જામનગરમાં વકીલ કિરીટ જોશીની હત્યા મામલે મુંબઈથી બે વ્યક્તિની ધરપકડ
જામનગરના જાણીતા વકીલ કિરીટ જોષીની હત્યા કેસમાં બે આરોપીઓની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી.
જામનગરઃ શહેરના જાણીતા વકિલ કિરીટ જોશી હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે બે આરોપીને ઝડપી પાડ્યા છે. ક્રાઇમબ્રાંચે મુંબઇથી બે શખ્સને ઝડપ્યા છે જે કોન્ટ્રાક્ટ કિલર હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં જયેશ પટેલનું નામ ખુલ્યું છે. તેણે વકીલ કિરીટ જોશીની હત્યા માટે 50 લાખની સોપારી આપી હતી. જયેશ પટેલ સામે 100 કરોડની જમીન કૌભાંડનો આરોપ છે. આ કેસ કિરીટ જોશી લડી રહ્યાં હતા. બંને આરોપીએ હત્યા કરવાની કબૂલાત કરી છે. પોલીસે હજુ વધુ આરોપીઓની ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.
આરોપીઓની ધરપકડ અંગે ક્રાઇમ બ્રાન્ચની જેસીપી જે.કે.ભટ્ટે પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ચાર આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. મુખ્ય આરોપી જયેશ પટેલ છે. હત્યા કરવા માટે 50 લાખની સોપારી આપવામાં આવી હતી. આ કોન્ટ્રાક્ટ કિલિંગ હતું. હત્યા માટે પહેલા 80 થી 90 હજાર ચૂકવવામાં આવ્યા હતા. જેણે હત્યા કરાવી તેણે જમીનના ખોટા દસ્તાવેજો બનાવી જમીન પચાવી પાડી હતી. જયેશ પટેલ સામે 27 ગુનાઓ નોંધાયેલા છે. જયેસ પટેલના જમીન કેસમાં તેની વિરુદ્ધમાં વકીલ તરીકે કિરીટ જોષી હતા. આ અદાવતને કારણે તેમની હત્યા કરવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું.