ગાંધીનગર: જીવદયાના હેતુસર ગૌવંશ રખરખાવ અને નિભાવણી કરતી સેવાભાવી સંસ્થાઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એક ઉદાત્ત અભિગમ અપનાવ્યો છે. રાજ્ય સરકારે ગૌવંશના પોષણ, નિભાવ અને આશ્રય માટે આર્થિક સહાય આપવા રૂ. 500 કરોડના પ્રાવધાન સાથે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જાહેર કરેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યોજના અન્વયે ગૌશાળા-પાંજરાપોળમાં રાખવામાં આવતા પ્રત્યેક પશુ માટે રોજના રૂ. ૩૦ પ્રમાણે સહાય અપાશે. રાજ્યની વિવિધ પાંજરાપોળ, ગૌશાળાઓ જે પબ્લીક ટ્રસ્ટ એક્ટ અંતર્ગત નોંધાયેલ છે પરંતુ પોતાની માલિકીની જમીન ધરાવતી નથી તેમના દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ સમક્ષ રજુઆતો કરવામાં આવી હતી. 


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવી સંસ્થાઓ, ગૌશાળા-પાંજળાપોળો અને ગૌભક્તોની લાગણીનો સંવેદનાપૂર્ણ પ્રતિસાદ આપ્યો છે. મુખ્યમંત્રીએ એવો ઉદાત્ત નિર્ણય કર્યો છે કે હવે, મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ આવી જે સંસ્થાઓ, ગૌશાળાઓ પોતાની માલિકીની જમીન ધરાવતી નથી તેમને પણ અપાશે. 


પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં જણાવ્યું છે કે, અબોલ પશુજીવો પ્રત્યેના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સંવેદનશીલ, ઉદાર અભિગમને પરિણામે હવે રાજ્યની વધુ 1200 જેટલી ગૌશાળા-પાંજરાપોળના પશુઓને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ મળતો થશે. સમગ્રતયા રાજ્યભરની અંદાજે 1600 થી વધુ સંસ્થાઓના પાંચ લાખ જેટલા પશુઓને આ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ ભૂપેન્દ્ર પટેલના પશુજીવો પ્રત્યેના સંવેદનાસભર નિર્ણયથી મળશે. 


એટલું જ નહિ, તાલુકા કક્ષાની સમિતિ દર ત્રણ મહિને આવી સંસ્થાઓના સહાય પાત્ર પશુઓની સંખ્યાની ચકાસણી કરી જિલ્લાકક્ષાની સમિતિને વિગતો રજૂ કરશે. તેના આધારે જિલ્લા કલેકટર વિગતવાર સહાય માટેનો આદેશ/હુકમ ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડને મોકલી આપશે. તદઅનુસાર, ગુજરાત ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા આવી સહાયની રકમ જે તે લાભાર્થી સંસ્થાના બેંક ખાતામાં ડી.બી.ટી. થી સીધી જ જમા કરાવવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube