જયેશ દોશી/નર્મદા : 31 ઓક્ટોબર સરદાર પટેલની જન્મજયંતી પર અનાવરણ થયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ ફલક પર ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. આ દિવસે જ્યારથી સ્ટેચ્યુનું લોકાર્પણ કરાયું છે, ત્યારથી આ ટુરિસ્ટ પ્લેસ પર મુસાફરોનો અવિરત પ્રવાહ રહ્યો છે. તેમાં પણ લોકાર્પણ બાદ સીધું જ દિવાળી વેકેશન આવી જતા અહી જોનારાઓની લાંબી લાઈનોના દ્રશ્યો પણ સર્જાયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીને દિવાળીમાં સૌથી વધુ પ્રવાસીઓ મળ્યા હતા. પરંતુ બાદમાં પણ સતત અહીં આવનારા પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્રણ મહિનામાં કુલ 8 લાખ 12 હજાર પ્રવાસીઓએ સ્ટેચ્યુને નિહાળ્યું છે. જેથી કહી શકાય કે ગુજરાત આવતા પ્રવાસીઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમની પહેલી પસંદગી બન્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને 31 જાન્યુઆરીએ 3 માસ પૂરા થયા છે. ત્યારે ઉદઘાટન બાદ ત્રીજા મહિને એટલે કે જાન્યુઆરીમાં 2,83,298 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. જેનાથી સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને 7 કરોડ 42 હજાર 20 ₹ ની આવક થઈ છે. આંકડા પર નજર કરીએ તો, ત્રણ મહિનામાં અનેક પ્રવાસીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી છે. જેને કારણે આ સ્ટેચ્યુની દેખરેખ કરતા સરદાર વલ્લભભાઈ એક્તા ટ્રસ્ટને કરોડોની આવક થઈ છે. કુલ ત્રણ મહિનામાં અહીં 8,12,577 પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. આમ, સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટને પ્રવાસીઓ થકી 19,09,00,411 રૂપિયાની આવક થઈ છે. 3 મહિનામાં 80 દિવસ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહ્યું હતું.



  • નવેમ્બર - 27 દિવસ, પ્રવાસીઓ - 2,79,166, ટિકિટની આવક - 6,38,57,321₹ થઈ.

  • ડિસેમ્બર - 26 દિવસ, પ્રવાસીઓ-  2,50,113, ટિકિટની આવક - 5,70,01,060 ₹ થઈ.

  • જાન્યુઆરી - 27 દિવસ, પ્રવાસીઓ - 2,83,298, ટિકિટની આવક - 7,00,42,020 ₹ થઈ.


ટીકિટ 380 રૂપિયા 
બસથી લઈને સ્ટેચ્યુ નિહાળવા સુધીની આખી ટીકિટ માત્ર 380 રૂપિયા છે. આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા સ્ટેચ્યુને નિહાળવા માટે છેલ્લા દસ દિવસથી એક્સપ્રેસ ટિકીટ શરૂ કરાઈ છે, જેનો દર 1000 રૂપિયા રાખવામાં આવ્યો છે. જ્યા કોઈ પણ મુસાફર ડાયરેક્ટ સ્ટેચ્યુની વિઝીટ કરી શકશે. જ્યારે કે, ડેમ પાસે શરૂ કરાયેલ બોટિંગની સુવિધા માટેની ટિકીટના દર 250 રૂપિયા છે. 



હેલિકોપ્ટર સેવાની ખાસિયત


  •  હેલિકોપ્ટરમાં બેસવા માટે એક પ્રવાસીની ટિકિટ 2900 રૂપિયા રાખવામાં આવી છે. 

  •  10 મિનિટની હવાઈ મુસાફરી રહેશે

  •  આ હવાઈ મુસાફરીમાં પ્રવાસીઓને ફ્લાવર ઓફ વેલી, નર્મદા ડેમ અને સ્ટેટ્યૂ ઓફ યુનિટીનો એરિયલ વ્યુ બતાવવામાં આવશે

  • એક સવારીમાં હેલિકોપ્ટરમાં એક સાથે કુલ 6 થી 7 પ્રવાસી બેસી શકશે