દેવભૂમિ દ્વારકાઃ ભગવાન શ્રીકૃષ્ણનું ધામ એટલે દેવભૂમિ દ્વારકા. એક સમયે દ્વારકા સોનાની નગરી હતી. તમે દ્વારકા વિશે તો ઘણું સાંભળ્યું હશે પરંતુ શું તમે બેટ દ્વારકા વિશે જાણો છો? જ્યારે ભક્તો દ્વારકાધીશના દર્શન કરવા માટે જાય છે ત્યારે કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ બેટ દ્વારકા ન જાય તો તેની યાત્રા અધૂરી રહે છે. બેટ દ્વારકાનો ઉલ્લેખ ઈતિહાસમાં જોવા મળે છે. આ તે જગ્યા છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારી હતી. તો ભગવાન શ્રીકૃષ્ણ અને તેમના મિત્ર સુદામાનું મિલન પણ બેટદ્વારકામાં થયું હોવાનું માનવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેટ દ્વારકા હતું શ્રીકૃષ્ણના પરિવારનું નિવાસ્થાન
સામાન્ય રીતે દરેક લોકોને પોતાના પરિવારની ચિંતા હોય છે. વ્યક્તિ પોતાના પરિવારનું ધ્યાન રાખવા માટે ગમે તે કરવા માટે તૈયાર થઈ જતો હોય છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણણે પોતાની પટરાણીઓને પણ બેટદ્વારકામાં સુરક્ષિત જગ્યાએ રાખી હતી. કારણ કે આ વિસ્તાર ચારે તરફ પાણીથી ઘેરાયેલો છે. દંતકથાઓ અનુસાર દ્વારકાથી ભગવાન શ્રીકૃષ્ણ રાજપાઠ ચલાવતા હતા અને બેટદ્વારકામાં તેઓ રહેતા હતા. 


સોળ હજાર એકસો આઠ રાણીઓનોનો મહેલ
તમે કૃષ્ણની સોળ હજાર રાણીઓ વિશે જાણો છો. પરંતુ ઘણા લોકો આ વિષયથી ભ્રમિત છે. જોકે કૃષ્ણને 8  રાણીઓ હતી. કૃષ્ણએ નરકાસુર દ્વારા અપહરણ કરાયેલ લગભગ 16,000 રાજકુમારીઓને મુક્તિ આપી. સમાજમાં બહિષ્કૃત થવાના ડરથી, તેમણે કૃષ્ણને વિનંતી કરી કે કૃષ્ણ તેમની સાથે લગ્ન કરે અને બેટ દ્વારકામાં તે બધા માટે જુદા જુદા મહેલો બનાવ્યા. જ્યારે કૃષ્ણનું રાજપાઠ ગોમતી કિનારે દ્વારકામાં હતુ. 


બેટ દ્વારકાનો ઇતિહાસ
દ્વારકા મંદિર આવતા શ્રધ્ધાળુઓમાં એવી માન્યતા છે કે બેટ દ્વારકાના દર્શન કર્યા વગર દ્વારકાની યાત્રા અધુરી છે. પુરાણ અનુસાર બેટ દ્વારકાએ જગ્યા છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારી હતી. જુના જમાનામાં લોકો પગપાળા યાત્રા દરમિયાન વધારે પૈસા સાથે નહોતા રાખતા. એ સમયે કોઈ વિશ્વાસુ અને વેપારી વ્યક્તિ પાસે પૈસા લખાવીને બીજા નગર જઈને હુંડી સ્વીકારવામાં આવતી.


કેટલાક લોકોએ નરસિંહ મહેતાની ગરીબીનું મજાક કરવા નરસિંહ મહેતા ના નામની હૂંડી લખાવી લીધી હતી. ભગવાન શ્રીકૃષ્ણએ શ્યામલાલ શેઠનું સ્વરૂપ ધારણ કરીને નરસિંહ મહેતાની હુંડીને ભરી દીધી હતી.તેનાથી નરસિંહ મહેતાની નામના વધી ગઈ.


પુરાણ અનુસાર એવી માન્યતા છે કે સુદામાજી જ્યારે પોતાના મિત્રને મળવા માટે દ્વારકા આવ્યા ત્યારે એક નાની પોટલીમાં ચોખા લઈને આવ્યા હતા. આ ચોખા ને ખાઈને ભગવાને મિત્ર સુદામા ની ગરીબાઈ ને દૂર કરી હતી. માટે અહીં આજે પણ ચોખાનું દાન કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. એવી માન્યતા છે કે મંદિરમાં ચોખા દાન કરવાથી ભક્તોની ગરીબી દૂર થાય છે.


બેટ દ્વારકા જવા માટે દ્વારકાથી 35 કિલોમીટરનું અંતર કાપવું પડે છે જેમાં 30 કિલોમીટરનો રસ્તો છે જ્યારે 5 કિલોમીટરનો રસ્તો સમુદ્ર માર્ગે થી કાપવો પડે છે. એટલે કે સમુદ્રી માર્ગે બેટ દ્વારકા પહોંચાય છે.


તેના મંદિરો ઉપરાંત દ્વારકા બીચ માટે પણ લોકપ્રિય છે. દ્વારકા ની ઉત્તરે જ, શિવરાજપુર બીચ ને સલામતી અને સ્વચ્છતા માટે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બ્લુ ફ્લેગનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. દ્વારકાના પાણીની અંદર રહેલા અવશેષો જોવા માંગતા લોકો માટે સ્કુબા ડાઇવિંગ એ સૌથી લોકપ્રિય પ્રવૃત્તિ છે. ગોમતી ઘાટ પાસે એક લાઇટહાઉસ પણ છે. તે સ્થાન જોવું આવશ્યક છે કારણ કે તે સૌથી પ્રાચીન લાઇટહાઉસમાંથી એક છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube