વડોદરાઃ વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવા તંત્રએ પાણીની જેમ રૂપિયા વહાવ્યા છે. પ્રોજેક્ટની સમયમર્યાદા પણ પૂરી થઈ ચૂકી છે. જો કે હજુ સુધી પ્રોજેક્ટના ઘણા કામો અધૂરા છે. શહેર હજુ સ્માર્ટ નથી બન્યું. લોકોને હજુ પણ સારા રસ્તા જેવી જરૂરી સુવિધાઓ નથી મળી રહી. જે સત્તાધીશોની કામગીરી  સામે સવાલ ઉભા કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના મહાનગરોને સ્માર્ટ બનાવવા છેલ્લા કેટલાક વર્ષોથી મોટી કવાયત ચાલી રહી છે. આ માટે જુદા જુદા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. જો કે શહેરો સ્માર્ટ ક્યારે બનશે તે કોઈને ખબર નથી.


વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશને 2017માં સ્માર્ટ સિટી મિશન હેઠળ 23 પ્રોજેક્ટ શરૂ કર્યા હતા...6 વર્ષમાં આ પ્રોજેક્ટ હેઠળ 748 કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે. જેમાંથી કેન્દ્ર સરકારે 5 વર્ષમાં 392 કરોડ રૂપિયા ફાળવ્યા છે...જ્યારે રાજ્ય સરકાર અને વડોદરા કોર્પોરેશને 195 કરોડ આપ્યા છે, છતાં લોકો સ્માર્ટ સુવિધાથી વંચિત છે. 


આ પણ વાંચો- 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો, એકને ફાંસી


સ્માર્ટ સિટી પ્રોજેક્ટના કામોની સમયમર્યાદા જૂન 2023 સુધીની છે, તેમ છતા હજુ મહત્વના 5 પ્રોજેક્ટ અધૂરા છે. અધૂરા પ્રોજેક્ટમાં 158 કરોડનો સ્માર્ટ રોડ પ્રોજેક્ટ, 122 કરોડ રૂપિયાનો સ્માર્ટ વોટર ઓડિટ પ્રોજેક્ટ, 25 કરોડ રૂપિયાનો સ્માર્ટ અપગ્રેડેશન ઓફ વેસ્ટવોટર પંપિંગ સ્ટેશન પ્રોજેક્ટ, 3 કરોડ 20 લાખનો ડીપ વોટર રિચાર્જિંગ પ્રોજેક્ટ તેમજ 29 કરોડ 80 લાખ રૂપિયાના ઈ.આર.પી અંડર પ્રોજેક્ટ યુટિલિટી પ્લસ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.


લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે બાકી પ્રોજેક્ટ ક્યારે પૂરા કરવામાં આવશે....તેની સામે સત્તાધીશોનો જવાબ છે કે ટૂંક સમયમાં જ વડોદરા સ્માર્ટ સિટી બની જશે.


સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ કેટલાક મહત્વના પ્રોજેક્ટ પૂરા પણ થયા છે, જેનો જનતાને લાભ પણ મળી રહ્યો છે...પૂરા થયેલા પ્રોજેક્ટની વાત કરીએ તો GFXIN સીટી બસ સર્વિસ, ઈન્ટિગ્રેટેડ ઓપરેશન સેન્ટર, કમાંડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, CCTV કેમેરા નેટવર્ક, સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ અને રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ GFXOUT જેવા અનેક પ્રોજેક્ટ પાલિકાના ચોપડે પૂરા થયા છે.


આ પણ વાંચોઃ બોર્ડની પરીક્ષામાં એક વિદ્યાર્થિનીની તબીયત લથડી, 108ની ટીમે પરીક્ષાખંડમાં સારવાર આપી


જો કે વિપક્ષનો દાવો છે કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ફક્ત પૈસા જ વેડફાયા છે. સામાન્ય સુવિધાઓ માટે સ્માર્ટ શબ્દ આપી દેવાયો છે. તો આ તરફ સત્તાધીશો પણ સ્વીકારે  છે કે સ્માર્ટનો અર્થ લોકોની સમસ્યા દૂર થાય તે જ છે.


અહીં સવાલ એ ઉભો થાય છે કે સારા રસ્તા અને પાણીની સગવડ તો પાયાની સુવિધા છે, લોકોને આ સુવિધા પૂરી પાડવી એ તો તંત્રની ફરજ છે. આ પ્રોજેક્ટને સ્માર્ટ સિટી હેઠળ આવરીને તંત્ર શું સાબિત કરવા માગે છે. તંત્ર જે રીતે દાવો કરે છે, તે ફાયદા લોકોને ક્યારે મળશે, તે મોટો સવાલ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube