અમદાવાદ: જસદણ બેઠકની પેટા ચૂંટણી માટે આજે યોજાયેલ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. ચૂંટણી અધિકારીએ સાંજે પાંચ વાગ્યા સુધીમાં 71.27 ટકા જેટલું મતદાન થયું હોવાની માહિતી આપી છે. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા સહિત આઠ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થઇ ગયા છે. આગામી રવિવાર એટલ કે, 23મી તારીખે મત ગણતરી કરવામાં આવશે. વર્ષોથી કોંગ્રેસના ગઢ સમાન એવી આ બેઠક પર ભાજપ કોંગ્રેસ બંનેનો દાવ લાગ્યો છે. તો આવો જાણીએ મતદાનના સમગ્ર દિવસે કેવો માહોલ રહ્યો અને કેવા પ્રકારની ઘટનાઓ બની તે અંગેની તમામ માહિતી...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસદણમાં વહેલી સવારે મતદાન શરૂ થવાની સાથે અનેક ઘટાનાઓ સામે આવી હતી. વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ જસદણની ચૂંટણીમાં જોવા મળ્યો હતો. સવારે આઠના ટકોરે જસદણમાં મતદાન શરૂ કરાયું હતું. કડકડતી ઠંડી હોવા છતાં જસદણની ગલીઓમાં ચૂંટણીનો ગરમાવો જોવા મળ્યો હતો. વહેલી સવારે જ લોકો પોતાનો મત આપવા પહોંચી ગયા હતા.  


વધુમાં વાંચો: લાકડીને ટેકે મતદાન કરવા પહોંચ્યા જસદણના શતાયુ મતદારો


મતદાન શરૂ થયાના અડધા કલાકમાં જ કોંગ્રેસના અવસર નાકિયા અને ભાજપના કુંવરજી બાવળીયાએ મતદાન કર્યું હતું. જેમાં નાકિયાએ છકડો ચલાવી મતદાન માટે નીકળ્યા હતા. જેને કારણે જસદણની ગલીઓમાં ભારે કુતૂહલ સર્જાયુ હતું. અવસર નાકિયાએ પોતાના વતન હાંસલપુરમાં મતદાન કર્યું હતું. તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો છકડામાં બેસીને આવ્યા હતા. તથા ચૂંટણી પંચના આંકડા પ્રમાણે, જસદણમાં પ્રથમ કલાકમાં ૭.૯૭ ટકા મતદાન થયું હતું અને સરેરાશ 8 ટકા થયુ હતું. 


વધુમાં વાંચો: કુંવરજીની ઓડિયો ક્લિપ વાઈરલ, મતદારને ધમકાવતા હોવાનો કોંગ્રેસનો આરોપ


5 ઇવીએમ મશીનને બદલવામાં આવ્યા
ચૂંટણી દરમિયાન આશરે 5 જેટલા ઇવીએમ મશીનની બેટરી ઉતરી જતા ભારે હાલાકીનો સમાનો કરવો પડ્યો હતો. પરંતુ ચૂંટણી કમીશન દ્વારા તેને વહેલી તકે બદલી દેવામાં આવ્યા હતા. બે કલાકમાં સરેરાશ 10 ટકા મતદાન થયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ 15થી 17 ટકા મતદાન થયું ત્યારે શહેરમાં સરેરાશ 8થી 10 ટકા મતદાન થયું હતું. વિંછીયામાં સરેરાશ 10 ટકા જેટલું મતદાન થયું હતું. પહેલા બે કલાકમાં ગ્રામ્ય વિસ્તારમાં શહેર કરતા વધુ મતદાન થયું હતું.


વધુમાં વાંચો: કુંવરજીને મત આપ્યાનો ફોટો BJP વોટ્સએપ ગ્રૂપમાં મૂકાતા ખળભળાટ


મહિલા મતદારો માટે આદર્શ મતદાન મથક
આદર્શ મહિલા મતદાન મથકને દુલ્હનની જેમ શણગારાયું આવ્યું હતું. જસદણની ડી.એસ.વી.કે. હાઇસ્કૂલમાં સૌપ્રથમ વખત મહિલા મતદાન કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું. જેનું નામ આદર્શ મહિલા મતદાન મથક રાખવામાં આવ્યું હતું. 11 વાગ્યા સુધીમાં 25 ટકા મતદાન નોંધાયું હતું. જસદણના પારેવડામાં લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તેઓે પાણીની સમસ્યાથી ગુસ્સે થઈને મતદાનનો બહિષ્કાર કર્યો હતો. 


વધુમાં વાંચો: બંને પક્ષો પ્રચારમાં વિકાસનો મુદ્દો વિસર્યાં, ત્યારે જસદણનો જનાદેશ કોને ફળશે?


પેરાલિસીસથી પીડિત યુવાન રોહિત રાજપરા નામના યુવાને પણ મતદાન કર્યું હતું. તેમજ જસદણના 105 વર્ષના માજી કેસરબેન છગનભાઇ વાઘેલાએ મતદાન કર્યું હતું. વિકલાંગો માટે અલગ જ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં કોઇ ઘોડીના સહારે તો કોઇ લાકડીના ટેકે મતદાન કરવા આવી રહ્યા હતા. વિકલાંગોને લેવા-મુકવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તો બીજી તરફ, 105 વર્ષના કડવી બા ગોહિલે પણ લાકડીના ટેકે મતદાન કર્યું હતું. તેમના પરિવારજનોએ કહ્યું હતું કે, કોઈપણ ચૂંટણી હોય આ બા દર ચૂંટણીમાં મતદાન કરે છે. તેમને જોઈને યુવાનોનો ઉત્સાહ પણ વધી જાય છે. 


વધુમાં વાંચો: જસદણમાં જન-આક્રોશ: ખેડૂતોએ લસણ-ડુંગળીનો હાર પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું


વિરજી ઠુમ્મર અને રૂત્વિક મકવાણાની કરાઇ અટકાયત
વિરજી ઠુમ્મરની સાણથલીથી નવાગામ જતાં રસ્તામાં પોલીસે અટકાયત કરી હતી. તેઓ ઘરે જતાં હતા ત્યારે અટકાયત કર્યાનો દાવો કરાયો છે. પોલીસે વિરજી ઠુમ્મરને 5 વખત સૂચના આપી હતી. તેઓ વિસ્તાર કેમ નથી છોડતા કહીને અટકાયતનો દાવો કરાયો છે. જાહેરનામાના ભંગ બદલ તેમની અટકાયત કરાઈ હતી. જેને પગલે વિરજી ઠુંમર રસ્તા પર બેસી ગયા હતા. તે દરમિયાન તેમણે સ્થાનિક વહીવટી તંત્ર પર કોંગ્રેસના નેતાઓને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ મુક્યો હતો. ચોટીલાના કોંગ્રેસના ધારાસભ્ય રૂત્વિક મકવાણાની રાજકોટ રૂરલ પોલીસે અટકાયત કરી હતી. રૂત્વિક મકવાણા મતદાનના દિવસે ચૂંટણી પ્રચાર કરતા હોવાના મુદ્દે પોલીસે તેમની શીવરાજપુર નજીકથી અટકાયત કરી હતી. ચૂંટણીપંચ દ્વારા આપાવામાં આવેલી માહિતી અનુસાર 12 વાગ્યા સુધીમાં 37 ટકા મતદાન થયું હતું.


વધુમાં વાંચો: લાકડીને ટેકે મતદાન કરવા પહોંચ્યા જસદણના શતાયુ મતદારો


બપોર સુધીમાં થયું 58 ટકા મતદાન
જસદણ પેટા ચૂંટણીમાં સવારથી શરૂ થયેલા મતદાનમાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા માટે મતકુટીર સુધી પહોંચ્યા હતા. 3 વાગ્યા સુધી 58 ટકા મતદાન થયું હતું. બપોર હોવા છતાં જસદણવાસીઓમાં ઉત્સાહનો અનેરો માહોલ જોવા મળી રહ્યો હતો. 


વધુમાં વાંચો: BJP મહિલા સમ્મેલન નેતાઓએ છેલ્લી ઘડીએ હાથ ઉંચા કરતા,મહિલા અગ્રણીઓ રઝળ્યાં


અંતે શાતિ પૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ
સવારથી જ જોરશોરમાં શરૂ થયેલા મતદાનમાં આખા દિવસ દરમિયાન અનેક ઉતાર ચડાવ આવ્યા હતા. જેમાં વિરજી ઠુમ્મર અને ઋત્વીજ મકવાણાની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેમ અનેક વાર ચૂંટણી પંચને ગેરરીતીની ફરિયાદો મળી હતી. જેમાં સ્થળ પર જ મોટા ભાગની ફરિયાદોનો નિકાલ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે બે ફરિયાદને આગળ ચૂંટણી પંચ સુધી મોકલવામાં આવી છે. 


વધુમાં વાંચો: કુંવરજી બાવળીયાએ કુળદેવીના આર્શીવાદ લીધા, અવસર નાકિયા છકડો ચલાવીને બૂથ પર આવ્યા


સાંજ સુધીમાં 71.27 ટકા મતદાન 
સાંજે પાંચ વાગ્યા સુધીમાં થયેલા મતદાન અંગે ચૂંટણી પંચ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને મતદાનના આંકડાઓ અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં મોટી સાંજે પાંચ વાગ્યા સુધીમાં સમગ્ર જસદણમાં 71.27 ટકા જેટલુ મતદાન થયું છે. જેમાં 122180 પુરુષ મતદારોમાઁથી 90199 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે 109936 મહિલા મતદારોમાંથી 75219 જેટલી મહિલાઓએ મતદાન કર્યું હતું.મહત્વનું છે, કે મહિલા અને પુરૂષ મતદારોની બંન્નેની સંખ્યા 232116 છે, જેમાંથી 165418 લોકોએ મતદાન કર્યું હતું.  


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...