11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો, એક આરોપીને ફાંસી, એકને આજીવન કેદ

11 વર્ષની બાળકી સાથે બળાત્કાર અને હત્યા કેસમાં બારડોલીની સેશન્સ કોર્ટે આરોપીઓને આકરી સજા ફટકારી છે. ફેબ્રુઆરી 2022માં બનેલી આ ઘટનામાં કોર્ટે એક આરોપીને ફાંસીની તો બીજાને આજીવન કેદની સજા ફટકારી છે. 

11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો, એક આરોપીને ફાંસી, એકને આજીવન કેદ

સુરતઃ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે 2022ના ફેબ્રુઆરી મહિનામાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી હત્યા નિપજાવવામાં આવી હતી. આ કેસમાં બારડોલીની એડિશનલ સેશન્સ કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. આજે આ કેસમાં આરોપીઓને સજા ફટકારવામાં આવી છે. બારડોલીની કોર્ટે એક આરોપીને ફાંસીની જ્યારે બીજા આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે કોર્ટે આરોપીઓ પર દંડ પણ ફટકાર્યો છે. 

આ બળાત્કાર અને હત્યાનો કેસ બારડોલીની સેશન્સ કોર્ટમાં ચાલતો હતો. સોમવારે સેશન્સ કોર્ટે બંને આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. બારડોલી સેશન્સ કોર્ટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ બીજી ગોલાણીએ મુખ્ય આરોપી દયાચંદ ઉમરાવ પટેલને ફાંસીની સજા અને તેની મદદ કરનાર કાલુરામ ઉર્ફે કાલુ જાનકી પ્રસાદ પટેલને આજીવન કેદની સજા ફટકારી હતી. 

આ કેસ અંગે સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યુ કે, સમગ્ર મામલામાં 42 જેટલા સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા. આરોપીઓનું કૃત્ય નિર્દયી હતું. બંને આરોપીઓ બાળકીને લોહીયાળ સ્થિતિમાં છોડી રૂમમાં બંધ કરી ભાગી ગયા હતા. માનવતાને લજ્જાવનાર આ કૃત્યમાં આરોપીઓને આકરી સજા થાય તેની માંગ કરવામાં આવી હતી. કોર્ટે આ માંગ ગાહ્ય રાખી એક આરોપીને ફાંસીની સજા તો બીજાને આજીવન કેદની સજા ફટકારી છે. 

શું છે સમગ્ર ઘટના
20 ફેબ્રુઆરી 2022ના રોજ જોવળામાંરહેલું દંપત્તી તેમના બે સંતાનો 11 વર્ષની બાળકી અને 5 વર્ષના પુત્રને ઘરે એકલા મુકીને કામ કરવા ગયું હતું. ત્યારે બપોરના સમયે ભાઈ-બહેન રમતા હતા. ત્યારે 32 વર્ષીય દયાચંદ્ર પટેલ નામનો વ્યક્તિ આવીને બાળકીનો હાથ પકડીને લઈ ગયો હતો. જ્યારે સાંજે માતા-પિતા આવ્યા તો પુત્રી ન દેખાતા પુત્રએ સમગ્ર બાબત જણાવી હતી. ત્યારબાદ તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. માતા-પિતાએ ખાલી રૂમોમાં તપાસ કરી હતી. એક રૂમમાં તાળુ મારેલું હતું. આ તાળું તોડીને અંદર તપાસ કરતા બાળકી લોહીલુહાણ હાલતમાં પડેલી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરંતુ તેનું મોત થયું હતું. ત્યારબાદ પોલીસે દયાચંદ્ર ઉમરાવ પટેલ અને તેની મદદ કરનાર કાલુરામ જાનકી પ્રસાદની પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કરી ધરપકડ કરી હતી. 

કોર્ટ દ્વારા બંને આરોપીએને સજા ફટકાર્યા બાદ બાળકીના પરિવારજનોએ આ ચુકાદાને આવકાર્યો છે. બાળકીના પરિવારજનોએ કહ્યું કે કોર્ટ દ્વારા અમને જે ન્યાય આપવામાં આવ્યો છે, તેને અમે સ્વીકારીએ છીએ. અમારી દીકરી સાથે બળજબરી કરવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news