અમેરિકાના પેન્ટાગન બિલ્ડિંગના નામ પર દુનિયાના સૌથી મોટી બિલ્ડિંગનું લેબલ લાગ્યું હતું. પરંતુ હવે આ ખિતાબ ગુજરાતના સુરતમાં બનેલી એક મહાકાય વિશાળ ઈમારતને મળેલો છે.  થોડા સમય પહેલા આ બિલ્ડિંગનું ઉદ્ઘાટન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે કર્યું હતું અને દેશ વિદેશમાં તેની નામના થઈ હતી. પરંતુ હવે આ જ બિલ્ડિંગને ભૂતિયું બિલ્ડિંગ લોકો કહી  રહ્યા છે તો આખરે કેમ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભૂતિયું બિલ્ડિંગ?
અહીં જેની વાત કરીએ છીએ તે છે સુરતનું ડાયમંડ બુર્સ. આ બિલ્ડિંગમાં 4200 ઓફિસ છે જે કોઈ કારણસર હજુ ખુલી શકી નથી. આ કારણે લોકો તેને ભૂતિયુ બિલ્ડિંગ  કહી રહ્યા છે. જો કે સુરત ડાયમંડ બુર્સ મેનેજમેન્ટ આ વાતની મનાઈ કરે છે અને કહે છે કે આ બિલ્ડિંગને શરૂ કરાવવા માટે દરેક શક્ય કોશિશ થઈ રહી છે. સુરતના ખજોદ વિસ્તારમાં સરકારના ડ્રિમ સિટી પ્રોજેક્ટમાં સુરત ડાયમંડ બુર્સ બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. જેમાં 9 ટાવર છે અને 4200 ઓફિસ છે. આ સુરત ડાયમંડ બુર્સને બનાવવા માટે સુરત અને મુંબઈના વેપારીઓએ એડવાન્સ બુકિંગ લીધુ હતું. ત્યારબાદ અહીં બાંધકામ શરૂ થયું હતું. 


દરેક ટાવરમાં 13મો માળ ગાયબ?
લગભગ 4000 કરોડ રૂપિયાના ખર્ચે તેને તૈયાર કરવામાં આવ્યું હતું. તેને તૈયાર કરવામાં ભારતીય વાસ્તુ શાસ્ત્રનું પણ ધ્યાન રખાયું હતું. અહીં જે 9 ટાવર બન્યા છે તેમાંથી 13મો માળ દરેક ઈમારત બાદબાકી કરવામાં આવેલો છે. કારણ કે 13માં નંબરને અશુભ ગણવામાં આવે છે. આટલું કરવા છતાં પણ દુનિયાની સૌથી મોટી બિલ્ડિંગ ગણાતા સુરત ડાયમંડ બુર્સમાં એડવાન્સ બુકિંગ કરનારા ડાઈમંડ વેપારીઓ પોતાની ઓફિસ શરૂ કરી શક્યા નથી. સ્થિતિ એવી છે કે 4200 ઓફિસમાંથી માત્ર ચાર થી પાંચ ઓફિસ જ શરૂ થઈ શકી છે. જ્યારે આ બિલ્ડિંગ તૈયાર થયું હતું ત્યારે આ બિલ્ડિંગના મેનેજમેન્ટમાં કિરણ એક્સપોર્ટ નામથી ડાયમંડ વેપાર કરનારા વલ્લભભાઈ લાખાણી ચેરમેન હતા. તેમનો મુંબઈમાં ડાયમંડનો વેપાર હતો.


આ બિલ્ડિંગના ચેરમેન હોવાના કારણે સૌથી પહેલા તેઓ મુંબઈથી પોતાનો કારોબાર સમેટીને સુરત આવી ગયા હતા. પરંતુ અહીં નિષ્ફળતા જોતા ડાયંડ વેપારી વલ્લભભાઈ લાખાણી સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસને તાળુ મારી પાછા મુંબઈ શિફ્ટ થઈ ગયા અને સુરત ડાયમંડ બુર્સના ચેરમેન પદેથી પણ રાજીનામું આપી દીધુ. 


હાલ સુરત ડાયમંડ બુર્સની નવી કમિટીમાં અધ્યક્ષ તરીકે લાલજીભાઈ પટેલ છે. તેઓ ધર્મનંદન ડાયમંડ નામે ડાયમંડનો વેપાર કરે છે. સુરત ડાયમંડ બુર્સની આ સ્થિતિના પગલે તેને હવે  ભૂતિયું બિલ્ડિંગ પણ કહે છે. 


દિવાળી સુધીમાં શરૂ કરવાની યોજના
જો કે એક મીડિયા રિપોર્ટમાં લાલજીભાઈના નિવેદનને ટાંકીને જણાવ્યું છે કે ડાયમંડ વેપારીઓ સાથે બેઠક કરવા તેઓ મુંબઈ પણ જવાના છે જેનાથી સુરત ડાયમંડ બુર્સને પૂર્ણ રીતે શરૂ કરવામાં આવશે. લાલજીભાઈએ એમ પણ કહ્યું કે ફક્ત ઓફિસ શરૂ કરવાથી કામ નહીં થાય. જ્યારે લોકો ડાયમંડને ખરીદવા અને વેચવા માટે અહીં આવશે તો તેમના માટે વ્યવસ્થા પણ કરવી પડશે અને સુરક્ષા વ્યવસ્થા ઉપર પણ ધ્યાન આપી રહ્યા છીએ. બિલ્ડિંગ ભૂતિયું કહેવાય છે તે મુદ્દે તેમણે કહ્યું કે બિલ્ડિંગમાં ડાયમંડ વેપારીઓ દ્વારા બુકિંગ કરાવવામાં આવવા છતાં તેમણે પોતાની ઓફિસ શરૂ કરી નથી. આવામાં તેમનો પ્રયત્ન છે કે લોકો દિવાળી સુધીમાં ઓછામાં ઓછી 1000 ઓફિસ શરૂ કરે. જેનાથી ડાયમંડનો વેપાર શરૂ થાય. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સુરત ડાયમંડ બુર્સ જલદી શરૂ થઈ જશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube