• એક જાગૃત નાગરિકની ફરિયાદના પગલે જામનગર એસીબી દ્વારા ટ્રેપ ગોઠવાઈ હતી

  • પી.એસ.આઇ ઉમા ભટ્ટ વતી રૂપિયા 5 હજારની લાંચ લેતા ડ્રાઇવર દિવ્યરાજસિંહ ઝાલા પકડાયા 


મુસ્તાક દલ/જામનગર :જામનગર શહેરમાં અતિ ધમધમતા વિસ્તાર એવા અંબર ટોકીઝ રોડ પર ગઈકાલે મોડી સાંજે અચાનક જ એસીબીએ લાંચ અંગેની રેડ કરતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. મુખ્ય માર્ગ પર જ એસીબીની ટીમ દ્વારા મહિલા પોલીસ સ્ટેશનના ડ્રાઈવરને રૂપિયા 5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો. જામનગર મહિલા પોલીસ સ્ટેશનનો ડ્રાઇવર પીએસઆઇ વતી લાંચ લેતા ઝડપાયો હતો. જામનગર ACB ની ટીમે સમગ્ર કાર્યવાહી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર શહેરમાં સિટી બી ડિવિઝન નજીક ગત મોડી સાંજના એક જાગૃત નાગરિકની ફરિયાદના પગલે જામનગર એસીબી દ્વારા ટ્રેપ ગોઠવાઈ હતી. મહિલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ ઉમા ભટ્ટ વતી રૂપિયા 5 હજારની લાંચ લેતા ડ્રાઇવર દિવ્યરાજસિંહ ઝાલાને પકડી મોડી રાત્રે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. એસીબીની આ કામગીરીથી પોલીસ બેડામાં ફફડાટ મચી ગયો છે.


લાંચની ઘટનાની વિગત મુજબ, ફરીયાદીના સાળીને કોઈ ઈસમ ભગાડીને લઇ ગયો હતો. તેની તપાસ જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ઉમા ભટ્ટ પાસે ચાલતી હતી. મહિલા પીએસઆઈ ફરિયાદીને પોલીસ સ્ટેશન ખાતે અવારનવાર બોલાવતા હતા. ફરિયાદી પાસે તેમની સાળીના કેસની વ્યવસ્થિત તપાસ કરી તેના ખર્ચા પેટે રૂપિયા 5
હજારની લાંચની માંગણી કરી હતી. 


ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ન હોઈ તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. આ ફરિયાદ આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતુ. ત્યારે ઉમા ભટ્ટે લાંચના રૂપિયા આર્મ લોકરક્ષકના ડ્રાઈવર દિવ્યરાજસિંહ ભરતસિંહ ઝાલાને આપવા કહ્યું હતું. ત્યારે તે લાંચ સ્વીકારતા સમયે પકડાયો હતો. બંને આરોપીઓ સામે જામનગર એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 


જામનગરમાં પોલીસ કર્મી દ્વારા માંગવામાં આવેલી લાંચની ઘટના અંગે એક જાગૃત નાગરિક તરીકે નોંધવામાં આવેલ ફરિયાદના આધારે એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી પરમાર અને તેમના સ્ટાફ દ્વારા જામનગર શહેરમાં મોડી સાંજે જી.જી હોસ્પિટલ નજીક અંબર ટોકીઝ રોડ પર કોમ્પલેક્ષ પાસે ટ્રેપ ગોઠવ્યુ હતું. જામનગર એસીબીના સફળ છટકામાં મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ઉમા ભટ્ટ વતી મહિલા પોલીસ સ્ટેશનનો ડ્રાઇવર પોલીસ કર્મી દિવ્યરાજસિંહ ઝાલા પાંચ હજાર રૂપિયાની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપાયો હતો.


જ્યારે સમગ્ર મામલે મહિલા પીએસઆઇની શોધખોળ હાથ ધરી છે. પોલીસ કર્મચારી મહિલા પીએસઆઇ હતી. લાંચ લેતા પકડાતા બનાવના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જેથી હાલ આ મુદો જામનગર શહેર તેમજ પોલીસબેડામાં ટોક ઓફ ધ ટાઉન પણ બન્યો છે.