અમદાવાદ: બુધવારે ગુજરાત વિધાનસભા ગૃહમાં થયેલી મારામારી બાદ અધ્યક્ષે કોંગ્રેસના 2 ધારાસભ્યોને 3 વર્ષ માટે જ્યારે 1 ધારાસભ્યને 1 વર્ષ માટે સસ્પેંડ કરવાનો ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો હતો. જેને લઇને કોંગ્રેસના નેતાઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જેના પગલે આજે જામનગર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આવી સસ્પેંડ ધારાસભ્યોને વિધાનસભામાં પરત લેવાની માંગણી કરી હતી. 


વિધાનસભામાં સસ્પેંડ કરાયેલા ધારાસભ્યોને વિધાનસભા સત્રમાં પરત લેવાની માંગને લઇને જામનગર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણા બેસી રામધૂન બોલાવી હતી. ઉપરાંત જિલ્લા કલેક્ટર કચેરી બહાર ટાયરો સળગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. આજે જામનગર કોંગ્રેસ સમિતિ દ્વારા ચિમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો સસ્પેંડ કરવામાં આવેલા ધારાસભ્યોને વિધાનસભા સત્રમાં લેવામાં નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.