દ્વારકા મંદિરની રોકડ આવકમાં થયો ઘટાડો, પણ સોનાનું દાન વધ્યું
ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરની 2018-19ની આવક જાહેર કરવામાં આવી છે. જગત મંદિરમાં 2018-19 દરમિયાન રોકડ 12 કરોડ 18 લાખ 1 હજાર 700નું દાન મળ્યું છે.
રાજુ રૂપારેલિયા/દ્વારકા :ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરની 2018-19ની આવક જાહેર કરવામાં આવી છે. જગત મંદિરમાં 2018-19 દરમિયાન રોકડ 12 કરોડ 18 લાખ 1 હજાર 700નું દાન મળ્યું છે. જ્યારે 812 ગ્રામ સોનું અને 41 કિલો ચાંદીનું દાન ભગવાનને ચઢાવવામાં આવ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રોકડ દાનમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સોનામાં 121 ગ્રામ અને ચાંદીના દાનમાં 8 કિલોનો વધારો જોવા મળ્યો.
ગુજરાતમાં અંબાજી પછી સૌથી વધુ આવક ધરાવતા મંદિરમાં યાત્રાધામમાં દ્વારકાનો સમાવેશ થાય છે. આ મંદિરમાં ત્રણ વર્ષમાં કુલ 13 કરોડની આવક નોંધાઈ છે. ગયા વર્ષની સરખામણીએ મંદિરની રોકડ ઘટાડો થયો છે, પરંતુ દાનમાં મળેલ સોનામાં વધારો થયો છે. ગયા વર્ષથી સરખામણીમાં મંદિરને 76 લાખ રૂપિયા ઓછા મળ્યા છે. મંદિરને આ વર્ષે 812 ગ્રામ સોનુ દાનમાં મળ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં મંદિરને 121 ગ્રામ સોનાની આવકમાં વધારો નોંધાયો છે. તો બીજી તરફ, મંદિરને મળતી ચાંદીની આવકમાં ઘટાડો થયો છે. આ વર્ષે મંદિરને 41 કિલો ચાંદી દાનમાં મળ્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં 8 કિલો ઓછું છે.
પૂજારીને અપાય છે 83 ટકા રકમ
દાનમાં મળેલ રોકડમાંથી 83 ટકા સેવાપૂજા કરતા પૂજારીને, 15 ટકા દેવસ્થાન સમિતિ અને 2 ટકા ચેરિટી માટે કમિશનર કચેરીમાં જમા કરાવવામાં આવે છે. આ આવક એપ્રિલ 2018થી માર્ચ, 2019 સુધીની છે.