Gujarat Election 2022,  મુસ્તાક દલ, જામનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે જામનગરમાં જાડેજા પરિવાર સામસામે આવી ગયો છે. જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપી છે, ત્યારે કોંગ્રેસ પ્રદેશ મહિલા મોરચાના મંત્રી અને રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજાના સમર્થનમાં છે. જેને લઇને નયનાબાએ આજે રીવાબા પર આક્ષેપ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગરમાં કોંગ્રેસ મહિલા નેતા નયનાબા જાડેજાએ ભાજપના ઉમેદવાર અને ભાભી રિવાબા જાડેજા સામે આકરા આક્ષેપો કર્યા છે. નયનાબા જાડેજાએ જણાવ્યું છે કે, જામનગર 78 ઉત્તર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાનું રાજકોટમાં મતદાન મથક છે. તો તેમને રાજકોટના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવું જોઈએ નહીં. પોતે પોતાને મત આપી શકે તેમ નથી તો લોકો પાસે કેમ મત માંગો છો? 78 વિધાનસભા બેઠકના લોકો આયાતી ઉમેદવારને મત કેમ આપશે? ચૂંટણી બાદ તે રાજકોટમાં જ રહેવાના છે.


નયનાબાએ રિવાબાને આડે હાથ લેતા જણાવ્યું કે, તમે સૌથી વધુ સમય તો વિદેશના પ્રવાસે હોવ છો, તો તમે લોકોની સ્થિતિ કંઇ રીતે જાણશો. રીવાબાએ ઈવીએમ મશીનમાં પોતાનું નામ રીવાસી હરદેવસિંહ સોલંકી રાખ્યું છે. રવીન્દ્રસિંહ જાડેજાનું નામ બ્રેકેટમાં છે. શું છ વર્ષમાં તેમને સરનેમ ચેન્જ કરાવવાનો સમય ન મળ્યો કે ખાલી પબ્લિસીટી માટે જ રવિન્દ્રસિંહના નામનો ઉપયોગ કર્યો?


નયનાબાએ જણાવ્યું કે, હું મારી ફરજ નિભાવી રહી છું એટલે આ બેઠક પૂરતો જ બોલવાનો મને અધિકાર હોવો જોઈએ. રીવાબાનું નામ રાજકોટમાં બોલે છે, જેથી તેમને ત્યાં બોલવું જોઇએ અને ત્યાં ઉમેદવારી નોંધાવવી જોઇએ. અહીંયા મત માંગવાનો તમને જરા પણ અધિકાર નથી.


મહત્વનું છે કે ભાજપે જામનગર ઉત્તર બેઠક પર ધારાસભ્ય હકુભા જાડેજાની ટિકીટ કાપીને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકીટ આપી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube