમાં હાલ સ્થિતિ એટલી વિકટ છે કે અનેક રત્નકલાકારોએ પોતાના સંતાનોને શાળામાંથી ઉઠાડી દીધા છે...સુરતની અનેક શાળાઓમાંથી LC લઈ લેવામાં આવ્યા છે...મોટા ભાગના રત્નકલાકારોએ સુરત છોડી દીધું છે અને ગામડે જતા રહ્યા છે...પહેલા જે સોસાયટીઓ રત્નકલાકારો અને તેમના પરિવારથી હરીભરી રહેતી હતી ત્યાં સુમસામ જોવા મળી રહ્યું છે. અનેક ઘરો પર ખંભાતી તાળા લટકી રહ્યા છે.
સરકારે સુરતના આ ઉદ્યોગ માટે કંઈક વિચારવું જ પડશે. સુરત ગમે તેટલો વિકાસ કરે પરંતુ સુરતની સાચી ઓળખ તો હીરા જ છે...જો હીરાની ચમક ઓછી થઈ તો સુરતની પણ ચમક ઓછી થઈ જશે તે નક્કી જ છે.