જામનગરઃ ગુજરાતીઓનો ગરબાનો ક્રેઝ ભારે છે. ગરબાપ્રિય ગુજરાતીઓ ગમે ત્યાં ગરબા કરે. પરંતુ તમારો આ શોખ નિયમોને નેવે મૂકે ત્યારે. આજકાલ રીલ્સના રવાડે ચઢેલા લોકો ગમે તે કરવા તૈયાર થાય છે. રીલ્સ બનાવવા લોકો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે જામનગરના એક ગરબા ક્લાસીસના સંચાલકને રસ્તા પર ગરબા કરાવવા ભારે પડ્યુ હતું. જામનગર પોલીસે સબક શીખવાડતી કાર્યવાહી કરી છે. બીજી તરફ ભાજપના સાંસદ પૂનમબેને આ ગરબાની વાહવાહી કરી છે. પૂનમ બેન માડેમે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર આ વીડિયો શેર કરીને લખ્યું છે કે,  જરા શ્રાવણ આવે ને, આભ વાદળ ચઢે કે, ગાજે ગરજે ગગનને અમે જૂમીએ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમે જામનગરી જાત, મારે હૈયે બારે માસ, ખાંગા થાય મેઘ બાર, અમે જૂમીએ.... બેડી બંદર ખાતે ગરબા ઘૂમતા જુવાનીયાઓને અભિનંદન. આપ સૌએ જામનગરનો 'True Spirit' ઉજાગર કર્યો છે. હવે બેનના મતે આ જુવાનીયોએ જામનગરની 'True Spirit'ને ઉજાગર કરી છે પણ પોલીસના મતે જાહેર રોડ પર ગરબા એ નિયમોનો ભંગ છે. જેઓની સાથે જામનગર એસપીએ કાર્યવાહી કરી છે. હવે ગુજરાતની ભાજપ સરકાર ખુલાસો કરવાની જરૂર છે કે ગુજરાતીઓએ જાહેરમાં ગરબા ગાવા કે પોલીસના નિયમો પાળવા... કારણ કે ગરબા ગાવા સામે પોલીસ કાર્યવાહી કરે તો રંગમાં ભંગ પડે.....



પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરથી એક રીલ્સ વાયરલ થઈ હતી. જેમાં કેટલાક યુવક યુવતીઓ રસ્તાની વચ્ચોવચ ગરબા કરી રહ્યા હતા. તપાસ કરતા માલૂમ પડ્યુ કે, બેડી બંદર રોડ પર ભારે વાહનોની અવરજવર વાળા રોડ પર આ યુવક યુવતીઓએ રસ્તા પર ગરબા કર્યા હતા. ગરબાની રીલ્સ બનાવવા માટે વાહનોને અટકાવાયા હતા, તો રસ્તા પર અવરજવર પણ થોડા સમય માટે થંભી ગઈ હતી. 


ત્યારે વીડિયો વાયરલ થયા બાદ જામનગર પોલીસે મોટી કાર્યવાહી કરી હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે, રાસરસીયા ગરબા ક્લાસીસના સંચાલકોએ આ રીતે યંગસ્ટર્સને રસ્તા પર ગરબા કરાવડાવ્યા હતા. ત્યારે જામનગર પોલીસે આ ગરબા ક્લાસીસના સંચાલકો પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ગરબા ક્લાસીસના સંચાલકોની ધરપકડ કરવામાં આવી છે. 


આ પણ વાંચોઃ બાપાના રૂપિયા પણ નહીં આવે કામ, સરકારે ભેગા કર્યા આ સજ્જડ પુરાવા : હવે નબીરો ફસાયો


જામનગરનો આ કિસ્સો જીવ જોખમમાં મૂકી રીલ્સ બનાવતા લોકો માટે ચેતવણીસમાન છે. આ રીતે રસ્તા પર કોઈ ટ્રાફિક જામ કરીને રીલ્સ બનાવતા, હાઈરાઈઝ ઈમારત પર ચઢીને રીલ્સ બનાવતા કે પછી રેલવે ટ્રેક પર રીલ્સ બનાવતા લોકો માટે આ કિસ્સો ઉદાહરણ રૂપ છે કે, ચેતી જજો. રીલ્સની ઘેલછામાં આવુ કરશો તો કાર્યવાહી થશે. જોકે, પૂનમબેનની વાહવાહી બાદ પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ છે કે કાર્યવાહી યોગ્ય કરી છે કે ભૂલ કરી બેઠા છીએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube