જામજોધપુરના ચિરાગ કાલરિયાએ ભાજપમાં જોડાવાની અફવાઓ પર મુક્યું પૂર્ણવિરામ
કોંગ્રેસમાં જ રહેવાનો અને જો હાર્દિક જામનગરથી ચૂંટણી લડે તો તેને સંપૂર્ણ સમર્થન આપવાનો કર્યો એકરાર
રક્ષિત પંડ્યા/ રાજકોટઃ લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ તડ-જોડનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. આયારામ-ગયારામની આવી જ ચર્ચાઓમાં જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ ભાજપમાં જોડાય એવી વાતો જોરશોરથી થતી હતી. જોકે, તેમણે તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકતા જણાવ્યું છે કે, તેઓ કોંગ્રેસની વિચારધારાને વરેલા છે અને કોંગ્રેસમાં જ રહેવાના છે.
શુક્રવારે કોંગ્રેસના બે ધારાસભ્ય જવાહર ચાવડા(માણાવદર) અને પરસોત્તમ સાપરિયા (ધ્રાંગધ્રા)એ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. જેમાંથી જવાહર ચાવડા તો બપોરે જ ભાજપમાં જોડાઈ ગયા હતા અને શનિવારે તેમણે કેબિનેટ મંત્રી તરીકેના શપથ પણ લઈ લીધા છે. જવાહર ચાવડાની સાથે-સાથે ભાજપના યોગેશ પટેલ અને ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ પણ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા.
સૌરાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના સારા પરિણામ બાદ લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપની નજર કોંગ્રેસના ધારાસભ્યો પર જોવા મળી રહી છે. જવાહર ચાવડા ઉપરાંત પણ કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમા હોવાની વાતો ચાલી રહી છે. જેમાંથી એક નામ જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયાનું છે. છેલ્લા થોડા સમયથી ભાજપ ચિરાગ કાલરીયાના સંપર્કમાં હોવાની ચર્ચા છે.