સુરેન્દ્રનગરઃ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ચાર વર્ષ પહેલા સાવકી માતાએ પુત્રની હત્યા કરી દેતા સુરેન્દ્રનગર શહેર સહીત જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવને ચાર વર્ષ પૂર્ણ થવા આવ્યા તેમ છતા પણ પરિવાર ન્યાયની રાહ જોઇ રહ્યો છે. સાવકી માતાને કડકમાં કડક સજા મળે તેવી પરિવારજનોની માંગ કરી રહી છે. 7 વર્ષના માસુમ પુત્રની હત્યા કરનાર સાવકી માતાને સજા મળે ત્યાં સુધી પિતાએ બીજા લગ્ન ન કરવાના શપથ લીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતીમાં કહેવત છે કે છોરૂ કછોરૂ થાય પરંતુ માવતર કમાવતર ન થાય. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2018માં બનેલી ઘટનાએ જાણે આ કહેવતને ખોટી ઠેરવી છે. સુરેન્દ્રનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા શાંતિલાલ પરમારના લગ્ન ડિમ્પલ નામની યુવતી સાથે થયા હતા. જેના થકી તેમને એક બાળક થયું હતું. બાળકનું નામ ભદ્ર હતું. જો કે ડિમ્પલબેનનું માંદગીના કારણે અવસાન થયું હતુ.


માસુમ બાળક ભદ્રને માતાનો પ્રેમઅને હુંફ મળે તે માટે પરિવારજનોએ શાંતિલાલના બીજા લગ્ન અમદાવાદની જીનલ નામની યુવતી સાથે કરાવ્યા હતાં. જીનલના અગાઉ પણ બે લગ્ન થઇ ચુક્યા હતા. જેમાં તેને એક દિકરી થઇ હતી. શાંતિલાલ અને જીનલનું લગ્નજીવમ થોડો સમય તો સુખમય પસાર થયું પરંતુ ત્યાર બાદ બાળકોને લઇને વારંવાર માથાકુટ થતી હતી.


તારીખ ૬-૨-૨૦૧૮ ના રોજ જીનલ ભદ્રને હોમવર્ક કરાવવા ઘરના ઉપરના રૂમમાં લઇ ગઇ અને અચાનક નીચે આવી કહેવા લાગી કે ભદ્ર દિવાલ ટપીને ક્યાંક ચાલ્યો ગયો છે. જો કે મોડી સાંજસુધી તેનો પત્તો ન લાગતા અંતે શાંતિલાલે શોધખોળ હાથ ધરી હતી. રાત્રીના લગભગ ૧૦ વાગ્યા આસપાસ માસુમ ભદ્રની લાશ ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં રહેલી સુટકેશમાંથી મળી આવતા પરિવારજનો પર આભ તુટી પડ્યું હતુ.


ભદ્રના મોત અંગે સાવકી માતા જીનલની પુછપરછ કરતા તેણે ભદ્રને મોંઢા પર ડુચો દઇ કપડા વડે હાથપગ બાંધી દઇ સુટકેશમાં પુરી દીધો હોવાની કબુલાત કરી હતી. જેના પગલે પોલીસ અને પરિવાર બંન્ને ચોંકી ઉઠ્યા હતા. પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ આરોપી જીનલની ધરપકડ કરી હતી. આ ઘટનાને આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે. જો કે પરિવાર હજી પણ ન્યાચ ઝંખી રહ્યો છે.